- રાજ્યમાં 3 વર્ષમાં 558 અકસ્માત, 234 લોકોના મોત અને 548 વ્યક્તિઓને ઇજાઓ
- રોડ અને ટોલ ટેક્સ ચૂકવવા છતાં ખાડામાં ગયેલા રસ્તાથી પ્રજાને વાહન અને શરીર પાછળ કરવો પડતો ખર્ચ
- ભરૂચના દેત્રાલ ગામના લોકોએ સ્થાનિક લોક અધિકાર મંચ હેઠળ આપ્યું આવેદન
- ભરૂચમાં 5 વર્ષની માસૂમ બાળકી અને મહિલા તલાટીના પરિવારના 3 ના મોત પાછળ સરકાર અને તંત્રને ઠેરવાયું દોષિત
ખરાબ રસ્તાના કારણે ભરૂચમાં 5 વર્ષની માસૂમ ધ્યાની અને મહિલા તલાટી, પતિ અને પુત્રીના મોત પાછળ પણ સરકાર અને તંત્ર જ દોષી હોવાના આક્ષેપ સાથે આજે સોમવારે દેત્રાલ ગામના લોકોએ સ્થાનિક લોક અધિકાર મંચના નેજા હેઠળ આવેદન પત્ર આપ્યું હતું.
સરકાર અને તંત્ર આંખે પાટા બાંધી શહેર, જિલ્લા તેમજ રાજ્યના બિસ્માર જીવલેણ માર્ગો અંગે અનદેખી કરી રહ્યું હોય તેનું ભાન કરાવવા 300 જેટલા લોકોએ આંખે કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા 3 વર્ષમાં 558 માર્ગ અકસ્માત સર્જાયા છે. જેમાં 234 લોકોના મોત થયા છે. જ્યારે 548 વ્યક્તિઓને ઇજા પોહચી હતી. સરકાર અને તેનું સરકારી તંત્ર પોતાની જવાબદારી નક્કી કરી તાત્કાલિક અસરથી શહેર, જિલ્લા અને રાજ્યના રસ્તાઓની દુર્દશા સુધારે તેવી રજુઆત કરી છે. સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામનાર અને ઇજા થયેલા વ્યક્તિઓને વળતર ચૂકવવા પણ માંગણી કરાઈ છે.