Published By : Parul Patel
✍️ ઝાડેશ્વર-તવરા રોડ પર તંત્ર જાગ્યું;દોડયું…એ પ્રજાશક્તિ અને મીડિયાના પાવર નો પ્રતાપ-વિજય !!!
✍️ માત્ર વહિવટીતંત્રને દોષ દેવા કરતા,ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વધારે જવાબદાર..એમને જ પકડો,ને પૂછો..અમારો શુ દોષ???
✍️ ડિપ્રેશન લેવલની ભરૂચની જનતાની નિષ્ક્રિયતા-ઉદાસીનતા,અને નેતાઓની લાગણી શૂન્યતા ભરૂચને અવિકસિત જ રાખશે??
રવિવારે તવરા ઝાડેશ્વર રોડની દયનીય હાલત અંગે એની આસપાસના 25 ગામોના 200-500 લોકોએ અસંખ્ય વેદના વેઠયા બાદ વરસતા વરસાદમાં પણ આંદોલને ચઢી પ્રજાશક્તિનો પરિચય કરાવતા કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્ર અને જડ-લાગણી શૂન્ય બનીને તંત્રને આડે રસ્તે ચઢવતા અથવા કહો કામ કરવાનો રસ્તો રોકતાં નેતાઓ થોડા હલ્યા…એટલુંજ નહીં, જો કરવું જ હોય, તો ઘણું બધું કરી શકાય, એનો અહેસાસ તંત્રએ પણ પ્રજાને પ્રજાના કહેવાતા નેતાઓને પણ કરાવ્યો. ભારે વાહન ચલાવવા પણ જ્યાં કઠિન હોય, એવા દોઢ ફૂટના ખાડાવાળા માર્ગ પર સામાન્ય ટુ વિહલર કે માણસ તો કેવી રીતે ચાલે?? જનતા હારી થાકીને જંગે ચઢે ત્યારે ભલ ભલી સત્તાના હાથ-પગ ધ્રુજતા હોય છે. હું વારંવાર કહી ચુક્યો છું કે ભરૂચનું નેતૃત્વગણ પ્રજાની સમસ્યાઓ પ્રતિ લાગણી શૂન્ય છે, એની પાછળનું મુખ્ય કારણ ભરૂચની જનતાની ડિપ્રેશન કક્ષાની સહિષ્ણુતા કહો કે નિષ્ક્રિયતા જવાબદાર છે. પ્રજાએ પ્રતિકાર કરવા, હક્ક માંગવા, સક્રિય તો રહેવું જ પડે, મત આપીને સુઈ જવાથી સુવિધાઓ ના જ મળે, સુરત અને બરોડાની જનતામાંથી પણ ભરુચીઓ કોઈ પ્રેરણા લેતા નથી, એટલે ભરૂચ વિકાસમાં પછાત રહ્યું છે, એ કહેવું જરાય ખોટું નથી. છેલ્લા 30-35 વર્ષનો હું સાક્ષી છું, બતાવો કોઈ એવું મોટું, શક્તિશાળી કે સક્રિય ભરુચિઓનું જન આંદોલન જેના થકી કોઈ પ્રજાની માંગ, જરૂરિયાત નેતાઓ કે વહીવટી તંત્રએ ઝુકીને, પુરી કરવી પડી હોય…એક પણ ઉદાહરણ મળતું નથી…આપને મળે તો કૉમેન્ટમાં લખજો…પછી એ પાલિકા તરફથી મળવા જોઈતા મૂળભૂત અધિકારોનો પ્રશ્ન હોય કે સીધી સરકારની યોજનાઓનો પ્રશ્ન હોય…જે મળ્યું, એ મોજથી ભોગવ્યું, એવા સ્વભાવના કારણે ભરૂચ અને ભરુચીઓ આજે પણ અન્યાયનો ભોગ બની રહ્યા છે…જે લોકો મારા હિંમતપૂર્વક લખાતા બ્લોગને વખાણે છે, તેઓ હિમ્મત પૂર્વક નેતાઓ, વહીવટી તંત્રની ટીકા કે એમને પ્રતિભાવ આપવાની હિમ્મત દાખવે તો મારી નીડરતા, હિમ્મત થકી જાગૃતિ લાવવાની મારી ઈચ્છા, મેહનત લેખે લાગે, સ્પષ્ટતા કરી દઉં, હું બ્લોગ કોઈ પણ વ્યક્તિગત અપેક્ષાથી નથી લખતો, પણ હા ઘણાનો હું પરોક્ષ શત્રુ બનું છું, ટાર્ગેટ બનું છું, ટિકાનો વિષય બનું છું, પણ જો આ બધું એકત્ર કરીને પણ મારા ભરૂચનું શુ? ની ચિંતા-ચિંતન માં 20% પણ સફળ થાઉં તો મારા અહોભાગ્ય ગણીશ. મારી મહેનત સફળ ગણીશ. મને ખબર છે કે મારા જ પક્ષ ભાજપના મહત્તમ નેતાઓએ એમના મૂળભૂત અસંવેદનશીલ આંખો, કાન અને દિમાગને મારી નિષ્પક્ષ અને નીડર રજૂઆતો બ્લોગ-સમાચારોના મુદ્દે જાણી બુઝીને એટલા બધા જડ બનાવી દીધા, સંકુચિત કરી દીધા છે કે એનો પ્રતિસાદ તો ઠીક પડછાયો પણ નથી પડવા દેતા…બોલે છે, એ તો લખી લખીને થાકશે, આપણે આપણું હાંકયે રાખો, એમાં પણ 5 વર્ષ ચૂંટાયા પછી કોણે કોને ક્યારે પક્ષમાંથી કાઢ્યો, તે મને કાઢશે?? પાર્ટી તો પારકાઓને પણ પોતાના બનાવી લે છે, તો કાઢશે કેવી રીતે?? ચૂંટણી આવશે ત્યારે ફોડી લઈશું…રૂપિયા,દારૂ, સંબંધો, હાથ જોડવાના, રિસામણાં-મનાંમણાં તો છે જ…ત્યાં સુધી વ્યાપાર કરી લો, ખોબે ખોબે, સોરી હવે તો JCB આવ્યું છે ને??બિલકુલ સેફ, નચિંત…પક્ષ ભૂલથી પણ પૂછે, તો કહી દેવાનું, મીડિયા તો વિરોધી છે, અસંતુષ્ટ છે, 5-25 હજારનો ઘરાક છે, સાચવી લઈશું…અથવા જાગૃત મીડિયાને દ્વેષમાં ખપાવી દેવાનું…હોઠ સાજા, તો ઉત્તર ઝાઝા…કયો બહારનો-પ્રદેશનો મોટો નેતા ભરૂચના મીડિયાને સ્થાનિક નેતાઓની ગેરહાજરીમાં ક્યારેય મળવા આવ્યો છે, જેને ખબર પડે કે અહીંયા ખરેખર શુ ચાલે છે? કેવું ચાલે છે? હા મારા બ્લોગની મેં વ્યવસ્થા કરી છે કે પ્રદેશના નેતાઓ સુધી, CMO-PMO સુધી શક્ય એટલી સાચી વાત,પ્રજાનું દર્દ-પ્રશ્ન પહોંચે…બાકી તો પક્ષ અને પ્રજાનું નસીબ…હું કર્તવ્યપાલનથી મુક્ત…આ લખી રહ્યો છું ત્યારે જ મારા વિડીયોગ્રાફરની ઉપર કોલ આવ્યો, તવરા-શુકલતીર્થ રોડ પર ચક્કા જામ છે, એમ્બ્યુલન્સ પણ ફસાઈ, ચેનલના fb લાઈવમાં ઘણાએ જોયું…અસહ્ય સ્થિતિ છે…ચારે કોર…હાઇવે હોય કે આંતરિક માર્ગો…ઘરે પહોંચો તો જીવતાનો દીવો,નહીંતર…
આજે ચેનલ નર્મદા પછી દૈનિક અખબાર સંદેશે પણ 8 કોલમમાં સાઆનંદ છાપ્યું કે ઝાડેશ્વરથી ઝનોરના રસ્તાનું રાતોરાત કામકાજ શરૂ થયું, સંદેશની રજુઆતનો પડઘો…હા,ભરૂચનું મુખ્ય પ્રિન્ટ મીડિયા, સોશિઅલ મીડિયા પણ એના ચોથી જાગીરના ધર્મનું નિષ્ઠા પૂર્વક પાલન તો કરે જ છે, પણ પ્રજાએ પણ ત્રીજી આંખ તો ખોલવી જ પડશે…તાકાત બતાવવી જ પડશે…જનતા જ જનાર્દન છે,.મતની તાકાત હવે તો બધાને સમજાવવી જ પડશે, રસ્તા પર ઉતરી ને, ના હું ઉશ્કેરતો નથી, સચેત કરું છું, જાગૃત કરું છું, હિંસા જરૂરી નથી, અનિવાર્ય પણ નથી, પણ જાગવું-જાગતા રહેવું તો અનિવાર્ય છે જ…એ પણ કળિયુગમાં તો ખાસ…
નિરાશાના અંધકારમાં એક ઉમ્મીદનું કિરણ પણ મને તો દેખાયું…GNFC વિસ્તારના સોસાયટીના કેટલાક લોકોએ ઝાડેશ્વરની જનતાનો જુસ્સો જોઈ, બ્લોગ વાંચી ફોટાઓ મોકલી લખ્યું કે અમે બધા પણ કાલે નોકરી પછી એકત્ર થઈશું અને અમારા હક્ક, ન્યાય માટે લઢીશુ…પ્રમુખ પાર્ક સોસાયટીના રહીશો પણ ત્રસ્ત બની ચુક્યા છે, પ્રમુખપાર્કથી વિષમપાર્ક જતો રસ્તો ઘાતક બન્યો છે…એમને પણ ન્યાય જોઈએ છે…જે સ્થાનિકોનો ફોટો કવર ઈમેજમાં સમાવી લીધી છે…અમે મીડિયા તરીકે જનતાની સાથે હતા, છીએ અને રહીશું જ…તમે માત્ર સક્રિય થાઓ..છેલ્લા શ્વાસ સુધી અમે સાથે રહીશું …બસ અપેક્ષા એક જ છે…તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના મોબાઈલ નંબર, વહિવટી અધિકારીઓના સરકારે આપેલા મોબાઈલ નંબર તમારા મોબાઈલમાં SAVE રાખો, હવે મહત્તમ મોબાઈલમાં રેકોર્ડિંગ વ્યવસ્થા હોય જ છે. એમને ફોન કરો, સમસ્યા અંગે…ઉપાય પૂછો-માંગો…રેકોર્ડ કરો, જો ન્યાય ના મળે, તો એ ઓડીઓ-વાતચીતની કલીપ ચેનલ નર્મદાને મોકલો…તમારા હક્ક માટે પહેલા તમે જાગૃત બનો, કોઈનાથી ગભરાશો નહીં, માત્ર સભ્યતા પૂર્વકનું રેકોર્ડિંગ ધ્યાને લેજો…એક સ્પષ્ટતા કરી લઉં, હું મોબાઈલ પર જ બ્લોગ ટાઈપ કરું છું, એટલે ઘણી ટાઈપિંગ મિસ્ટેક-ભૂલો આવે છે, જે ક્ષમ્ય ગણશો.
રૂંગટા વિધાભવન અને સંસ્કાર ભારતી સ્કૂલ (જે.બી.મોદી સ્કૂલ) અંગે ઘણી માહિતી એકત્ર થઈ રહી છે, છેક 1971 થી પ્રવૃત્ત જૂની સ્કૂલ હોય પૂરો ઇતિહાસ-ભૂગોળ જોવો, જાણવો જરૂરી બની રહે છે…લાંબા સમયથી ચાલતી આ સ્કૂલમાં હમણાં ભોગ બનનારની હકીકતોની તપાસ, હિસ્ટ્રી, ટ્રસ્ટની કાયદેસરની માહિતીઓ પણ હું એકત્ર કરી રહ્યો છું. સંસ્થાની પ્રતિષ્ઠા કે એના મોભીઓની ઈજ્જતને સલામત રાખી, માત્ર દોષ અને દોષીઓને જ સજા મળે, સંસ્થા બચી રહે, સલામત-અકબંધ રહે, એવા જવાબદારી ભર્યા પ્રયાસો સાથે બ્લોગ પ્રસ્તુત કરીશું…ભૂલ કોઈની પણ હશે તો સુધારીશું…કોઈ પણ ડર, ભય કે સંબંધોના ભારણ-શરમ વિના…ઘણી ચોંકાવનારી વિગતો મળી છે, હજુ ઘણું બધું સત્ય શોધવાનું છે, કોઈ બાયસ (BIAS) માઈન્ડ, દ્વેષ વિના માત્ર સત્ય ઉજાગર કરવાના મારા પ્રયાસોની હું ખાતરી આપું છું, ઘણું વાંધાજનક જાણવા, જોવા મળ્યું છે, છતાં RTI દ્વારા લીગલ પેપર કલેકશન, DEO માંથી કાયદાકીય માહિતીઓ મેળવવી, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને લીગાલિટી ચેક કરવી, એ લાંબો સમય લેનારી પ્રક્રિયા છે, એટલે લડત લાંબી ચાલશે..એ પાક્કું…🙏👍