Published By:-Bhavika Sasiya
- તલાટી કમ મંત્રીને રજા પર જતા પહેલા TDO ની પૂર્વ મંજૂરી લેવી પડશે.
- રાજયના મોટા ભાગના ગામોમાં તલાટી કમ મંત્રી નિયમીત હાજર નહી રહેતા હોવાની ફરીયાદ ઉભી થતા હવે એવો આદેશ કરાયો છે કે તલાટી કમ મંત્રીએ રજા પર ઉતરતા અગાઉ તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી પડશે.
રાજ્યની અનેક ગ્રામ પંચાયતોમાં કેટલાક તલાટી કમ મંત્રી નિયમિત હાજરી નહીં આપતા હોવાના ફરિયાદને ધ્યાનમાં લઇને તલાટી કમ મંત્રી એ રજા ઉપર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવા વિકાસ કમિશનરે સૂચના આપી છે. તલાટીઓ ગામમાં ગમે ત્યારે ન આવે તે માટે તેઓ રજા ઉપર હોય તો તેની તંત્રને જાણ થાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ છે. કે જેથી વહીવટ સુચારૂ રીતે ચાલે અને તે માટે નજીકના તલાટીની વ્યવસ્થા ગોઠવી શકાય. વિકાસ કમિશનરે બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ટીડીઓની પૂર્વ મંજૂરી લેવા સાથે જો એક કરતા વધુ ગામ તલાટી કમ મંત્રી ને ફાળવ્યા હોય તો તે ગામોમાં સરખા દિવસો વહેંચી હાજર રહેવાય તે રીતે હાજરી આપવી પડશે. આ ઉપરાંત ટીડીઓ અને વિસ્તરણ અધિકારીઓને પણ ગમે ત્યારે ગામની મુલાકાત લેવા તાકિદ કરાઇ છે, જેથી તલાટી સેજામાં હાજર છે કે નહીં તેની જાણકારી મેળવી શકાય. જો તે મંજૂરી વિના ગેરહાજર હોય તો રજા કપાત કરવા અને રજા જમા ન હોય તો બિનપગારી રજા ગણવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને તેમ છતાં જો ગેરહાજરી જણાય તો કારણદર્શક નોટિસ આપીને શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ અપાઇ છે. તાલુકા પંચાયતના અધિકારીને તલાટીની હાજરી અંગે જે આકસ્મિક મુલાકાત લેવામાં આવી તે અંગેના રજિસ્ટરની વિગતો દર મહિને પંદર અને ત્રીસ દિવસે જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.




