Published By : Parul Patel
- ભરૂચમાં ઐતિહાસિક અને અવર્ણનીય એવા છડી અને મેઘરાજાના લોકમેળાનો રસપ્રદ ઈતિહાસ
- દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં છપ્પનીયા દુકાળ પહેલાના સમયથી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ
ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

છપ્પનીયા દુકાળ સાથે જોડાયેલી મેઘરાજાની દંતકથા
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતા હતાં. જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી.
250 વર્ષથી ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ
આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરવામાં આવે છે.
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાનો બેનમુન નમુનો
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ત્રણ થી ચાર ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકૃતિમાં કોઇ ફરક આવતો નથી.
રાજ્યભરમાંથી 4 દિવસ ઉમટે છે માનવ મહેરામણ
ભરૂચમાં અઢી સડીથી ઉજવાતા મેહમેઘરાજાની પ્રતિમાને સુંદર આભૂષણથી સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે, અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકૃતિ એકજ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે.