Published By : Parul Patel
- ગુજરાતની વિસરાતી કળા-કારીગરીને “વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” આપશે જીવતદાન
- રાજ્ય સરકારે ODOP હેઠળ 21 જિલ્લાની 25 વસ્તુઓ માટે રૂ. 58 કરોડની કરી ફાળવણી
- આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડાશે હસ્તકળા-હાથશાળ ઉત્પાદનો
- ભરૂચની ‘સુજની’ અને ખંભાતના ‘અકીક’ ઉદ્યોગસહિત અનેક વારસાગત કળા-કારીગરીનું કરાશે માસ પ્રમોશન અને માર્કેટિંગ
કેન્દ્ર સરકારની ‘One District, One Product પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. રાજ્ય સરકારે ODOP હેઠળ રાજ્યના દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.
7મી ઑગસ્ટના રોજ જ્યારે નેશનલ હૅંડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે ODOP હેઠળ હસ્તકળા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આયોજન હાથ ધર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ યોજના માટે રૂ. 58 કરોડની ગ્રાંટની મંજૂરી આપી છે.
ખંભાતના અકીક પથ્થરની કારીગરી અને ભરૂચ જિલ્લાની ‘સુજની’ કળા માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને નેશનલ ઇંસ્ટીટયૂટ ઑફ ફૅશન ટેકનોલૉજીએ વર્કશોપ યોજી સહયોગ આપ્યો છે.
ભરૂચની સદી જૂની સુજની કળા હવે “વન સ્ટોપ, વન પ્રોડક્ટ” હેઠળ ભરૂચ સ્ટેશને સ્થાન મેળવવા સાથે આગામી સમયમાં દેશ અને દુનિયામાં પણ ચમકશે.