Published By : Parul Patel
જમીનમાં આશરે 22 ફૂટ નીચે ધ્યાન યોગ કેન્દ્ર તૈયાર થઇ રહ્યું છે.
ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી 22 ફૂટ નીચે બનનારું આ કેન્દ્ર આધ્યાત્મિક સાધનામાં રૂચિ ધરાવતા સાધકો માટે મહત્વનું સ્થળ બની રહેશે. આ પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓને માનસિક-શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય તે હેતુથી અહીં આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ બનશે.

મળતી માહિતી અનુસાર આ વડ 500 વર્ષ પુરાણો છે. કંથારપુર મહાકાળી વડ તરીકે જાણીતા બનેલા આ વડને “મીની કબીરવડ”ના નામે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2006માં પ્રવાસન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. 28 ઓગસ્ટ, 2013માં પી એમ મોદીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્થળને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે મે-2021માં આશરે રૂ. 15 કરોડના બજેટની જોગવાઈ સાથે “કંથારપુર મહાકાળી વડ” વિકાસ પ્રકલ્પને વધુ ગતિશીલ બનાવ્યો.

ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશમાં આ સ્થળને વિકસિત કરવા માટેના યોજનાબદ્ધ પ્રયાસો ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. પ્રોજેક્ટ અંગે વિગતે વાત કરતાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ના સચિવ આર.આર.રાવલ કહે છે કે, કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં રૂ. 9 કરોડ 70 લાખના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. કંથારપુર મહાકાળી વડ સંકુલને માત્ર ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં વિશેષ પ્રયાસ કરવામા આવી રહ્યો છે. આર.આર.રાવલ કહે છે કે, આ વડનું પ્રાચીન મહાત્મ્ય જળવાઈ રહે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ધરતીના પેટાળમાં 22 ફૂટ ઉંડે આકાર પામી રહેલા ધ્યાન યોગ કેન્દ્રની ભૂમિકા આપતા તેઓ કહે છે કે, આ કેન્દ્ર સાધકોને ભૌતિક જગતથી અલિપ્ત થવાનો અવસર પૂરો પાડશે, અને પરમ શાંતિની અનુભૂતિ કરાવશે.એમ જણાવાયું છે.