- 3.79 લાખ બાળકો પર સર્વે, 73 ટકા બાળકો શાળાના જીવનથી સંતુષ્ટ
- જ્યારે 45 ટકા બાળકો શારીરિક છબી વિશે માનસિક તણાવમાં…
દેશના 33% વિદ્યાર્થીઓ પરીક્ષા અને પરિણામની ચિંતાને કારણે અન્યોની સરખામણીમાં હંમેશા દબાણમાં રહે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERTએ તમામ રાજયોમાં 3.79 લાખ વિદ્યાર્થીઓ પર માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર કરવામાં આવેલા સર્વે બાદ આ વાત જાહેર કરી છે.
સર્વે મુજબ, 73 ટકા બાળકો શાળા જીવનથી સંતુષ્ટ છે, જયારે 45 ટકા શારીરિક છબીને લઈને તણાવમાં છે. NCERT અનુસાર, જયારે બાળકો પ્રાથમિકમાંથી માધ્યમિક વર્ગમાં ગયા ત્યારે વ્યક્તિગત અને શાળા જીવન વિશે સંતોષની ભાવનામાં ઘટાડો થયો હતો.
માધ્યમિક સ્તરે, ઓળખની કટોકટી, સંબંધો પ્રત્યે વધેલી સંવેદનશીલતા, મિત્રોનું દબાણ, બોર્ડની પરીક્ષાનો ડર, ભવિષ્યમાં પ્રવેશ અંગેની ચિંતા અને અનિશ્ચિતતા જેવા પડકારો જોવા મળ્યા હતા. સર્વેના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા.
NCERTના મનો દર્પણ યુનિટને સર્વેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સર્વે જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 6 થી 8 અને 9 થી 12 ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં બાળકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. જેના કારણે તેમને તેમના વિચારો વ્યક્ત કરવા માટે યોગ્ય વાતાવરણ મળ્યું હતું.
81 ટકા બાળકોએ અભ્યાસ, પરીક્ષાઓ અને પરિણામોને ચિંતાનું સૌથી મોટું કારણ ગણાવ્યું. કુલ બાળકોમાંથી 43 ટકાએ કહ્યું કે તેઓ પરિવર્તનને ખૂબ જ ઝડપથી શોષી લે છે. તેમાંથી માધ્યમિક કક્ષાના 41 ટકા બાળકો માધ્યમિક હતા જયારે 46 ટકા બાળકો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ હતા.