Published By:-Bhavika Sasiya
- ગુજરાત રાજ્ય અને ખાસ કરીને અમદાવાદમાં સાયબર ક્રાઇમ ગુનાઓ વધી રહ્યા છે એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતુ…
પોલીસ કમિશનર જી. એસ. મલિકે ચાર્જ સંભાળ્યા બાદ ટાગોર હોલ ખાતે પ્રથમ કાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચોરી અને સાયબર ક્રાઈમની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમને કાબૂમાં લાવવા માટે સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમ એક્ટિવ છે અને બ્રાંચમાં ખાસ વધુ ઇન્સ્પેક્ટર ફાળવાયા છે.
બીજી તરફ શહેરમાં છેલ્લા આઠ મહિનામાં થયેલા હત્યા સહિતના ૭૭ ગુના ડિટેકટ થઇ ગયા છે. જેને પગલે ગુનાખોરી કાબૂમાં છે તેમ માની શકાય તેમ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકનું કહેવું છે. કમિશનરે પોલીસને કામ તો કરવું જ પડશે તે વાત સ્પષ્ટ કરી દીધી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્ટેટ ક્રાઇમ કોન્ફરન્સની વિગતો પણ કમિશનરે કોન્ફરન્સમાં શેર કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જી.એસ. મલિક દ્વારા પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઇને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ વધી છે અને સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં નોંધાઈ રહી છે. અન્ય ક્રાઈમની વાત કરીએ તો શહેરમાં ક્રાઈમ કાબૂમાં છે. સાયબર ક્રાઈમની ઘટનાઓ વધવાથી વધુ પાંચ સાત પોલીસ ઇન્સ્પેક્ટરની સાયબર ક્રાઇમ બ્રાંચમાં બદલી પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આઠ મહિનામાં અમદાવાદમાં હત્યા સહિતના ગંભીર 77 ગુના થયાં છે અને તેને ડિટેક્ટ કરી લેવાયા છે.તેમણે કહ્યું હતું કે, રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીના વખાણ થયા હતા. ખાસ કરીને હથિયારોના ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓની પ્રશંસા કરાઈ હતી. પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કર્મીના લૂંટ – તોડકાંડ પર કહ્યું કે, સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટના દુઃખદ હતી. આ મામલે પોલીસે સહેજ પણ રહેમ દેખાડ્યા વગર કડક કાર્યવાહી કરી છે. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ પોતાની શક્તિથી કાર્યવાહી કરે અને આવી પ્રવૃતિઓને નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.