Published By : Parul Patel
તાજેતરમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના દિવસો દરમ્યાન અને ત્યારબાદ ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ દ્વારા પૂરગ્રસ્તો માટે વિવિધ સેવાકાર્યો નિશુલ્ક અને સેવા ભાવનાથી કરવામાં આવ્યા હતા જેમાં પૂરગ્રસ્તો, સફાઇ કર્મચારી અને પૂરગ્રસ્ત એરિયામાં કિટ વેચવાવાળા માટે કુલ 5885 ભોજન ડીશ બનાવી અને પીરસવામાં આવી હતી. આ ઉપરાંત સફાઇ કર્મચારી માટે રહેવાની, ચા – નાસ્તો તથા જમવાની વ્યવસ્થા શેલ્ટર હોમ પર કરવામાં આવી હતી.

વધુમાં સેવાયજ્ઞ સમિતિ દ્વારા 1145 ગ્રોસરી અને ફ્લડ રિલીફ કીટ બનાવીને ભરૂચ સીટીના નદી કિનારાના એરીયા, અંકલેશ્વર તાલુકાના ખાલપીયા ગામ, જુના દીવી, જુના દીવા (ભરવાડ ફળિયુ) અને ભરૂચી નાકા પાસે એરીયા તથા ઝઘડિયા તાલુકાના જુનાપોરા, ભાલોદ, ઓર – પટાર, જુના તોથીદરા ગામોમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યોમાં સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુ ભાઈ તથા સભ્યોના સાથ સહકાર અને માર્ગદર્શનથી સંપન્ન થયા હતા. તો આવી જ રીતે સેવાયજ્ઞ સમિતિના અનાથ આશ્રય ઘરમાં ચાર મહિના પહેલા 181 અભયમ ટીમ 22 વર્ષની છોકરીને મૂકી ગઇ હતી. એ છોકરી જ્યારે આવી ત્યારે કોઈપણ જોડે વાત કરતી ન હતી, બસ સુનમુન બેસી રહેતી હતી. આથી માનસિક રોગના નિષ્ણાંત ડૉ સુનિલ શ્રોત્રિયની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. ત્રણ મહિનામાં એ બોલતી થઈ ગઈ અને પોતાના કામ જોડે સેવાયજ્ઞ સંસ્થામાં આશરો લઇ રહેલ વૃધ્ધોની સેવા પણ કરવા લાગી હતી. તેણે તેનું નામ નીલુ ગુલામ ભરત જણાવેલ, ગામ ખાનવેલ (સેલવાસ પાસે) જણાવેલ હતું. સેવાયજ્ઞ સંસ્થાએ તેના પિતા જોડે વાત કરી, આ છોકરી વિશે માહિતી આપી હતી. પછી તેઓ સ્વયં 21 સપ્ટેમ્બરના રોજ સેવાયજ્ઞ સંસ્થા પર આવી સંસ્થાનો આભાર વ્યક્ત કરી પોતાની દીકરીને એમની સાથે લઈ ગયા હતા.

આજ રીતે દોઢ વર્ષ પહેલાં આવેલ રૂસ્તમભાઈને પણ સાજા કરી તેમને પણ એમના ઘરે બિહાર મોકલી આપ્યા હતા.