Published By : Parul Patel
- ✍️ લોકસભાની ચૂંટણીઓ શું ભરૂચ જિલ્લાના વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં કિંમતી જમીનો ગુમાવનાર ખેડૂતોને વ્યાજબી વળતર અપાવી શકશે??
- ✍️ એક સમયે નેતાઓના અભિપ્રાયો, રજૂઆતોને એક કોરાણે મૂકી, જિલ્લા કલેકટરના નિર્ણયને સ્વીકારનાર અને ખેડૂતોને આંદોલનના માર્ગે ધકેલનાર સરકારી નિર્ણયનો હજુ પણ વિવાદ યથાવત..?!! જવાબદાર કોણ ?
- ✍️ ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનાર 39 ગામના અસંખ્ય ખેડૂતો એ સતત 56મી વાર જિલ્લા કલેકટરને આવેદનપત્ર માટે ઘેર્યા…
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્સપ્રેસ હાઇવે અને ભાડભૂત બેરેજ જેવા 56ની છાતીવાળામાં. વડાપ્રધાનના મોદીજીના સ્વપ્નિલ પ્રોજક્ટમાં સંપાદનમાં જતી ખેડૂતોની જીવાદોરી જેવી જમીનોના અન્ય સ્થળોએ ચૂકવાયેલા ઊંચા, અને કિસાનોના મતે યોગ્ય, વ્યાજબી અને અનિવાર્ય દરોની ચુકવણીના મુદ્દે છેલ્લા એક દોઢ વર્ષથી ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા અને હાંસોટની કિસાનોની અમૂલ્ય જમીનના મુદ્દે ભારે વાદ વિવાદ કિસાનો, સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો વચ્ચે ચગતો રહ્યો છે. જેમાં કિસાનો અને સરકાર તરફથી જિલ્લા કલેકટર વચ્ચે જાહેરમાં ઘણી રક ઝક થઈ છે. બુધવારે એકાએક આ મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ મહિલાઓ અને બાળકો સહિત કલેકટર કચેરીએ સતત 56 મી વાર આવેદન પત્ર પાઠવી સતત ચાર કલાક કચેરીને વિવિધ સુત્રોચાર અને જોરદાર ભજનની રમઝટ બોલાવી હતી…જે ઘણી હૃદયસ્પર્શી, વ્યથાભરી અને શિસ્તબદ્ધ, અસરકારક હતી, જે વર્તમાન રાજકીય સ્થિતિમાં વાયરલ બનશે એ પણ પાક્કું છે… ખેડૂતો જયારે આખા દેશમાં આકરા પાણીએ છે ત્યારે ગુજરાતમાં આગ લાગે એ યોગ્ય નહિ ગણાય…
આપણા દેશમાં – રાજયમાં વિકાસના કામોમાં, જનહિતના કામોમાં પણ કમાણી (પછી એ રૂપિયાની હોય, પ્રતિષઠાની હોય કે ઇમેજ ઊંચી બનાવવાની, એ બનાવીને બીજું કાઈ વટાવવાની, ખટાવવાની, મેળવવાની હોય) નેતાઓ હોય કે કોઈ નાનો મોટો અધિકારી…જયારે પણ તક મળે તો એ તક છોડતાં નથી..કિસાનોની આ જમીનો સંપાદનની પ્રક્રિયામાં ભારે અસંતોષ અને ઉકળાટ પાછળ પણ કંઈક આવું જ હોવાનો ગણ ગણાટ સતત સંભળાઈ રહ્યો છે… જેટલો કિસાનોને એમની કિંમતી જમીનોના ઊંચા, કે વ્યાજબી ભાવો મેળવવાની ઈચ્છા, હાયવળાટ, ચિંતા કે ઉકળાટ વહાલો છે, લાંબા ભવિષ્યની ચિંતા છે, તો એટલીજ અને કંઈક એવીજ ચિંતાઓ સામેના બેઉ પક્ષે વહીવટ કર્તાઓ અને નેતાઓમાં પણ હોવાનું કહેવાય છે…સત્ય તો ‘ઈશ્વર’ જાણે, પણ આ ત્રિકોણીયા જંગમાં બધેજ બહુ ઊંચું બૌદ્ધિક રાજકારણ અને એક બીજાને નીચા કહો કે સારા અને હિત ચિંતક હોવાનો દેખાડો કરવા કે કહો પરસ્પરના ‘રાજકીય હિસાબ કિતાબો’ સરભર કરવામાં આ આખો વિવાદ લોકસભાની ચૂંટણી સુધી ખેંચાયો છે… કોઈ સરકારને વ્હાલા બની ગુડ બુકમાં સ્થાન પામી કોઈક લાભ ખાટવાની રાજકીય રમત રમ્યું હશે, તો કોઈક પક્ષને આગળ ધરી, પોતાનો રાજકીય રોટલો શેકવામાં કે કમિશન ખાવાની લ્હાયમાં અટવાયું છે…પણ વગર આંસુઓએ રડવાનો વારો કદાચ ખેડૂતોનો આવ્યો છે…એવુ પ્રજા ફીલ કરી રહી છે…કકળતી આંતરડીએ હજુ આ ખેડૂત પરિવારો લોકસભા ચૂંટણી ટાણે ન્યાયની અપેક્ષા એ 56મી વાર રસ્તે પડ્યાં છે…જો કે આ વિવાદમાં નેતાઓએ અને ખુદ ભાજપ જાણ્યે અજાણ્યે કોઈની રાજ રમતમાં ખેડૂતોના દુશ્મન-અપ્રિય બન્યા હોવાનું ભરૂચ જિલ્લાએ, ગુજરાતે અને ગાંધીનગરે જોયું છે…
ભરૂચ જિલ્લાનુ રાજકારણ વર્તમાન લોકસભાની ચૂંટણીના સંજોગોમાં ઘણું સંવેદનશીલ રહ્યું છે…ચૈતર વસાવાની યુવા આદિવાસી તરીકેની આપ પક્ષમાંથી મજબૂત ઉમેદવારી સામે ઝૂંકીને 7મી વાર ટિકિટ મેળવનાર મનસુખ વસાવા આ ખેડૂતોના મુદ્દે કિસાનોની માંગણી સાથે હતાં…પણ પ્રદેશ પ્રમુખના દબાણ હેઠળ ચડીચુપ થયેલા અને મૂળ કિસાનો નવા ન્યાય અપાવવાની તરફેણ કરનાર આ સાંસદ પાસે એક તક દિલ્હી અને ગાંધીનગરના મોટા દરબારીઓ પાસે સાચી, સચોટ અને જે રાજકીય રમત બુન રાજકીય વ્યક્તિ દ્વારા પક્ષનાં હિત વિરુદ્ધ રમાઈ, એનો સાચો ફોડ પાડી, રજુઆત કરી ખુદ મનસુખલાલની એસીતેસી કરનાર જે પણ હોય એનો ભંડો સાંયોગિક પુરાવાઓ સાથે ફોડી, આ વિસ્તારના કિસાનોને વ્યાજબી વળતરની કિંમત અપાવવાનો ધર્મ બજાવી, ખુદ ખેડૂતોને, ખુદની જીતને,પાર્ટીને પણ ન્યાય અને જીત અપાવી શકે છે, પણ એ માટે એમણે માત્ર હૃદયથી નહિ, દિમાગથી અને આખા સંગઠનને સાથે રાખી વહીવટીતંત્રની ‘નાભી’ ને નિશાન બનાવીને રજુઆત કરવી પડશે, ભાજપે ‘વન ટુ વન’ ની ફાઇટ અને પાટીલ સાહેબની 5 લાખના મતના માર્જિનની જીત માટે કોઈ નાનો મોટો અધિકારી જેટલો નહિ લાગે, પણ ઉમેદવાર અને પક્ષના પાયાના નેતાઓ, મત દાતાઓ, પછી એ કિસાનો હોય કે વ્યાપારીઓ… એક એક ‘મત’ ના મૂલ્યને ગાંધી નગરના હાકેમો એ સાચવવા, સમજવા તો પડશે જ…એમાં કોઈ અધિકારી AC કેબિનમાં બેઠા બેઠા થતાં સજેશનો, ચિંતાઓ ઝાઝી કામ નહિ લાગે, કામ તો ફિલ્ડનો કાર્યકર્તા અને પક્ષનો કમિટેડ મતદાતા જ લાગશે…અસરગ્રસ્ત કિસાનોની સંખ્યા ના તો નાની સુની છે, ના અભણ…જો ચૈતર વસાવા નામનું સ્ટીમ રોલર આદિવાસી પટ્ટીની બહાર નિકળી ખૂણે ખૂણે ફરી વળશે તો ભાજપને ભોં ભારી પડી શકે છે…ઓવર કોન્ફિડન્સ ઘાતક બની પણ શકે છે…ખુદ પક્ષમા પણ ભારે અસંતોષ તો છે જ…
કિસાન આંદોલન વખતે એક બેઠક એમની-કિસાનો સાથે કરવાનું મારી પર દબાણ, ઈચ્છા, હક્ક વ્યક્ત કરનાર ખેડૂત મિત્રોને જે તે સમયે મળી નહતો શક્યો છતાં પણ પ્રોમિસ કરી હતી, પછી હું ત્યારબાદ એક બે વાર ચેનલ નર્મદાની ઓફિસે ખેડૂત અગ્રણીઓને મળ્યો પણ છું, એમની લાગણી, દલીલો સાંભળી મને સત્ય સમજયું પણ છે, જ્યાં મારી કોઈ ભૂલ હતી, એને મે સ્વીકારી પણ છે… એમની સાથે રાજકીય કે વહીવટી(??!!) કોઈ પણ ‘ગેમ’ થઈ હોવાનું એમણે મને પુરાવાઓ સહિત પ્રતીત પણ કરાવ્યું છે, મે કોર્ટમાં જવા પણ સલાહ આપી હતી…વળતરના ઓર્ડર્સ થયાં પછી ચૂકવણા ના થયાં ના પત્રો પણ ખેડૂતોએ આપ્યા છે…પણ કેટલીક મારી અંગત અને અતિ-મહત્વની સામાજિક જવાબદારીમાં હું વ્યસ્ત હોવાથી ફૂલ સ્વીન્ગ-ફોર્મમાં હું મારાં પત્રકારત્વનુ પૂર્ણ કર્તવ્ય પાલનમાં થોડો શિથીલ-સ્લો પડ્યો હતો- છું, એ માટે ક્ષમાપ્રાર્થી છું, પણ પાછો સમય આવ્યે, પુનઃ મૂળસ્વરૂપે, સ્વભાવે મારાં ભરૂચની પ્રજા પાસે, પ્રજાના હિત માટે વધુ આક્રમક સ્વરૂપે પ્રસ્તુત થવા હું કટીબદ્ધ છું..કોઈની પણ સાડાબારી રાખ્યા વિના કિસાનો જરૂર પડે નિઃસકોચ મારો, ચેનલ નર્મદાનો સંપર્ક કરી શકે છે…એવો કોઈ અન્યાય નથી હોતો જેમાંથી ન્યાય ના જન્મી શકે…