બ્લોગ:નરેશ ઠક્કર, ભરૂચ.
જે સત્તા પર હોય, જેના હાથમાં વહીવટ હોય અને એમનાથી જ જાણે કે અજાણ્યે નાની મોટી ભૂલો – ખોટું કાર્ય થતું હોય તો કોને દોષ દેવો??
નશો કોઈ પણ હોય સત્તા, સંપત્તિ કે સ્વરૂપ- પદનો, જો નમ્રતા ના આવે તો નાશ જ નોતરે છે: એ રાજકારણીઓ કેમ સમજતા નહિ હોય??
આજે બહુ દિવસથી પજવતા એક મુદ્દા પર બ્લોગ લખવા જઈ રહ્યો છું . એ બહુજન હિતાય છે.લોકશાહી માટે ચોથી જાગીર જેટલી બીજા ત્રણ પાયા માટે મજબૂતીથી ઉભા રહેવા, જીવંત રહેવા અનિવાર્ય છે એ 2024ની ચૂંટણીએ દેશને બતાવ્યું, સમજાવ્યું જ છે. અને ચોથી જાગીરને ખરીદીને પ્રજાને સાચા, સ્વતંત્ર અને સત્ય સમાચારોથી દૂર કરવા નવી ટેક્નોલોજીના યુગમાં હવે શક્ય રહ્યું જ નથી, અને એ પણ ત્યારે, કે માણસના હાથો હાથમાં મોબાઈલ થકી ‘સોશિયલ મીડિયા’ એક આગવું, તદ્દન સ્વતંત્ર અને સત્ય દર્શી ‘છાપું’ – સમાચાર માધ્યમ બની ગયું છે.
પત્રકારત્વનો જન્મ તો નારદજીના સમયથી થયો, આઝાદીમાં પણ એનું બહુ મોટું યોગદાન-પ્રદાન રહ્યું.. પણ ભારતની આઝાદી પછી ઇમરજન્સી અને ત્યાર પછી એકવીસમી સદીમાં પત્રકારત્વનો ધર્મ ધ્રુજતો રહ્યો.. નિર્બળ બનતો ગયો.. એમાં પણ 2015-2017 પછી મોટું પરિવર્તન આવ્યું જયારે મોટાં ઉદ્યોગગૃહોએ મીડિયાને પોતાના વ્યાપરીક ફાયદાઓ માટે ખરીદવાનું શરૂ કર્યું…
મૂળ વાત પર આવું તો છેલ્લા બે ચાર વર્ષથી જે રાજનીતિ આપણા સાંપ્રત પ્રવાહમાં આવી છે, એ મીડિયાના મુદ્દે બહુ અસહિષણુ અને અવગણાત્મક બનતું દેખાયું છે. ભરૂચની જ વાત કરીએ તો એક અમારો નાનપણ નો સમય હતો,કે સંદેશ અને ગુજરાત સમાચાર પત્રોમાં વ્યમેશ દેસાઈ – નટવર રાણા અને બકુલ પટેલ અને ઝવેરીલાલ મેહતા – એ આખરી શબ્દો અને ચિત્રો-ફોટાઓ ગણાતા..એક દશ બાય દશની કોલમના ન્યૂઝ પણ ભલભલાને ઊંચા નીચા કરી દેતાં.. પત્રકારના શબ્દોનું વજન પણ રાજનીતિમા આખરી ખીલા જેવું ગણાતું..પત્રકાર એક સમાજનો સાચો ચોકીદાર હતો…રાજકારણીયો અને વહીવટી અધિકારીઓ માટે એમના શબ્દો, ફોટા પ્રજાના અવાજના દર્પણ ગણાતા.. પણ એકવીસમી સદીએ પત્રકારત્વને પાંગળું બનાવ્યું..એમાં પણ વિઝ્યુઅલ મીડિયાનાં પ્રવેશ પછી સ્પર્ધાત્મક- વ્યવસાયિક ઝડપથી વિકસેલા પત્રકારત્વએ ધીરે ધીરે એની ઓરીજનલ ધાર 2011થી ખોવા માંડી. અનેક છાપાઓએ, ચેનલોએ મોટાં મોટાં કૌભાંડો ઉજાગર કરી લોકશાહી ને બચાવવા મરણીયા પ્રયાસો કર્યા..
જે ભારતીય જનતા પાર્ટી,મીડિયાનાં માધ્યમથી જ રાજ્ય થી લઈ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે અને બે માંથી 400 પારના ટાર્ગેટ સાથે મેદાને પડી શકી છે.એજ પાર્ટી સામે એન્ટી ઈન્ક્મબંસી ભારે પ્રભાવી બની છે, તો એની પાછળ રાજકારણીયો અને વહીવટદારો જવાબદાર છે, નેતાઓની નિષ્ફળતા જવાબદાર છે..પ્રજાનો શું દોષ..?? પાર્ટીઓ આવે અને જાય, નેતાઓ પણ આવે અને જાય.. લોકશાહીનો પાયો તો પ્રજા જ છે…
આવતાં અંકમાં વર્તમાન સમયમાં રાજનેતાઓ કેમ પત્રકારોને નાપસંદ કરે છે?? તિરસ્કૃત કરે છે?? શું વિરોધ સહન નથી થતો રાજનેતાઓથી ?? કેમ?? પત્રકારનો ધર્મ છે ટીકા કરવાનો. જો કોઈ ખોટું હોયપણ ટીકા ગમે કોને?? ખરેખર મીડિયા માં કોણ કોનું વિરોધી હોય છે કે બને છે?? રાજનેતાઓ પત્રકારત્વ નાં વિરોધી છે કે પત્રકારો રાજનેતા – રાજકારણનાં વિરોધી ??