Published By : Parul Patel
- બીજા આદિવાસી યુવાનના સારવાર વેળા મોતને લઈ ચૈતર વસાવા અને પ્રશાસન વચ્ચે ઘર્ષણ
- મ્યુઝિયમ સાઇટ પર ઢોર માર મારી બીજા આદિવાસી યુવાનનું પણ મોત
- નર્મદા DSP ચોરીના નિવેદન સામે પુરાવા અને ખુલાસો કરે : આપ ધારાસભ્ય
- રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર સાથે સ્થિતિ વણસી
- નોડલ અધિકારી અને એજન્સીના માલિકને આરોપી બનાવવા માંગ, મજૂરોને આરોપી બનાવ્યા હોવાનો આક્ષેપ
કેવડિયા આદિવાસી મ્યુઝિયમ સાઇટ પર બે આદિવાસી યુવાનોને રાતભર ગોંધી રાખી ઢોર માર મારવાની ઘટનામાં ગુરૂવારે બીજા યુવાનનું પણ મૃત્યુ થતા આદિવાસી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
એકતાનગર કેવડીયામાં આદિવાસી મ્યુઝિયમ છેલ્લા 5 વર્ષથી રૂપિયા 250 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. નિર્માણાધિન મ્યુઝિયમ સાઇટ પર મંગળવારે રાતે બે યુવાનોને ચોરીની આશંકાએ એજન્સીના માણસોએ દોરડા વડે બાંધી, કપડાં ઉતારી આખી રાત ઢોર માર માર્યો હતો.
જેમાં બુધવારે ગામના જ આદિવાસી યુવાન જયેશ શનાભાઈ તડવીનું મૃત્યુ થયું હતું. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ દોડી આવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ અને મૃતકના પરિવારને એક કરોડ ચૂકવવા રજુઆત કરી હતી.
આજે ગુરૂવારે રાજપીપળા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીજા યુવાન સંજય તડવીનું પણ મોત થતા પરિવારજનો, આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના આક્રોશનો પાર રહ્યો ન હતો.
જૂની હોસ્પિટલ ખાતે ચૈતર વસાવાએ દોડી જઇ જ્યાં સુધી નોડલ અધિકારી, એજન્સીના માલિકને આરોપી ન બનાવાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહિ કરવાનો સુર વ્યક્ત કરાયો હતો. જ્યારે નર્મદા પોલીસ વડાએ ચોરીના આપેલા નિવેદનમાં પણ પુરાવા રજૂ કરવા કે ખુલાસો કરવાના આગ્રહ સાથે મૃતદેહ SP કચેરીએ લઈ જવાની હિલચાલ કરતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તંત્ર સાથે ઘર્ષણ સર્જાયું હતું.
આપ ધારાસભ્ય દ્વારા એવો પણ આક્ષેપ લગાવાયો હતો કે, ફરિયાદમાં માત્ર મજૂરોને આરોપી બનાવાયા છે અને હજી સુધી દંડા અને પાઇપો પણ રીકવર કરાઈ નથી. આવી સ્થિતિમાં બન્ને આદિવાસી મૃતકોને ન્યાય અપાવવા આવતીકાલે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહિ પણ આક્રોશ દિવસ મનાવાશે. સાથે જ આદિવાસી દિવસે જ કેવડિયા અને ગરૂડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો 12 ઓગસ્ટે કેવડીયામાં બન્ને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ પાઠવાયો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-08-at-6.14.05-PM-838x1024.jpeg)
બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ બે આદિવાસી યુવાનોના હુમલામાં મૃત્યુને લઈ દુઃખ વ્યક્ત કરી ઘટનાને ટ્વિટ કરી વખોડી નાખી હતી.