- આપ પાર્ટી ભાજપની બી ટીમ છે : અર્જુન મોઢવાડિયા
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસ દ્વારા ગતરોજ માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવાનો વાયદો કરાયો છે. તે ઉપરાંત ગાંધીનગરમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપીને સરકાર પાસે સૈનિકોની માંગ પુરી કરવા રજુઆત પણ કરાઈ છે.ત્યારે આજરોજ ગુજરાત કોંગ્રેસના પૂર્વ સભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સૈનિકો અંગે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે સૈનિકો દેશ માટે પોતાનું જીવન બલિદાન કરે છે, એવા સૈનિકો ને આજે પોતાના હક્કો માટે આંદોલન કરવું પડે છે, ભાજપની સરકારમાં સૈનિકો પર લાઠીચાર્જ થાય છે. તેમજ એક પૂર્વ સૈનિકનું મૃત્યુ પણ થયું છે. દેશની સુરક્ષા કરનારની સુરક્ષા ન કરી શકનાર ભાજપને સત્તા પર રહેવાનો હક્ક નથી. માજી સૈનિકો કોંગ્રેસની જ યોજનાઓ પરત લાવવા માંગ કરી રહ્યા છે. અમે કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોના સમર્થનમાં છે.
તો ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી માત્ર ચુંટણી ટાણે ખોટી રેવડી આપી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે 10 કરોડ નું દેવું ભાજપ સરકારે માફ કર્યું એ રેવડી છે. આપ પાર્ટી જે જાહેરાતો કરે છે એ રેવડી છે. ભાજપ મેડિકલને ખાનગી યુનિવર્સીટીઓને વેચે છે. કોંગ્રેસ એ રેવડી નથી આપતું પણ કોંગ્રેસની લોક કલ્યાણની યોજના હોય છે એમ પણ જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ સભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ભાજપની જ ટીમ હોવાના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે આપ પાર્ટી ભાજપની બી ટીમ છે. દરેક ઇલેક્શનમાં ભાજપ આવા પક્ષોને લઈ આવે છે. આ નવો પક્ષ મતોના ધ્રુવીકરણ માટે આવ્યો છે. અગાઉ એ.આઈ.એમ.આઈ.એમ ને લાવવામાં આવ્યો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)