ચેક બાઉન્સ મુદ્દે નવો નિયમ લાવી રહી છે સરકાર, ટુંક સમયમાં ચેક બાઉન્સની ધટનાઓ અંગે ખુબ મોટા ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવનાર છે ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલ્દી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. ઉદ્યોગ સંગઠન પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણાં મંત્રાલયને અપીલ કરી હતી કે ચેક બાઉન્સના કેસોમાં બેંકમાંથી પૈસા કાઢવા પર થોડા દિવસ સુધી અનિવાર્ય રોક જેવા પગલાં લેવામાં આવે, જેનાથી ચેક આપનારા લોકોને જવાબદાર ગણાવી શકાય. ચેક બાઉન્સ થતા બીજા એકાઉન્ટમાંથી પૈસા કપાય તેવી સંભાવના પણ છે.
નાણાં મંત્રાલય તરફથી જો નવો નિયમો લાગૂ થયો તો ચેક ઈશ્યૂ કરનારના અન્ય એકાઉન્ટમાંથી પૈસા કપાશે. આ સાથે જ નવું એકાઉન્ટ ખોલવા ઉપર પણ રોક લાગી શકે છે. આ પ્રકારના અનેક પગલાં પર નાણાં મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધતા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં આ પ્રકારના અનેક સૂચનો મળ્યા છે. જો ચેક ઈશ્યૂ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ન હોય તો તેના અન્ય એકાઉન્ટમાંથી રકમ કાપી લેવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસોને કરજ ચૂકવણી તરીકે લેવું અને તેની જાણકારી ઋણ સૂચના કંપનીઓને આપવું એ સામેલ છે. ત્યારબાદ ચેક ઈશ્યૂ કરનારાનો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સૂચનોને સ્વીકારતા પહેલા કાનૂની સલાહ લેવામાં આવશે. નવા નિયમથી થશે ફાયદો.
નાણાં મંત્રાલયને મળેલા આ સૂચનો જો અમલમાં આવશે તો ચેક ઈશ્યૂ કરનારે ચેકની રકમની ચૂકવણી કરવા માટે મજબૂર થવું પડશે. આ સાથે જ કેસને કોર્ટ સુધી લઈ જવાની જરૂર પડશે નહીં. તેનાથી કારોબારી સુગમતા વધશે અને ખાતામાં પૂરતા પૈસા ન હોવા છતાં ચેક ઈશ્યૂ કરવાના ચલણ ઉપર પણ રોક લાગશે. ચેક ઈશ્યૂ કરનારાના અન્ય ખાતામાંથી રકમ આપોઆપ કપાય તે માટે માટે SOP એટલેકે Standard operating procedure અને અન્ય સૂચનો જોવા પડશે. ચેક બાઉન્સના કેસો કોર્ટમાં દાખલ કરી શકાય છે અને આ એક દંડનીય ગુનો છે. જેમાં ચેકની રકમથી બમણો દંડ કે બે વર્ષ સુધીની જેલ કે બંને સજા થઈ શકે છે.