ગુજરાતમાં આ વખતે વધુ વરસાદ પડ્યો છે. 2021માં 25 જુલાઈએ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે ચાલુ વર્ષે 22 ઈંચ વરસાદ પડ્યો છે. ચાલુ સિઝનમાં વરસેલા વરસાદથી પીવાના પાણીની ઘાત ટળી છે. ખેતરોમાં થયેલા વાવેતર માટે સિંચાઈના પાણીની પણ જળાશયોમાં આવક થઈ છે. બીજી તરફ ડેમની સ્થિતિ જોઈએ તો ગત વર્ષે આજની તારીખે રાજ્યના જળાશયોમાં 40.30% પાણી હતું જે આજે 58.13% છે. આ વખતે ચોમાસાની સિઝનમાં વરસાદ વધુ પડવાથી રાજ્યના જળાશયોમાં 18 ટકા પાણીનો જથ્થો વધુ છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી પણ 125.92 મિટર પર પહોંચી ગઈ છે. 2021માં 25 જુલાઈએ નર્મદા ડેમમાં 44.98% પાણીનો જથ્થો હતો. જે આજે 63.32% છે.
2022માં 53 જળાશયો હાઈએલર્ટ જે 2021માં માત્ર 3 હતાં
ગત વર્ષે જુલાઈમાં વરસાદ ઓછો થયો હતો તેની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દોઢ ટકો પાણી ઓછું છે. મધ્ય ગુજરાતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે સાત ટકા વધુ પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જળાશયોમાં આ વર્ષે 23.25 ટકા પાણીની આવક થઈ છે. કચ્છની સ્થિતિ આ વર્ષે ખૂબ જ સારી છે. સુકાભઠ્ઠ રહેતા કચ્છમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયાં છે. 2021માં કચ્છના જળાશયોમાં માત્ર 24 ટકા પાણી હતું. આ વખતે વરસાદ સારો થતાં 45.97 ટકા વધુ પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં પણ ગત વર્ષ કરતાં દોઢ ગણી પાણીની આવક થઈ છે.
રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.