અમેરિકા જવા માટે વર્કિંગ વિઝા અંગે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ભારતીયોને અમેરિકી સરકાર તરફથી મોટી રાહત મળે તેવા સમાચાર સાંપડયા છે. અમેરિકામાં કામ કરતા ભારતીયોની વિઝા અરજીઓને અમેરિકી દૂતાવાસે સ્વીકારી લીધી છે. આ જાણકારી અમેરિકી દૂતાવાસ દ્વારા શુક્રવારે ટ્વીટ કરીને આપવામાં આવી છે. દૂતાવાસે એક લાખથી વધુ એપોઇન્ટમેન્ટ સ્વીકારી છે.
ગત મહિને ભારતીય વિદેશ મંત્રીએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકી વિદેશ મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ તેમણે ખાતરી આપી હતી કે તેઓ વહેલી તકે આ સમસ્યાને ઉકેલી નાખશે.
ભારતમાં અમેરિકી દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યુ છે કે ‘રોજગાર-આધારિત વિઝાની ઉચ્ચ માંગને ધ્યાનમાં રાખીને ભારતમાં યુએસ મિશનએ તાજેતરમાં H&L વિઝા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 1 લાખથી વધુ એપોઇન્ટમેન્ટ્સ આપી છે.‘ અમેરિકી દૂતાવાસે વધુમાં લખ્યું છે કે, ‘હજારો અરજદારોએ પહેલેથી જ એપોઇન્ટમેન્ટ બુક કરી લીધી છે, મિશન ઇન્ડિયાને કારણે પ્રથમ વખત એપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યુ વેવરમાં લાગતા સમયને અડધો કરી દીધી છે અન્ય ટ્વીટમાં અમેરિકી દૂતાવાસે લખ્યું કે, ‘વાસ્તવમાં 2022ના પ્રથમ નવ મહિનામાં યુએસ મિશન ટુ ઈન્ડિયાએ પહેલાથી જ 160,000થી વધુ H&L વિઝા જારી કર્યા છે. સંશાધનોની અનુમતિ અનુસાર આગળ પણ H&L કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખીશું.’ કુશળ વિદેશી કામદારોને આપવામાં આવતા H-1B અને અન્ય વર્ક વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયોનો મોટો હિસ્સો છે.