વડાપ્રધાન મોદી આ વખતે અયોધ્યામાં દિવાળી મનાવશે.PM મોદી દિવાળીના અવસર પર આગામી 23 ઓક્ટોબરે અયોધ્યા જઈ શકે છે. આ અવસર પર તેઓ સૌથી પહેલા રામલલાના દર્શન કરશે. આ પછી તેઓ રામ મંદિર નિર્માણના પ્રગતિ અહેવાલ જોઈને મંદિર નિર્માણકાર્યની સમીક્ષા પણ કરશે. આ પહેલા તેઓ 21-22 ઓક્ટોબરે બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાત લેશે. જ્યાં તેઓ દર્શન પૂજાની સાથે કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે દેશની સરહદો પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
દિવાળી પર વડાપ્રધાન અયોધ્યા પહોંચવાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારનો આ છઠ્ઠો દીપોત્સવ હશે. આ વખતે વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે દિવાળી પર અયોધ્યામાં 17 લાખ દીવડાઓ પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે ગયા વર્ષે કુલ નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.