વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશના ઘણા ભાગોમાં વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદ યુનિવર્સિટીમાં સ્ક્રિનિંગ બાદ ગઈકાલે રાત્રે જેએનયુમાં ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને લઈને વિવાદ થયો હતો. હવે કેરળમાં પણ બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત રમખાણો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBCની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ના સ્ક્રીનિંગને લઈને દેશના અનેક ભાગોમાંથી હિંસક અથડામણ થઈ રહી છે. સોમવારે મોડી સાંજે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ડોક્યુમેન્ટરી જોતી વખતે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા બાદ જેએનયુમાં ઈન્ટરનેટ કનેક્શન અને વીજળી સસ્પેન્ડ કરવામાં આવી હતી. બીજી તરફ, વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને કેરળમાંથી હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર મોડી સાંજે કેરળની કેટલીક કોલેજોમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં ભાજપની યુવાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેરળમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સભ્યોએ પણ બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ સામે કૂચ કરી હતી. રાજધાનીમાં પોલીસ સાથે લોકોનું ઘર્ષણ થયુ હતુ. પોલીસે વોટર કેનનથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હિંસક વિરોધ દરમિયાન કાર્યકરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. કેરળમાં શાસક સીપીઆઈ(એમ) ની યુવા પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાજપ યુવાઓનું જૂથ વિરોધ કરી રહી હતી. કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ પરંતુ વિરોધ છતાં સ્ક્રીનિંગ ચાલુ રહ્યું છે. યુથ કોંગ્રેસે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને આ ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાનું નક્કી કર્યું છે.