Published by : Vanshika Gor
આવકવેરા વિભાગે (IT)એ BBCની દિલ્હી ઓફિસ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, 60 થી 70 IT લોકોની ટીમ દરોડામાં સામેલ છે. કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર રોક લગાવવામાં આવી છે. જો કે આવકવેરા વિભાગનું એમ કહેવું છે કે આ માત્ર સર્વે છે, રેડ નથી.
તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડનમાં બીબીસી ઓફિસમાં દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. જો કે, હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
કોંગ્રેસે કરી ટ્વીટ
કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી આ સમગ્ર મામલે ઉપરાઉપરી ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપવામાં આવી છે. પહેલી ટ્વીટમાં કહેવાયું છે કે પહેલા બીબીસીની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ મૂકાયો. હવે બીબીસી પર આઈટી દરોડો પડી ગયો છે. અઘોષિત ઈમરજન્સી.
બીજી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અહીં અમે અદાણી મામલે JPC ની માંગણી કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBC ની પાછળ પડી છે. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’.