સુરતમાં વરાછા રોડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા. જંગી જનમેદની વચ્ચે તેઓએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ‘ભાજપ જીતશે’ ના નારા સાથે ફોર્મ ભરવા નીકળેલા કુમાર કાનાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પ્રજા મને ધારાસભ્ય નહીં, પરંતુ તેમના ભાઈ માને છે
કુમાર કાનાણીએ જણાવ્યુ કે અહીંના લોકો મને ધારાસભ્ય નહીં પરંતુ તેમના ભાઈ માને છે. આ વિસ્તારના નાગરિકોનો હંમેશા મને પ્રેમ મળ્યો છે. કોરોનામાં જ્યારે સમગ્ર રસ્તાઓ ખાલી પડ્યા હતા ત્યારે મારા વિસ્તારના ભાઈઓ આગળ આવીને મારી સાથે ખભેથી ખભા મેળવીને ચાલ્યા છે. આ વખતે ઐતિહાસિક જીત થશે અને બધા જોતા રહી જશે.વડોદરા અને સુરતના ઉમેદવારોના વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે 27 વર્ષથી આમારો સબંધ અવિરત ચાલતો આવ્યો છે. ગુજરાતની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી રહેશે. વિસ્તારનો પ્રેમ અને લાગણી જોઈને વિરોધીઓને ચોક્કસથી સહન ના થાય પરંતુ એ એમનુ દુઃખ છે, એમની બીમારી છે. એમની બીમારીનો ડોક્ટર એમણે જ શોધવો પડશે. તમામ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે. સામાજિક નામથી ચાલુ કરીને ચૂંટણી લડવાનો હક તમામને છે. નિર્ણય લેવાનો હક પ્રજાનો છે.