Published By : Parul Patel
- ✍️ભરૂચ જિલ્લાને આઝાદી પૂર્વે 1942 થી આજ 80 વર્ષમાં માંડ 5-7 સક્ષમ, બાહોશ, નિષ્ઠાવાન, વિકાસ લક્ષી દીર્ઘદ્ર્સ્ટીવાળા, સરળ અને ‘લોકપ્રિય’ કલેક્ટર્સ મળ્યા છે…
- ✍️ કુલ 82 વર્ષમાં 51 જેટલા IAS, NON IAS, GPS, ICS અધિકારીઓમાંથી 1997 પછી 5-7 અધિકારીઓ ગુજરાતમાંથી દિલ્હી PMO પહોંચ્યા છે…‼️
- ✍️ ભરૂચમાં જોકે જેટલું ગરીબ-નિર્બળ નેતૃત્વ રાજકિય ક્ષેત્રે રહ્યું છે, એટલું વહીવટી ક્ષેત્રે રહ્યું નથી, પણ બધા અધિકારીઓની નજર દિલ્હી તરફ જ કેમ હોય છે..??!!!
ભરૂચ જિલ્લો પ્રાચીનતાની દ્રષ્ટિએ તો બહુ જ જૂનો અને પ્રસિદ્ધ જિલ્લો છે, કાશી કરતા પણ પ્રાચીન નગર કહેવાય છે, સ્વતંત્રતા પૂર્વેનું મહત્વનું ઔધોયોગિક બંદર, અંગ્રેજોના જમાનામાં પણ જેનું નામ હતું એવા ભૃગુકચ્છને આઝાદી પછી જોઈએ એટલાં વિકાસના ફળો ચાખવા મળ્યા નથી. ભાંગ્યું તૂટ્યું ભરૂચનું કલંક આઝાદી પછી આજે પણ એના માથેથી પૂરેપૂરું ભૂંસાયું નથી. ફુરજા બંદર, ફ્રેન્ચ, વલંદાઓ અને અંગ્રેજ સલતનત પૂર્વે મુસ્લિમ આક્રંતાઓના પગે કચડાયેલું ભરૂચ આઝાદી પછી આંગળીના વેઢે ગણાય એટલા યશસ્વી ત્રણ-ચાર રાજનેતાઓ અને સમહર્તાઓ થકી નહિવત પ્રગતિ, પ્રશંસા કે વિકાસ પામ્યું છે. એની એક દિશામાં ગાયકવાડી ઘરાનાનું બરોડા, જે રાજપીપળા સુધી હતું, એના ભવ્યાતિભવ્ય ઇતિહાસથી પ્રસિદ્ધ છે, અને બીજી બાજુ સુરત-વલસાડ-વાપીથી છેક મુંબઈ સુધીમાં નાના મોટા મરાઠા રજવાડાંઓનો વિકાસ જેવો બીક્સ ભરૂચના ઇતિહાસના પાને, ભરૂચના ભાગ્યમાં લખાયો નથી. ભૃગુઋષિ દ્વારા સ્થાપિત પ્રાચીન નગર ખરું, પણ લક્ષ્મીજી દ્વારા શ્રાપિત કહેવાતું ભરૂચ આજે પણ વિકાસના નામે ગરીબ, પછાત જ રહ્યું છે. ગુજરાતમાં અનેક વિકસિત જિલ્લાઓમાં ભરૂચનું ભાગ્ય પ્રમાણમાં સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ગરીબ જ રહ્યું છે, એવું ઘણાનું આજે પણ માનવું છે, અને એ મહત્તમ સત્ય પણ છે.આંતર માળખાકીય સુવિધાઓ નગણ્ય જ રહી છે…
ભરૂચના ભાગ્યમાં કોઈ યશસ્વી રાજા રજવાડાં તો નહતા લખાયા, પણ આઝાદી પછી લોકસભા અધ્યક્ષ બનનારા કેરવાડાના ઠાકોર, ચંદુભા રાજ, કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ, અને લાંબો સમય કોંગ્રેસના દિલ્હી દરબાર-PMOમાં દીર્ઘકાલીન ત્રણ ચાર PM (ઈન્દિરાજી, રાજીવજી, નરસિંહ રાવ, મનમોહનસિંહ )માં અમર્યાદિત સત્તા ભોગવનાર અહેમદ પટેલને બાદ કરતાં કોઈ શાસક ભરૂચને પ્રગતિના સર્વોચ્ચ શિખરે, સુખ-સુવિધાઓ, સમૃદ્ધિ અને સફળ મથક બનાવી શક્યું નથી. આ કોંગ્રેસી નેતા સિવાય ક્યારેય કોઈ પણ મોટા ગજાના નેતાનું દિલ્હીમાં ખાસ કાંઈ ભરૂચ માટે ઉપજ્યું નથી…હા, કોંગ્રેસ રાજમાં ઔદ્યોગિક રીતે વિવિધ GIDC ઓ મળી, પણ એની પાછળ પ્રદુષણ અને આંતરમાળખાકીય સગવડોનો અભાવ,ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને પ્લાનિંગનો અભાવ આજે પણ ભરૂચને ભારતના નકશામાં ઓછું જાણીતું નામ આપ્યું છે, એવું કહેવું ખોટું નથી. GNFC -ONGC એ થોડું જાણીતું કર્યું, પછી અંકલેશ્વર અને હવે દહેજે ભરૂચને નામ આપ્યું છે,ગુજરાતમાં બીજા જિલ્લાઓને જે મહત્વ, સફળતા, સુવિધાઓ મળી છે, એ ભરૂચને મળી નથી.
કોઇ પણ જિલ્લો હોય, એની પ્રગતિ, સમૃદ્ધિ પાછળ સશક્ત અને વિચક્ષણ રાજકિય નેતૃત્વ તથા વહીવટી અધિકારીઓનો જ ખૂબ મોટો ફાળો હોય છે. હું અગાઉ અનેકવાર જિલ્લાના નેતૃત્વની એકાદ બે અપવાદોને-નામોને બાદ કરતાં દરિદ્રતા કહો કે નિર્બળતા, અશક્તિ કહો કે અણ આવડત…ભરૂચને બહુ જ નડી છે, હજુ નડી રહી છે, એ પણ ટૂંકમાં સમયમાં વાત અલગથી જરૂર પડે કરીશું. આજે તો ભરૂચ જિલ્લાને 1942 થી આજ દિન સુધી મળેલા 51 જેટલા IAS, NON-IAS, ICS, GPS, અધિકારીઓ કે જેઓએ આ જિલ્લાના ‘સરકારી રાજા’ કહેવાય એવા સરકારી અધિકારી તરીકે, કલેકટર-જિલ્લા સમહર્તા-DM તરીકે સરકારી વહીવટકર્તાના અતિ જવાબદાર- પગારદાર હોદ્દા પર ફરજ બજાવી હોય, અને એમણે જિલ્લો, પ્રજા વર્ષો સુધી યાદ કરે એવા કાર્યો કર્યા હોય, જિલ્લાને એમના કામોના નામે નામ કમાઈને ગૌરવવંતુ સ્થાન આપ્યું હોય, મેળવ્યું હોય,એવા સમહર્તાની યાદી શોધવાની કોશિશ કરી તો માંડ ચાર -પાંચ નામ એવા મળ્યા કે જેમના કાર્યોની સુવાસ થકી જિલ્લાને ઓળખ મળી હોય, વિકાસ મળ્યો હોય. હા, એમાં પણ ભરૂચના નસીબ તો ગરીબ જ રહ્યા…આ વિચાર એટલે આવ્યો કે સુરતને છેલ્લા 3 દાયકામાં જ ચાર કલેકટર એવા મળ્યા જેણે સુરતની પહેચાન જ, ઓળખ જ બદલી નાખી, ઇવન અમદાવાદ ની પણ આગળ મૂકી ગુજરાતનું આર્થિક પાટનગર, સત્તાનું કેન્દ્ર બનાવ્યું…વડોદરાને પણ કલેકટર અને કમિશ્નરો એવા મળ્યા જેમણે નવી ઓળખ આપી, અને એમનું પણ નામ બનાવ્યું…સુરતનું નામ પડે એટલે DK રાવ સાહેબ યાદ આવે…કમિશનર બનેલા એસ. અપર્ણા અને બીજા IAS મ્યુ. કમિશ્નરો પણ યાદ આવે, રાજકોટમાં એસ. જગદીશન યાદ આવે, ભરૂચમાં પણ એમની એક નાનકડી ઝલક કાફી થઈ, કોઈ એકાદ બે ઉચ્ચ અધિકારીઓએ આ મોટા શહેરોને ઉજ્જવળ ઓળખ નથી જ આપી, પણ રાજ્યના નેતૃત્વના પીઠબળ અને સ્વતંત્રતા સાથે ગુજરાતના પર્યાય બની જાય એવા નામો એમના કામો થકી જિલ્લાઓને મળ્યા…અને આપણું ભરૂચ ?? ના પાણીદાર નેતાગીરી, ના કોઈ વિચક્ષણ પ્રભાવી વહીવટ, અસરકારક વહીવટી અધિકારી જિલ્લાને ના મળ્યા…જેમણે ભરૂચની સુરત-શકલ બદલી સુંદરતા કે સ્વછતાની ભેટ આપી શક્યા હોય, કે એના પ્રયાસોમાં એમને સફળતા મળી હોય.
આ બ્લોગમાં મેં એક ક્લિપમાં ભરૂચ જિલ્લાના 02/04/1942 માં નિમાયેલા MS MOULVI થી શરૂ કરી 51 માં ક્રમે જિલ્લા કલેકટર પદે આવેલા, ફરજ બજાવતા SHREE TUSHAR SUMERA નું INCUMBENCY લિસ્ટમાં નામ આવે છે. ભરૂચ જિલ્લામાં 82-83 વર્ષ સુધી શાસન કરી ચૂકેલા વહીવટકર્તા, કલેક્ટર્સના નામો, એમણે ભોગવેલો સમયગાળો સહિત મૂકી છે. જેમાંથી છેલ્લા 10-12 નામોને હુ ઘણાં નજીક થી ઓળખું છું, સંપર્કમાં રહ્યો છું. યાદીના ઘણા નામો જુના ભરુચીઓને એમના કામોથી, વહીવટ થી મોઢે યાદ હશે, કેટલાકના તો નામ પણ યાદ નહીં હોય, કેટલાક ઇનચાર્જ અધિકારીઓ હશે…બહુ લાંબા વખતથી ભરૂચમાં વિકાસના નામે વિવિધ સ્લોગનો, પ્રોજેક્ટ્સ માટે સફળ-નિષફળ-અર્ધ સફળ કે પ્રજામાં વિવાદ જન્માવનારા ઘણાં પ્રયાસો થયાં છે. બે-ચાર પ્રશંસનીય પ્રયાસ થયાં છે, તો મોટાભાગે ભરૂચના કમભાગ્યે આવા પ્રોજેક્ટમાં નિષ્ફળતા જ હાથ આવી છે…કારણોનું પૃથકકરણ તો કરીશું…પણ એક મુદ્દો પત્રકાર અને વહીવટી આલમમાં સતત એ વિવાદે ચઢતો રહ્યો છે કે દેશમાં કેન્દ્રમાં મોદી સાહેબ PM બન્યા પછી, ભરૂચમાં કલેકટર કે DDO તરીકે ફરજ બજાવનાર ઘણા ઉચ્ચ અધિકારીઓ યોગ્યતા પુરવાર કરીને અથવા એમના ગોડ ફાધર્સની રહેમ નજર હેઠળ, CMO-PMOની ગુડબૂકમાં ચઢીને, સર્વોચ્ચ હોદ્દા પર PMO સુધી પહોંચ્યા છે. પ્રશ્ન અને ચર્ચાનો વિષય એ છે કે આ 50 અધિકારીઓમાં કોણ, કેટલા, ક્યા કારણો થકી ક્યાં સુધી પહોંચ્યા?? એ જાણવું ભરૂચની પ્રજા માટે પણ અનિવાર્ય બન્યું છે. મારા આજના બ્લોગનું ટાઈટલ સ્વયં ઘણું બધું સ્પષ્ટ કરે જ છે, આ જ ટાઈટલ હેઠળ કર્મશ: એકાદ બે બ્લોગ આગળ ચલાવી જાણીશું કે કોણે, શુ, કેટલું અને કેવી રીતે ભરૂચનું ભલું કર્યું કે અધિકારીઓનું ખુદનું ભલું કરવાની આવડતમાં પવિત્ર ‘માં નર્મદા’ની ભૂમિ, પાણી નિમિત્ત માત્ર બન્યું…હું તો માત્ર એક નાનકડો પત્રકાર છું, કોશિશ કરીશ કે તટસ્થ ભાવે, સત્યને માથે રાખી, પ્રજાના દ્રષ્ટિકોણથી, ઉદાહરણો અને દાખલાઓ સાથે વિશ્લેષણ કરવાની કોશિશ કરીશું…બાકી બધી સત્તા તો ગાંધીનગરના અને દિલ્હીના આપણા સહુના આદરણીય ‘નાથ’ શ્રીઓના માથે, અને હાથમાં છે. પણ હું એક પત્રકાર, રહેવાસી તરીકે નહીં ભૂલું કે મારા ભરૂચને કોણે, શુ ને કેટલું આપ્યું?? કેટલા અને કેવા સફળ-નિષ્ફળ કે માત્ર દેખાડાના પ્રયાસો કર્યા, આવા પ્રયાશો નિષ્ફળ જવા માટે કોણ, કેટલું અને કેવી રીતે જવાબદાર? એ પણ ખુલ્લા દિલે ચર્ચિશું…(કર્મશ:)