Published By : Parul Patel
- ✍️ આજના સમયમાં શાળાઓનું શુભગ-સફળ સંચાલન એક યશસ્વી અને શ્રેષ્ઠ સમાજ સેવાનું સર્વોત્તમ કાર્ય બની રહ્યું છે.
- ✍️ આવું ઉત્તમ કાર્ય-સેવા કરવાનું સદનસીબ વિરલાઓને જ મળે છે: ભરૂચમાં આ શ્રેષ્ઠ તક નારાયણબાપુના ભક્ત જે. ડી. પંચાલ ભોગવી રહ્યા છે…
- ✍️ સરસ્વતીની સાધના અને આરાધનાની સાથે તે માટે ‘શ્રી’ નું હોવું અનિવાર્ય, પણ એ ધન-લક્ષ્મી સદમાર્ગે વાપરવી, એ એક અહોભાગ્ય, દીર્ઘ દ્રષ્ટિ…
આપણા સમાજમાં ભાગ્યવાન તો ઘણાં બધાં હોય છે, જેમની પાસે અઢળક ધન, વૈભવ, બુદ્ધિ શક્તિ હોય છે, પણ સદભાગી ઘણાં ઓછા હોય છે જેમને આવું ધન-વૈભવ સદ્ માર્ગે સમાજ ઉપયોગમાં વાપરવાની દ્રષ્ટિ, બુદ્ધિ, નિયત હોય છે,અને સાથે એવા કાર્યોમાં સફળતા પણ મળતી હોય છે.સમાજમાંથી કમાવવું જેટલું અગત્યનું છે, એનાથી અનેક ઘણું અગત્યનું, જે સમાજમાંથી કમાયા છીએ, એ જ સમાજને એ કમાયેલા ધનમાંથી 5-15 % પણ શ્રેષ્ઠ માર્ગે, સફળતા પૂર્વક એને સેવાભાવથી, સમાજમાં પરત કરવું વધારે અગત્યનું હોય છે…જેને આપણે “ગીવ બેક ટુ સોસાયટી” કહીએ છીએ…હજારો માણસો વ્યાપાર કરે છે, અબજો રૂપિયા કમાય પણ છે, પણ જો આ કમાણીના 5-25 ટકા પણ એજ સમાજના કલ્યાણ, ઉત્તથાન માટે વપરાય, તો શ્રેષ્ઠ સમાજ સેવા કરી કહેવાય…
ભરૂચ શહેરમાંથી પણ ઘણાં વ્યવસાયોમાં ઘણું બધું ઘણાં લોકો કમાયા છે. આવું એક નામ એટલે શ્રી જે. ડી. પંચાલ… મૂળભૂત શિક્ષક એવા આ વ્યક્તિએ ભરૂચને બાંધકામ ક્ષેત્રે હરણફાળ ભરાવી કે કહો એક નવી ક્ષિતિજ આપી…એમની વ્યાપારીક બુદ્ધિશક્તિ સાથે પ. પૂ. સંત નારાયણબાપુમાં પણ એમને અડગ વિશ્વાસ, શ્રદ્ધા આજે પણ એટલીજ…
એક પ્રોફેસરમાંથી સફળ અબજોપતિ બિલ્ડર બનેલા આ વ્યક્તિ, જો કે ભરૂચ છોડી વડોદરા શિફ્ટ થઈ ગયાં છે, પણ ભૂમિનું ઋણ આજે પણ એટલુંજ પ્રેમ, ઉષ્માપૂર્વક ચૂકવે છે…અતિ વિકટ, પડકારો, ઉતારચઢાવ ભરી જિંદગીમાં આ બિલ્ડરના ટકી જવા પાછળ એમની નારાયણબાપુ તરફની સમર્પિત ભક્તિભાવ જ કારણભૂત બની શકે. એક સમયે મારાં નવા નવા પત્રકારત્વના પગરણ, અને તે સમયે આ બિલ્ડરશ્રીનો વ્યવસાયમાં શુભાંરભ…મારાં સ્વભાવ પ્રમાણે અમે ઘણો સમય આમને સામને રહ્યા..મારાં તરફથી વિરોધાત્મક અભિગમ એમની સામે રહ્યો…
સમય માણસનું સાચું ઘડતર કરતો હોય છે, તમામ મૂલ્યોનો સાચો અહેસાસ કરે, કરાવે છે. જેન્તીભાઇએ પણ બહુ નાના મોટાં આરોહ, અવરોહ, ચઢાવ ઉતાર વચ્ચે જીવન સફળતાપૂર્વક ટકાવ્યું છે, એ માટે એ પણ નારાયણ બાપુના પરમ આશીર્વાદનેજ કારણભૂત માનસે, સ્વીકારશે…મને જાણનારાઓ વિચારશે કે નરેશભાઈ આજે કેમ એકદમ જે. ડી. પંચાલ સાહેબ પર ઓળધોળ થઈ રહ્યા છે?? તો મેં આગળ કહ્યું એમ.. કોઈ ક્યારેય સર્વગુણ સંપન્ન હોતો નથી, તો ક્યારે એ સંપૂર્ણ નકારાત્મક પણ હોતો નથી. માણસનું મૂલ્ય એના સમયાંતરે થતાં કાર્યોને આધીન જ થવું જોઈએ. અને સમય સાથે ઘણું બધું બદલાય છે, બદલાવું પણ જોઈએ.. એક સમયે હું જેમનો પ્રખર ટીકાકાર રહ્યો, એ જ વ્યક્તિના સદ્કાર્યને જો ના સ્વીકારું, આદર કરું તો હું સમાજદ્રોહી, સદગુણ દ્રોહી કહેવાવ. છેલ્લા કેટલાક વખતથી હું ભરૂચની વિવિધ શાળાઓની ગતિ -પ્રગતિનો સાક્ષી બની રહ્યો છું, શિક્ષણ એ અતિપવિત્ર અને સમાજ ઉપયોગી કાર્ય-સેવા છે. અસંખ્ય ઇશ્વરોના મંદિરમાં પુંજા પાઠ અને ભક્તિ કરનાર જે પુણ્ય નથી મેળવી શકતો, એ એક સરસ્વતીનું મંદિર એવી શાળામાં સાચી, નિસ્વાર્થ સેવા બજાવીને પુણ્ય, મનની શાંતિ અને શુકુન મેળવી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણા બધા આજ કાલ તો ધંધે લાગી ગયા છે, કરોડો કમાય પણ છે, પણ સાચી શિક્ષણની આરાધના બહુ ઓછા કરે છે. ખાનગી શિક્ષણ તો ટંક શાળ બન્યું છે, એક ઇન્ડસ્ટ્રીથી વધુ રૂપીઓ-નફો રળી આપે છે. પણ એમાં પણ જો વ્યક્તિ ધારે, ઈચ્છે અને શુદ્ધ મનેથી સમાજસેવા કરે તો જન્મારો સફળ થાય. ભરૂચમાં માત્ર જે.ડી.પંચાલ જ નહીં, બીજા પણ સરસ્વતી પૂજક છે જેમાંથી કેટલાક યથાશક્તિ પુણ્ય તો કેટલાક માત્ર ધન કમાય છે, અથવા અહમ સંતોષે છે, પોતાનું નામ ચલાવી ને, સત્તા ભોગવી ને…એ પછી ક્યારેક..આજે માત્ર પોઝિટિવ વાત કરીશું…
ભરૂચમાં બે જુદા જુદા ટ્રસ્ટો, નારાયણ નેત્ર ટ્રસ્ટ દ્વારા નારાયણ વિદ્યાવિહાર ઝાડેશ્વર અને નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણનગરમાં બે સ્કૂલો ચાલી રહી છે. વર્ષો પૂર્વે સ્થપાયેલી નારાયણ વિદ્યાલયના 26/07 ના રોજ નારાયણ આશ્રમ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન-સન્માન તથા ” જ્ઞાનોત્સવ નારાયણ ધ્વનિ વિશેષાંક -33″ નું વિમોચન વિધિનો કાર્યક્રમ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાની તક મળી. આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ જે.ડી.પંચાલ, શ્રી હેમંત પ્રજાપતિ, જે.કે.શાહ, મનોજ હરિયાણીની હાજરીમાં ચીફ ગેસ્ટ તરીકે ડો.શૈલેન્દ્ર શેટ્ટેનવર(MD)કેન્સર રિસર્ચર એક બહુમુખી પ્રતિભા ધરાવનાર ઇન્ટરનેશનલ વ્યક્તિત્વના સ્વામી તથા છતીસગઢના વિદુષી એવા ડો.રીટા માને ને મળવાનું થયું. આ બે મહાનુભાવોએ પણ “ગીવ બેક ટુ સોસાયટી”ના જીવન મંત્રને આત્મસાત કર્યાનું જાણી આનંદ થયો.
દરેક શાળાઓમાં આવા કાર્યક્રમો તો યોજાતા જ રહેતા હોય છે, પણ આ સ્કૂલના આચાર્ય અને સ્ટાફ એ જે મહેનતથી એક એક વિદ્યાર્થીઓને ત્રિદિવસીય સર્વાંગી વિકાસ અને જ્ઞાન આપતા કાર્યક્રમનું આયોજન જોઈને સ્તબ્ધ બની ગયો…માત્ર જ્ઞાન નહીં, સંસ્કૃતિને પણ જીવંત રાખવાના પ્રયાસો બેઉ ટ્રસ્ટની બંને શાળાઓમાં અવિરત પણે થતા રહે છે, જે સમાજને આગળ લઈ જવાનું કાર્ય કરે છે. મેં આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા કર્તા હર્તા શ્રી જે.ડી.પંચાલને કહ્યું કે તમારી મને મિઠી ઈર્ષ્યા થાય છે, તમે તકદીર વાળા અને સેવા સાધક છો, વ્યાપારીની સાથે સમાજ સેવા પણ કરો છો. શુ આવી સેવા, પ્રવૃતિઓ બીજી શાળાઓ, ટ્રસ્ટીઓ ના કરી શકે?? ભરૂચ જાણે જ છે કે આ બિલ્ડર દ્વારા નારાયણ હોસ્પીટલ ભરૂચ અને બરોડામાં પણ ચાલે છે.
આ કાર્યક્રમમાં જો મને સહુથી ધ્યાન ખેંચનારું કાંઈ લાગ્યું તો એ આચાર્યના શબ્દો કે અહીં અતિ સફળ, સફળ અને નિષ્ફળ વિદ્યાર્થીને પણ સમાજમાં સ્થાપિત થવા, શાળા છોડ્યા પછી પણ સ્કૂલ મદદ રૂપ થાય છે. સ્થાપનાના 33 વર્ષમાં આ શાળાએ અનેક ઉચ્ચ શિક્ષિત તબીબો, વૈજ્ઞાનિકો, એન્જીનીયર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, રિસર્ચર્સ અને ઘણા બધા સફળ વ્યવસાયિકો આપ્યા છે, જેની યાદી જોઈ હૃદય પ્રફફુલ્લિત થઈ જાય. આજના સમયે આવી સફળ જીવન યાત્રા જેમને પણ પ્રાપ્ત થાય એ બહુ સદભાગી જ કહેવાય. મેં જેન્તીભાઈ ને અભિનંદન આપતા પૂછ્યું કે તમારી આ બે સફળ શાળાઓના સંચાલક કોણ?? તો એમને આંગળી કરી નારાયણ બાપુની પ્રતિમા બતાવી…હા, એમની કૃપાથી જ એમને બે બે સફળ આચાર્યો, અને બે સંસ્થાઓ-શાળાઓ નારાયણ વિદ્યાલય અને નારાયણ વિદ્યા વિહારના શિક્ષકોની સમર્પિત ટીમો મળી છે…શનિવારે પુનઃ એક તક મને મળશે, ડો. મહેશ ઠાકરના નેતૃત્વ હેઠળની નારાયણ વિદ્યા વિહાર, ઝાડેશ્વરની શાળાના એક કાર્યક્રમમાં હાજર રહેવાની…
એક ગમ્મત કરતા કરતા પ્રવચન દરમ્યાન મેં સ્વભાવગત ટકોર કરી પ્રશ્ન કર્યો કે શું આપણે એક એવી ખાસ શાળાના ઉભી કરી શકીએ જેમાં શ્રેષ્ઠ, સદગુણી માત્ર સેવાલક્ષી નેતાઓ સમાજને બનાવીને આપી શકીએ?? જે શ્રેષ્ઠ રાષ્ટ્ર ઘડતર, નીતિ અને ઉચ્ચમૂલ્યોના સ્થાપન થકી આપણા દેશને આગળ લઈ જઈ શકે?? વિશ્વગુરુના સ્વપ્નસિદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરે?? આજના નેતૃત્વ-લીડરશીપ તો મત વ્યાપારીઓ જ દેખાય છે. ખરેખર દેશને સર્વોત્તમ નેતાઓ આપનારી એક સફળ યુનિવર્સીટીની પણ તાતી જરૂર છે, એવું તમને નથી લાગતું…??🙏✍️