Published By : Parul Patel
✍️ એક અદ્ભૂત સંયોગ વચ્ચે ત્રિદેવો પૈકી શિવજીનો શ્રાવણી સોમવાર અને અવતારી દેવ નારાયણ -વિષ્ણુ – કૃષ્ણનો જન્મ દિન:-જન્માષ્ટમી ઉત્સવ: શું કલ્કી અવતાર હવે….ક્યારે ??!!
✍️ વિશ્વમાં ચારે કોર કળયુગી હાહાકાર: સશસ્ત્ર યુદ્વધો, ભ્રસ્ટાચાર, વ્યભિચાર, ચરિત્ર અધઃપતન, અંધાધુધી અને પ્રાકૃતિક વિનાશ પછી નવસર્જન ક્યારે??
✍️ સમગ્ર સૃષ્ટિ પર પ્રલય સમાન પ્રાકૃતિક સ્થિતિ વચ્ચે વિશ્વયુદ્ધના પડઘમ..!! માનવતા વિહીન સ્થિતિમાં કળયુગનો અંત ક્યારે??
વિશ્વની અતિપ્રાચીન સંસ્કૃતિ એટલે હિન્દુ સંસ્કૃતિ એમ મનાય છે, સમગ્ર વિશ્વ એને જુદા જુદા મુદ્દે, સ્થળે, સ્થિતિમાં સ્વીકારે પણ છે..આધુનિક વિજ્ઞાનના આવિષ્કાર પૂર્વે વેદો અને રુચાઓ, શ્લોકોમાં વૈશ્વિક શક્તિના રહસ્યો છુપાયેલા છે. સહુથી પ્રાચીન ગ્રંથોમાં-વેદો ઉપનિષદોમાં આ રહસ્યોનો ઉલ્લેખ થયેલો છે. અતિ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ પછી ઘણાં યુગો કલ્પો વીત્યા છે…સમય હંમેશા પરિવર્તનશીલ ગણાયો છે…ગ્રહો, નક્ષત્રો અને વૈદિક, તબીબી વિજ્ઞાન, ગણિત – ખગોળ વિજ્ઞાન સુદ્ધા આ હિન્દુ સંસ્કૃતિમા અનાદિ કાળથી અસંખ્ય ગ્રંથોમાં નવગ્રહ-બ્રહ્માંડના નિર્માણથી માંડી ત્યાર પછીની સદીઓનું જ્ઞાન પણ ભારતીય સંસ્કૃતિમા ભંડારાયેલું પડ્યું છે…
આપણી સંસ્કૃતિ ધર્મ અને કર્મના આધારે રચાયેલી છે. હિન્દુ ધર્મ બહુ વિશાળ અર્થમાં કર્મને આધીન અને ઈશ્વરીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. “ત્રિદેવ” અર્થાત બ્રહ્મા, વિષ્ણુ-નારાયણ, મહેશ – અર્થાત શિવજી આ ધર્મના અઢી મૂળાક્ષરો જેવા છે… વિશ્વ જેને સમજે, સ્વીકારે છે એવી ભગવદ્દ ગીતા એ મહાન ગ્રંથ છે હિન્દુ સંસ્કૃતિનો..જેનો મૂળ આધાર કર્મ છે…ભગવાન વિષ્ણુ એમાં અવતારી પુરુષ સ્વીકારાયા છે, હિન્દુ શાસ્ત્ર કહે છે જયારે જયારે અધર્મનો વ્યાપ અને તાપ વધે છે, ધર્મનો ક્ષય થાય છે, ધરતી પર અરાજકતા, અન્યાય, અમાનવીય અભિગમ, હિંસા, અત્યાચાર, અંધાધુધી વધે છે ત્યારે ભગવાન વિષ્ણુદેવ જુદા જુદા સ્વરૂપે અવતરિત થાય છે…આપણો ધર્મ સ્વીકારે છે કે નારાયણના નવ અવતારો થઈ ચુક્યા છે જેમાં શ્રેષ્ઠ અવતાર એટલે શ્રી કૃષ્ણ..ને આ મહા અવતારી, ચમત્કારીક મહાપુરુષનો જન્મ દિન એટલે જન્માષ્ટમી…પ્રતિ શ્રાવણ વદ આઠમને આ મહા અવતારીપુરુષનો જન્મદિન હિંદુઓ ભારે શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સાહ સાથે, ભક્તિના મહાસાગર દ્વારા સત-યુગની અનન્ય આશા વચ્ચે ‘જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી’ ના નારા સાથે જ્યાં જ્યાં હિંદુઓ વસતા હોય, અખૂટ ધર્મ ભાવનાઓ ધબકતી હોય, ત્યાં ત્યાં મનાવાય છે…ત્રષ્ત વિશ્વમાં દેશ વિદેશમાં કૃષ્ણમાં અમાપ વિશ્વાસ ધરાવતો “ઈસકોન – સંપ્રદાય માત્ર કૃષ્ણ ભક્તિ અને શક્તિનો પર્યાય બની રહ્યો છે…
યોગાનુયોગ મારે ઘરે કાલે જ ‘કલ્કી’ મુવી જોવાનું આવ્યું…મળ્યું… હું ભગવદ્દગીતામાં મારાં પિતા થકી મળેલા વારસાના પરિણામે ખુબજ ઊંડી શ્રદ્ધા અને સંસ્કારમાં માનતો થયો છું… કૃષ્ણ મારાં પ્રિયપાત્ર અને અનન્ય પ્રેરણા્પુરુષ છે, હા ગણેશજી આરાધ્ય દેવ ખરા, પણ કર્મ અને ધર્મને સંસ્કાર તરીકે આપણે સ્વીકારવા જ પડે…આજે આ બ્લોગ લખવાનુ નિમિત્ત ઉપરની બે મહા દેવો.. શિવ અને વિષ્ણુના સમન્વયમાંથી – એમના એ પિક્ચરમાંથી જન્મ્યો છે, કદાચ પત્રકારત્વ જીવનમાં ધર્મ કે ઈશ્વરીય શક્તિ વિષે આ પહેલો બ્લોગ હશે, અને હા, હું જ્યોતિષ શાસ્ત્રનો જૂનો વિદ્યાર્થી છું, એટલે આજના આ ‘યોગ’ને વર્તમાન પરિસ્થિતિમાં એક અદ્ભૂત અને હકારાત્મક સ્થિતિ અને ઈશારો સમજુ છું…અને પ્રાર્થના કરું છું કે પ્રલયકારી વૈશ્વિક સ્થિતિ જ્યાં માનવમાત્ર માનવ જાતના, પ્રકૃતિના નીકનંદન – અંત માટે અગ્રેસર થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં હૈ ઈશ્વર, જો હવે આપ અવતરિત થવાના જ હો, તો નિર્વિલંબ પધારો પૃથ્વી પર …કલ્કી સ્વરૂપે કે પછી અન્ય કોઈપણ સ્વરૂપે…ન્યાય, નીતિ અને માનવીય મૂલ્યોને બચાવી લો…ઇન્સાન અને ઇન્સાનિયત હારી – થાકી ચુકી છે….હજુ કેટલી અને કેવી યાતનાઓ બાકી રહી છે??!! ઈશ્વર સ્વયં વર્તમાન સ્થિતિ અને સંજોગોથી પ્રસન્ન નથી..!! જલ, અગ્નિ અને ભૂમિ પ્રલય વિશ્વમાં દેખાઈ રહ્યો છે, પછી એ ક્લાયમેટ ચેન્જ સ્વરૂપે હોય કે પ્લેન, ટ્રેન, ભૂ્સખલન સ્વરૂપે…અગ્નિ તાંડવ હોય કે બળાત્કારો…આજે જન્માષ્ટમી એ પણ ગુજરાત જળ જળ બમ્બાકાર બન્યું છે…આનંદના અવસર એવા ‘મેળા’ તળાવોમાં ડૂબ્યા છે…હા શ્રાવણીયા જુગાર બેફામ ચાલતા હશે…હવે દરેક શ્રદધેય એક મીટ ” સંભવામી યુગે યુગે ” ની પ્રતીક્ષામાં છે…(આ એક ઈશ્વરીય શક્તિ, હિન્દુ ધર્મ-કર્મ અને એની શ્રદ્ધા પર અવલંબીત અંગત લેખ છે, બધા માને, સ્વીકારે કે એમને ગમે એવુ જરૂરી નથી, મારાં ગરમ લાહ્ય જેવા આકરાં શબ્દો, રાજકીય વ્યક્તિઓને દઝાડતા, પ્રજાનો અવાજ રજુ કરતાં કે જનજાગૃતિ માટે લખાતા લેખ જેવો આ લેખ ના પણ ગમે.🙏🙏🙏)