Published By : Parul Patel
- ✍️ ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીનું પાલક માતા પિતા યોજના હેઠળ સમાજ સેવાનું પ્રસંસનીય કાર્ય.
- ✍️ માતા પિતા વિનાના જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ માદયમિક સરકારી શાળાઓના 82 જેટલાં બાળકોને શિક્ષણ અને જીવન જરૂરિયાતની કીટ આપી પુણ્ય કાર્ય -સામાજિક કર્તવ્ય નિભાવ્યું…
- 🙏 “ગિવ બેક ટુ સોસાયટી”ના ભાવ સાથે જિલ્લા શિક્ષણધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રવિણસિંહ રણાની ટીમનું અનુકરણીય સદકાર્ય…
હું વારંવાર કેહતો આવ્યો છું, અને હજુ કહીશ કે, લક્ષ્મી તો લાખો, કરોડો લોકોને મળે છે, સત્તા અને પદ પણ અસંખ્ય લોકોને મળે છે, પણ એ જ્યાંથી, જેના થકી મળે છે, એ સમાજને ઉપયોગી બનવાની આત્મીય- બુદ્ધિ શક્તિ અને દ્રષ્ટિ બહુ ઓછાને પ્રાપ્ત થાય છે. જે મળ્યું છે, એ લઈને તો કોઈ ઉપર જવાનુ નથી, પણ જ્યાંથી મળ્યું છે, ત્યાં જ થોડું જરૂરિયાતમંદોને પરત આપી, સેવાનું ભાથું, સાચું નામ કમાવવાનું , કે કહો પુણ્ય કર્મ કરીને સામાજિક ઋણ ચૂકવવાનો બહુ ઓછાને લ્હાવો મળે છે, તક મળે છે, વિચાર આવે છે.જન કલ્યાણનું કાર્ય માત્ર સરકારી કાર્ય નથી, સમાજની પણ ફરજ બને છે, એ જુદું છે કે સરકાર એમની નીતિઓ પ્રમાણે વિવિધ સ્કીમો થકી ઉઘરાવેલા ટેક્ષના નિર્ધારિત રૂપિયા જનતા માટે વાપરે. પણ એમાં લાગણી ઓછી અને માત્ર ફરજપાલન-મતનું રાજકારણ વિશેષ હોય છે.. જયારે સામાજિક કર્તવ્યો સમજીને, કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાઓ, NGO દ્વારા થતાં સમાજ પ્રતિના ઋણ ચૂકવણામાં અપાર લાગણીઓ,આદર જોવા મળે છે. પુણ્ય માત્ર મંદિર-મસ્જિદના પગથિયાં, માળાઓના મણકા ઘસવાથી કે દીવડાઓમાં ઘી બાળવાથી નથી જ મળતું, દુખીયા, જરૂરિયાતમન્દને મદદ કરી ડબલ પુણ્ય કમાવાય છે, સાથે એક અનેરો આત્મ સંતોષ પણ મળે છે…
આ વર્ષે અધિક શ્રાવણ આવ્યો છે.. ડબલ ધમાકા સ્કીમ જેવો શિવભક્તોને લાભ મળ્યો છે:પુણ્ય કમાવાનો, ભક્તિ કરવાનો. શુક્રવારે અગિયારસે, 11/08/23 ઓગસ્ટ એ આવી જ એક તક ઝડપી લીધી ભરૂચ -નર્મદા માદયમિક શાળાના કર્મચારીઓની કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લિ. ભરૂચના શિક્ષણના સાધક એવા સરસ્વતિ પુત્રોએ… વર્ષો થી આ સંસ્થાનું નેતૃત્વ કરનાર, મારા સહપાઠી અને શિક્ષણવિદ, ખેતીની સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ માટે જીવન ખર્ચનાર, અનેક ચઢતી -પડતી વચ્ચે ટકી રેહનાર પ્રવિણસિંહ રણા, કિરીટસિંહ ઘરીયા, હસમુખ પટેલ, રિતેશ ભટ્ટ ,ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડા, અમિતસિંહ રવીન્દ્રભાઈ પટેલ સહિત આખી ટીમે જિલ્લા શિક્ષણધિકારીશ્રી કિશનસિંહ વસાવાની ઉપસ્થિતિમાં એક અદ્ભૂત, અનિવાર્ય, શિક્ષણ અને શિક્ષકોને અતિ ગૌરવ અપાવનાર કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રેહવાની મને તક મળી…
આ કાર્યક્રમ બહુ કઠિન પરિશ્રમ અને સમર્પણ,ગહન અભ્યાસ માંગી લેનારો હતો. પ્રવિણસિંહ રણાના જ્ણવ્યા મુજબ આખા જિલ્લામાંથી ગ્રાન્ટેડ સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ભણતા, પણ માતા અને પિતા એમ બેઉનું છત્ર ઘુમાવી ચૂકેલા ઠેર ઠેરથી બાળકોની યાદી એમના મૃતક માતા પિતાના દાખલા સાથે એકત્ર કરાઈ. આવા 82 બાળકો ઓળખી કઢાયા. જેમાં વાગરા, ભરૂચ, નેત્રંગ, ઝનોર, થવા, કરમાડ, અમલેશ્વર, હજાત, ચાસવડ, રાજપીપળા, સીતપોણ, સરભાણ થી માંડી ઝગડીયા -પાલેજ જેવા જુદા જુદા 27-30 ગામોમાંથી 82 છોકરા-છોકરીઓને શોધી કાઢવામાં આવ્યા, એમની સાથે એક એક શિક્ષક કે પાલક mata/પિતામાંથી પણ એક વ્યક્તિને ભરૂચ કચેરી પર ભાડું આપીને બોલવાયા હતાં. આ નિરાધાર બાળકોને એડવાન્સ 1500 રૂપિયા એમનો ડ્રેસ સીવડાવીને લાવવા તથા 250 સૂઝ, મોજા માટે આપવામાં આવ્યા હતાં.
આટલુ જ નહિ સોસાયટીની ટીમે પ્રવિણસિંહના નેતૃત્વ હેઠળ એક વર્ષમાં એમને જરૂરી એવી જીવન -શિક્ષણની જરૂરિયાતની ચીજ વસ્તુઓની એક મસ્ત કીટ બનાવડાવી હતી,(ફોટામાં જોવા મળશે) જેમાં છોકરા- છોકરીઓને એમના પ્રમાણમાં નાહવાનો ટુવાલ, સાબુ,કાંસકો, ગૂંચ કઢવાની કાંસકીથી માંડી, પેસ્ટ, ઉલિયું, બ્રશ, હેન્ડ કરચીફ, માથામાં નાખવાનું તેલ, પેન -પેન્સિલ,મોટા ચોપડા,કમપાસ, દફતર જેવી અનેક વિધ વસ્તુઓની વ્યવસ્થા કીટમાં કરી હતી.કહેવાય છે ને કે જો સદ્કાર્ય સાચા હૃદયથી શુદ્ધભાવનાથી કરો તો પરોક્ષ અન્ય સહાય પણ મળી જ રહે છે,તેમ શિક્ષણધિકારીશ્રી એ પણ પોતાના તરફથી એક એક દફ્તર ગિફ્ટ કર્યું, તો આત્મીય વિધાલય વાળા પ્રવીણભાઇ કાછડિયા દ્વારા દરેક વિદ્યાર્થીને પાંચ કિલો ખાવાનું તેલ અને સારામાના ચોખાના બાચકા પણ ગિફ્ટ કર્યા…લાગણીશીલ બનેલા પ્રવીણ કાછડિયાએ તો અગિયારસ હોઈ, આ માતા પિતા વિનાના 11 બાળકો જયારે પણ તેઓ લગ્ન યોગ્ય બને ત્યારે એમને પરણાવવાનો સંપૂર્ણ ખર્ચ પોતે, પોતાની સંસ્થા કરશે એવુ જાહેર કરી પ્રવિણસિંહ રણા અને મને સાક્ષી બનાવ્યા…
પોતાના વક્તવ્યમાં DEOશ્રી એ માતા પિતા વિનાના પાલક માતા પિતા માટેની સરકારી યોજનાની માહિતી આપી અને શિક્ષણમાંથી આવક રળતા અને શિક્ષણ વિભાગના જ નિરાધાર બાળકો માટે આટલી ઉમદા સેવા કરતી સોસાયટીને બિરદાવી, જયારે જે મદદની જરૂર પડે તે કરવાની તૈયારી બતાવી. આત્મીય સંસ્થાન ના પ્રવીણ કાછડીયા એ પણ આવા બાળકો માટે જરૂરી તમામ મદદની ખાત્રી આપી, તો પ્રવિણસિંહ રણાએ લાગણી સભર શબ્દોમાં MATA-પિતાનું જીવનમાં મહત્વ અને એમની ગેરહાજરીમા આ 82 બાળકોને વિશેષ કાળજી, ધ્યાનથી ભણી વધુ સફળ, સદ્ધર જીવન ને લાયક બનવા અપીલ કરી, પાલક માતા પિતાને પણ આ બાળકોને ઈશ્વરીય ગિફ્ટ સમજી પુંજા પાઠ ને બદલે એમની સેવામા સમય વ્યતીત કરી એમને સફળ બનાવી આત્મીય આનંદ લેવા જણાવ્યું. ક્રેડિટ સોસાયટી દ્વારા આ તમામ બાળકો અને એમની સાથે આવેલા તમામ વાલી, શિક્ષકો ને પ્રેમ અને આદર પૂર્વક જમાડ્યા…રૂપિયો ખર્ચવાનો આતમસંતોષ અને મહેનતની સફળતાનો આનંદ સોસાયટીની આખી ટીમ ના મોંઢા પર દેખાતો હતો…આ સોસાયટીને મળેલી, એણે વસાવેલી એમ્બયુલન્સ પૂર્ણ ઉપયોગમાં આવતી ના હોઈ, પ્રવિણસિંહ ની ટીમે એ એમ્બયુલન્સ અને વધેલા 5લાખ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને આપીને જે સમાજ સેવાનો નિર્ણય કર્યો છે, એમાંથી ભરૂચની મહત્તમ NGO એ પ્રેરણા લેવી જોઈએ…આ સહકારી સોસાયટી વર્ષ દરમ્યાન આવા બાળકોને દિવાળી એ મીઠાઈ, વર્ષમાં એક વાર પ્રવાસ જાય તો 1000 આર્થિક મદદ થી માંડી, બીમાર પડે તો 5000 સુધીની મેડિકલ સહાય…જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતી જ રહે છે…સંગઠનના પદાધિકારીઓ ભલે બદલાય,પણ નક્કી થયેલા મૂલ્યો, સેવા પ્રકલ્પો ના બદલાય તો એના સ્થાપકોના, સંચાલકોના આત્માઓને સદગતિ, અને આવા કાર્યકરોને અતિઆનંદ, સંતોષ મળતો સમાજ જોઈ શકે છે. હૃદય દ્રાવક દ્રશ્યો વચ્ચે જયારે મેં આ કાર્યક્રમ માણ્યો, આવા સમાજલક્ષી સેવાકીય કાર્યોનો સાક્ષી બન્યો, ત્યારે નર્મદા એડજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, તથા ચેનલ નર્મદાના 2005 થી 20015 દરમ્યાનના કાર્યો સ્મૃતિ પટલ તાજા થયાં, અને ઈશ્વરીય શક્તિ, રચનાઓ આવી સંસ્થાઓ પ્રતિ અતિ આદર થયો.. ના, આ દેશ માત્ર ભગવાન ભરોસે નથી જ ચાલતો, એના બનાવેલા આવા સહ્દ્વયી અનેક આત્માઓ, એમની સેવાકીય ભાવનાઓ, સમાજ માટે કંઈક કરીછૂટવાની વૃત્તિના બહુ મોટા સમુદાય થકી દેશ ટકી રહ્યો છે, ચાલી રહ્યો છે, અને હજુ આમને આમ જ ચાલશે… બધું નકારાત્મક નથી બનતું- હોતું.. એની સામે બનતી હકારાત્મક ઘટનાઓ, પ્રવૃતિઓ માનવતા, માનવતામાં શ્રદ્ધા અને માનવીય જીવનને જીવંત બનાવી જ રાખે છે…આવા ઘણાં સંગઠનો, NGO, સોસાયટીઓ છે, જે એમના નફા કે બચતને જો આવા શ્રેષ્ઠ સમાજ ઉપયોગી કામો ને, CSR ફંડ ની અપેક્ષાઓ, આશાઓ વિના પણ વાપરે, તો ભલે કાયમી સ્વર્ગ ધરતી પર ના ઉતરી આવે, પણ આવા કાર્યો દરમ્યાન કે દિવસો સુધી આવા સ્વર્ગીય આનંદનો અહેસાસ જરૂર થાય.. હા, ભરૂચને પણ ગૌરવ મળે….સામાન્ય ગણાતા આ શિક્ષકોની મંડળી ને સમાજ આપે એટલી શુભેચ્છાઓ, ધન્યવાદ ઓછા છે…🙏🙏🙏✍️