Published By : Parul Patel
- ઝગડીયા GIDCના અંધાધૂંધી ભર્યા ફાયરિંગ મુદ્દે સાંસદ બોલ્યા: “પ્રશાસન જ જવાબદાર”, “મુદ્દાને રાજકિય સ્વરૂપ આપવું જોઈએ નહીં..”
- પ્રશાસન તો ખરું, પણ એની પર શાશન કોનું? ભાજપનું જ ને? મુદ્દાને રાજકીય કોણ બનાવી રહ્યું છે કોણ?? કેમ?
- સાંસદશ્રીના આક્ષેપ સામે વહીવટીતંત્ર એ તમામ આરોપીઓના CDR કઢાવી સાર્વત્રિક કરવા જ જોઈએ: દુધનું દૂધને પાણીનું પાણી…
આ દેશમાં રાજકારણીઓ જેટલું કોઈ આઝાદ, નિર્ભય, બિનજવાબદર કે પલટી મારુ કોઈ બીજું મળવું લગભગ અસંભવ છે. અભી બોલા અભી ફોક…અથવા તો કહો ‘ટોપી ફેરવવામાં’ માહિર નેતાઓ જો કાંઈ એમના બોલવામાં બફાઈ જાય, તો તરત મીડિયાના માથે ટોપલો ઓઢાડી, બોલસે, હું તો આવું બોલ્યો જ નથી, “અર્થઘટન ખોટું થયું છે,” મારા કહેવાનો અર્થ ખોટો કર્યો…થયો છે વિગેરે વિગેરે…હવે એક બીજો પણ ટ્રેન્ડ શરૂ થયાનું ભરૂચમાં જ મહેસુસ થયું છે અને તે છે, “વહીવટી તંત્ર-પ્રસાશન સાંભળતું નથી”. છેલ્લો અત્યંત ગંભીર શબ્દ આવ્યો” આ માટે “પ્રશાસન જવાબદાર છે.”
આજના બ્લોગમાં ઘણા વખતથી ઝગડીયા GIDCમાં ચાલતી ભયાનક ગુંડાગર્દી – વ્યાપારિક જુથબંધી, કાતિલ હરીફાઈની બનેલી ઘટનામાં બેફામ ગોળીબારના મુદ્દે ભરૂચના સાંસદ પુનઃ જાહેરમાં આવ્યા, સોશિયલ મીડિયામાં પણ લખ્યું કે “આ ખુબજ દુઃખદ ઘટના છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું…આ ફાયરિંગની ઘટના કોઈ રાજકીય નથી. (સેલ્ફ એટેસ્ટડ સર્ટિફિકેટ??!!) અને કોઈએ રાજકીય સ્વરૂપ આપવું પણ ના જોઈએ (કોણે આપ્યું?) આ ધંધાકીય બે ગ્રૂપો વચ્ચે ચાલતી ઘણા સમયની હરીફાઈ છે…જિલ્લા વહીવટીતંત્રને પણ આની ખબર છે (શું આ વાતની સંસદશ્રીને, બીજા નેતાઓને પણ પહેલેથી જ ખબર હતી?? એમણે વહીવટી તંત્રને લેખિત-મૌખિક રજુઆત કરેલી? હા, મનસુખભાઇએ મને જાન્યુઆરીમાં એક લગ્ન પ્રસંગે વ્યક્તિગત જણાવેલું, અને મેં એમાં કોણ કોણ છે? કોનું, કોને, કેવું પીઠબળ છે? એ અને જો જરૂર પડે તો બધું વધુ જણાવવા માટે તૈયારી બતાવેલી, કદાચ સાહેબ ઘણાં કામના ભારણમાં ભૂલી ગયા હશે.) મનસુખભાઇએ લખ્યું છે, આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાથી હું સખત નારાજ છું…(શુ એ સિવાય બિન આદીવાસી ક્ષેત્ર એવા, અંકલેશ્વર-વાગરા-જબુંસર-પાનોલીમાં આવું બનસે તો ??!!)
સાંસદશ્રી ઘણા લાગણીશીલ અને જાહેરમાં સાચું બોલવાના આગ્રહી, નિખાલસ અને પ્રજા પ્રિય તો છે જ, પણ આ મુદ્દે એમની પ્રતિક્રિયાઓએ ઘણા અણીયારા પ્રશ્નો પ્રજા, વહીવટી તંત્ર અને રાજકિય વર્તુળોમાં હંમેશની જેમ સર્જ્યા છે, એટલે ‘બ્લોગ’ લખવો પડ્યો છે…

હું મનસુખભાઇનો જૂનો વ્યક્તિગત પ્રસંશક છું, પણ એક ન્યુટ્રલ મીડિયા મેન તરીકે મેં જોયું છે કે આ સાહેબ ઘણીવાર બોલવામાં ઉતાવળે બાફી મારે છે…અને ખુદ એમની જ સરકાર જવાબ્દેહીમાં મુકાઈ જાય છે, એની પાછળ પણ કોઈક તો કારણ અચૂક હશે જ, પણ પ્રભુને પ્રાર્થના કે એ પણ કોઈ ‘રાજકિય’ કારણ ના હોય…પક્ષમાં ચાલતી ચર્ચા પ્રમાણે મનસુખભાઇ એક તીરે અનેક નિશાન પાડતાં હોય છે, એ એમની વિશેષતા-કલા પણ હોઈ શકે,પણ વારંવાર પક્ષનું ઓકવર્ડ સ્થિતિમાં મુકાઈ જવું સહજ રીતે આ બહુ બોલકા નેતાજીને નુકસાન પહોંચાડી શકે એમ છે, અને એમના કહેવાતા મિત્રો પણ જાણે જ છે…એ વાત જુદી કે આ વ્યક્તિને ટિકિટની પડેલી ના હોય ને બોલતા હોય તો એ જરૂર મહાન કહેવાય…પણ ઝઘડિયાના મુદ્દે એમના શબ્દો અને તારણ કે “પ્રશાશન જ જવાબદાર છે”, વહીવટી તંત્રને બધું જ ખબર છે, એ લોકો કોઈ પગલાં લેતા નથી…જેવા શબ્દો તો ખુદ ભાજપને જ નિષફળતાના કઠેરામાં ઉભો કરે છે…પ્રશાશનનો અર્થ ગૂગલમાં જો જો…એક અર્થમાં શાશન ચલાવનાર અર્થાત વહીવટી તંત્ર થાય છે, અને પછી શાસક આવે છે તો એમાં વહીવટીતંત્ર ચલાવનાર ‘શાસક’ પક્ષમાં તો ભાજપ સરકાર ખુદ જ આવે છે…શુ આ સંસદ શ્રી સરકારનો ભાગ નથી?? મનસુખલાલે આવી ફરિયાદો અગાઉ ડંપર અકસ્માત અને અનેક સમયે કરી જ છે, (અપશબ્દો સાથે,) વહીવટી તંત્રએ એની સામે હડતાળ પણ પાડી હતી, તો એ પક્ષની શિસ્તભંગ ના ગણાય?? જો વહીવટી તંત્ર માનતું, ગાંઠતું ના હોય તો સાહેબના સાથીદારો એવા મુ.મંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ એટલા જ જવાબદાર ના ગણાય?? ભાજપના જ વહીવટને વગોવનાર, આ સાંસદ પક્ષથી ખફા ખફા કેમ ચાલે છે?? એ પણ એક વિશ્લેષણ-ચર્ચાનો વિષય છે. લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે આ દુઃખી,વ્યથિત અને જાહેરમાં ટીકા કરતા આ જનપ્રતિનિધિશ્રીને પાર્ટી કેવી રીતે મનાવસે, સમજાવશે કે પછી….(એ વિશ્લેષણ અલગથી…)
પણ આ અલગ માટીના માણસે એક સેલ્ફ એટસ્ટેડ સર્ટીફિકેટ આપતા બીજું વિવાદસ્પદ નિવેદન પણ આપ્યું, કે આ કોઈ રાજકીય ઘટના નથી, એને કોઈએ(?) રાજકીય સ્વરૂપ આપવું ના જોઈએ (આવું વિધાન આપવું પડ્યું એની પાછળના કારણો પણ બહુ મોટા અને વિવદાસ્પદ છે, પછી ફરી લઈશું, જોઈશું) પણ આ સાથે અખબારી અહેવાલો જે કાંઈ આવ્યા છે, એ તો બહુ ચોંકાવનારા છે, શુ આપણા આ નિખાલસ સાંસદ આ ઘટના માટે એમણે જેમને ટાર્ગેટ પર લીધા છે, જવાબદાર ગણાવ્યા છે, એવા પોલીસ વિભાગ અને વહીવટી વડા, આખી શૃંખલાને ખુલ્લા પાડવા, આ ઘટનામાં સંડોવાયેલા અને ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર મનાતા આરોપી જૈમીન અને બીજા મુખ્ય આરોપીઓની પૂરે પુરી કોલ ડિટેલ, CDR, જ્યાં જ્યાં જેની જેની સાથે ઉઠક બેઠક, મિટિંગો, એના સ્થળો, એમના વ્યાપારની વિગતો, વ્યાપારના એગ્રીમેન્ટ અને એના એક એક પ્રત્યક્ષ અને પરોક્ષ ભાગીદારો,સ્ટાફ-એમના પગાર, આજ પ્રશાશન પાસે લેખિતમાં માંગીને જાહેર કરાવશે?? ભલ ભલા ના ‘ઇનર્સ’ ઉતારી નાખે એવું મર્દાનગી ભર્યું કામ, મારા આ નિખાલસ, સાલસ, આખાબોલા જનપ્રતિનિધિ કરે, એ બહુજ જરૂરી અને અનિવાર્ય છે. પણ નહીં કરે…જો કરશે તો બહુ મોટા નામો આ હિંસાચારમાં બહાર આવશે, અને વંટોળ ફૂંકાશે, તો બધું જ વેરણ છેરણ થઈ જશે…
એક સિનિયર પત્રકાર તરીકે હું જિલ્લાના વહીવટી તંત્રને (મનસુખભાઈના શબ્દોમાં ‘પ્રશાસન’ ને) પણ અપીલ કરું છું કે, આપ આવો રેકોર્ડ – CDR તમામ મુખ્ય આરોપીઓના મોબાઈલનો કોલ રેકોર્ડ પ્રજા સમક્ષ લાવો,જો એમ ન થતું હોય તો કોર્ટમાં પુરાવાઓમાં મુકજો જ…જેથી વારંવાર સરકાર અને સરકારી તંત્ર-પ્રશાશનની બદનામી ના થાય, દર વખતે બીજાઓના કારણે વહીવટીતંત્ર બદનામ ના થાય, જેમના પાપે આવા કાળા ધબ્બા તંત્રને લાગે છે, એ સહુ જાહેરમાં ખુલ્લા પડે, અને અમારા સાંસદનો વિલાપ-દર્દ-વ્યથા ઓછી થાય, એમની નામના ખ્યાતિ વધે, આગામી લોકસભામાં ટિકિટ સો ટકા ફાઇનલ થાય (આમ તો હશે જ) અને જો ભાજપ સરકાર કેન્દ્રમાં પુનઃ રચાય, તો અમારા માનવંતા સાંસદ પુનઃ કેન્દ્રીય મંત્રી બને…આ ઘટનામાં જે પણ કસૂરવાર હોય, જવાબદાર હોય એને તો અવશ્ય સજા મળવી જ જોઈએ એ રાજ-વહીવટી ધર્મ પણ બજાવી શકાય.
ઝગડીયાની આદિવાસી પટ્ટી પર દરેક મુદ્દે આમને સામને રહેનાર-આવનાર સાંસદશ્રીના-ભાજપના કટ્ટર વિરોધી એવા આદિવાસી મસીહા જેઓએ છેલ્લી ચૂંટણીમાં જનસમર્થન ઘુમાવ્યું છે એ છોટુભાઈ વસાવાનું સ્ટેટમેન્ટ પણ ધ્યાનથી સાંભળવા જેવું છે…મેં ઘણું બધું સ્વયં સ્પષ્ટ કરવા આ બ્લોગમાં એ બધું સમાવ્યું છે, અખબારના કટિંગ્સ પણ…કોઈ કહી ના બેસે કે નરેશ ઠક્કર કોઈ વ્યક્તિ, સંસ્થા-પાર્ટી કે સમૂહનો ‘વિરોધી’ છે યા નકારાત્મક અભિગમ વાદી…
અગાઉ વર્ષો પૂર્વે આવું અંકલેશ્વર GIDCમાં પણ હતું ને હજુ થોડું છે,પણ આવું ખતરનાક નહીં…જાણવામાં આવ્યા પ્રમાણે વાગરા GIDCમાં પણ આવી જ ‘ખુંખાર’ સ્પર્ધા, ગુંડાગર્દી વિકસી રહી છે. પણ ઝગડીયાના હિંસાચારના અહેવાલો તો ગુપ્તચર તંત્રએ પણ દિલ્હીમાં મોદી સાહેબ સુધી પહોંચાડવા જ પડશે, અને પહોંચશે પણ, નામ ઠામને પુરાવાઓ સહિત….મોદી સાહેબ એમની પ્રકૃતિ મુજબ ઇન્ડસ્ટ્રીને સફર નહીં જ થવા દે, એ પાક્કું…બાકી ભરૂચ દોડી આવેલા IG પણ ઝગડીયાની દુર્ઘટના મુદ્દે ગંભીર તો છે જ, ચિંતિત પણ…પણ CM અને પ્રદેશ પ્રમુખ પણ આખી ઘટનાથી ‘અતિ થી ઇતિ’ સુધી વાકેફ છે જ…પ્રજા ને વાકેફ કરવાનું કામ અમારા જેવા મીડિયાનું છે, જે કરી રહ્યા છે…જો આવા ‘બ્લોગ’ની જરૂર પડશે તો આખી સિરીઝ ચલાવીશું, બધા જ મીડિયા સજાગ છે,ઘણું બધું જાણે પણ છે, બે ચાર પુરાવાઓની રાહમાં છે…સત્ય બહાર લાવવા માટે…શુ ભરૂચ નગરની બદ હાલત અને કૂસેવા, અણઘડ વહીવટ માટે અમારા સાંસદ શ્રી,ધારાસભ્યશ્રી પણ પ્રશાસન ને જવાબદાર ગણશે? ગણતા હશે?? (ક્રમશ…)