Published by : bhavika sasiya
- સ્વ અધિકારરક્ષા અને ન્યાયમાટે વિરોધ, એ તો લોકશાહીનું ઘરેણું છે…વિરોધ તો કરવો, થવો, હોવો જ જોઈએ…પણ...
- ન્યાય, નીતિગત, અને જાગૃતિ અર્થેનો વિરોધમાં સત્ય જેના પક્ષે હોય તે જ જીતે…મત અને મમત કે સ્વાર્થવાળો વિરોધ એક ફારસ બની જાય છે…
- જમીન સંપાદનમાં કિસાનોનો વિરોધ, રાજકારણીઓની રાજ રમત-સ્વાર્થના પરિણામે બદનામ થયો?? હજુ પણ રાજકિય દાવપેચો ?? હવે MP મનસુખલાલ અને કોંગ્રેસી માંગરોલા મેદાને પડ્યા…!!!
ન્યાય, નીતિ અને સત્ય માટે લઢવું, એ માનવીનો બંધારણીય અને અબાધિત અધિકાર છે… અને ન્યાય, નિતીગત, વ્યાજબી, જાગૃત વિરોધ કરવો એ તો લોકશાહીનું એક આગવું આભૂષણ પણ છે…પણ જ્યારે આવી લડતોમાં સ્વાર્થની સાથે કોઈ જીદ, અહકાર કે રાજકારણીઓના ખેલ-રમતો રમાય છે ત્યારે કેટલીકવાર આવી રમતોમાં ભોગ બનનાર બિચારો સમાન્યજન ભેરવાઈ પડે છે, ભોગ બનીજાય છે,પછી એ ખેડૂત હોય, આમ જનતા હોય,શિક્ષક હોય કે વેપારી…આ દેશની પ્રજા લોકશાહી સ્વતંત્રતાને બદલે, રાજકારણ અને રાજકિય નફા નુક્સાનમાં જ આઝાદીના 7 દાયકા પછી પણ લંગડાય છે. પ્રજા ગરીબી, ભૂખમરો, અન્યાય અને અરાજકતામાં પિશાય છે. લોકશાહીના ચારેય આધાર સ્થમ્ભ હચમચી રહ્યા છે…મત અને એની રમત ભારતીયોના જીવનનો એક અંગ બની ગયા છે એવું કહીએ તો ખોટું નહીં હોય, પણ છેવટે નુકસાન દેશનું જ છે… બધાનું જ હવે તો ‘બજાર મૂલ્ય’ મુકાતું થઈ ગયું છે…હા,ભારતીય લોકશાહીની દશા ભર કૌરવસભામાં વસ્ત્રાહરણ પામતી અને જુગટુમાં દાવપર મુકાયેલી દ્રૌપદી જેવી થઈ ગઈ છે…પણ કૃષ્ણ ક્યાંય નથી દેખાતા…જે પ્રજાને બચાવે…
ભરૂચમાં હમણાં હમણાં બે ત્રણ વિરોધોની મૌસમ આવી છે. જેમાં એક એક્સપ્રેસ વે માટેના જમીન સંપાદનના મુદ્દે કિસાનોનો વિરોધ મીડિયાના છાપે ચઢ્યો છે… જેમાં ખેડૂતો અને ભાજપ સરકારની વચ્ચે ખુદ ભાજપના જ કેટલાક નેતાઓના સમર્થનવાળા કિસાનોએ વલસાડ, નવસારીની જમીનો જેટલું જ ઊંચું-સરખું વળતર અંકલેશ્વર, આમોદ, વાગરા, જબુંસરની જમીનોનું પણ વળતર માગ્યું છે… ખુદ ભાજપની જ સરકારમાં બે ઉભા ફાડીયા થયાં છે… ઉચિત-અનુચિતની દલીલો જામી છે… શું આખા ગુજરાતની જમીનોની એક સરખી જંત્રી કે ભાવ હોઈ શકે?? અને આવો ભાવ માત્ર સંપાદનમાં જતી જમીનો માટે જ ઠરાવાય?? કાયદાકીય વિવાદ સર્જતો પ્રશ્ન સર્જાયો છે…કિસાનો ઊંચું મૂલ્ય માંગે, એ એમનો અધિકાર છે,પણ એને કાયદાકીય સમર્થન ની સાથે વ્યાજબીપણું પણ હોવું જોઈએ ને?? છેલ્લા થોડા દિવસોથી આ મુદ્દે ભારે વિવાદ સર્જ્યો છે…ભરૂચ આવેલા CM પાસે પણ આ મુદ્દે બે નેતાઓ ‘અમે કિસાનો સાથે છે ,કહી ઉઠી તો ગયા પણ કેન્દ્ર સુધી પહોંચેલી કેટલીક દલીલો, હકીકતો અને ત્યારબાદ કડક પગલાંઓ લેવાતાં એ નેતાઓ સીધાદોર થઈ ગયા છે, પરંતુ હમણાં હમણાં માનનીય સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલાએ પણ, વહેતા નીર માં ડૂબકી મારી લેવા રાજકીય સોગઠી મારતા નિવેદનો કર્યા છે… જે આ સાથે Pdf/jpg ફાઇલમાં મૂક્યા છે તો છાપાઓમાં રજૂ થયેલી બેઉ પક્ષની દલીલો મૂકી છે…આ બધામાં ઘણા મુદ્દા ધ્યાન ખેંચે છે…
આ બધામાં ઘણા મુદ્દા ધ્યાન ખેંચે છે…
- જમીન સંપાદનની કલમ 26 પ્રમાણે જ વળતર આપવામાં આવે છે, એમાં પણ જે માર્કેટ વેલ્યુ નક્કી થાય એના ચાર ઘણા ભાવે વળતર અપાય છે…
- ભરૂચમાં અમુક કેસને બાદ કરતાં મળેલી માહિતી મુજબ લગભગ 80-90% ખેડૂતોને વળતર ચૂકવાઈ ગયું છે, અને એટલુંજ કામ પણ થઈ ગયું છે,કોઈ મોટા વાંધા પણ આવ્યા નથી… કાયદેસર કબજો પણ અપાઈ ચુક્યો છે… કુલ ચૂકવવા પાત્ર 509.22 કરોડમાંથી 480.75 કરોડની રકમ ખાતેદારો ને ચૂકવાઈ ગઈ છે,પછી કેમ આવું??
- સરકારી સૂત્રો કહે છે કે કાયદામાં જેટલું જણાવેલ છે,એ મહત્તમ વળતર તો ખેડૂતોને ચૂકવાઈ ગયું છે,હાલ તો કાયદામાં ક્યાંય નથી લખાયું, એટલું વળતર મેળવવાની-માંગવાની વાત છે,એટલું વધારાનું ઊંચું વળતર મેળવવા કોર્ટમાં જવાય પણ,કામ કેવી રીતે રોકાય?? એમાં પણ નુકસાન કોનું? પ્રજાના જ ટેક્સના રૂપિયાનું ને ??? એક આશ્ચર્યજનક વાત એવી બહાર આવી છે કે સહુથી વધુ જમીનો વાગરા માંથી સંપાદિત થઈ છે, અને ખેડૂતોએ હોંશે હોંશે જે મળ્યું તે લીધું પણ છે…પણ સહુથી મોટો વાંધો, ઊંચી કિંમત, ને તોફાન તો હાંસોટના ખેડૂતોનો છે…જબુંસર અને આમોદના ખેડૂતો એ સહર્ષ કિંમતો સ્વીકારી છે..જો આ સાચું હોય તો આ રમતનો પડદા પાછળનો ખેલાડી કોણ છે ?
- લવાદ અને નામદાર કોર્ટો પર શુ કિસાનોને ભરોસો નથી?? જો વળતર મોડું મળશે તો વ્યાજ તો છેજ નિયમોઅનુસર નું…નામદાર કોર્ટ ના નિર્ણયો તો બેઉ પક્ષને માન્ય હશે જ ને??
- એક નિવૃત અધિકારી સાથે ની વાત દરમ્યાન એણે એક જ દાખલો આપ્યો,કે જે કિંમતે વલસાડમાં ભરૂચના ખેડૂત ને 2 એકર જમીન મળે, એ જ ભાવે વલસાડના ખેડૂતને વાગરા ની જમીન પોશાય?? ભરૂચમાં જ ઝાડેશ્વરની જંત્રી અને ચાવજની જંત્રીના એક સરખા ભાવ છે ખરા?? વડોદરાની જમીનોનું માર્કેટ/જંત્રી અને સુરત ની જમીનો નું માર્કેટ/જંત્રી એક હોઈ શકે ??છે ખરા??વાપી-વલસાડ-નવસારીનું જમીનોનું માર્કેટ અને ભરૂચ,હાંસોટ,વાગરા, જબુંસરનું માર્કેટ/જંત્રીનો ભાવ એક સમાન હોઈજ કેવી રીતે શકે??? ગૂગલ પર જંત્રી વિશેની સંપૂર્ણ માહિતી બે ત્રણ વાર ગહન અભ્યાસ પછી મારા મગજમાં જંત્રી વિશેની વ્યાખ્યાઓ ઘણી સ્પષ્ટ થઈ છે…
અરે,આ અધિકારીએ તો એવું પણ કહ્યું,કે શું હાંસોટનો સંદીપ નામનો ખેડૂત, જે ભાવે એની જમીન સંપાદનમાં ગઈ છે,એજ ભાવે, એની બાજુના પડતર બીજા ખેડૂત કિશોરભાઈની જમીન ખરીદશે ખરો?? હરગીઝ નહીં…!! લગ્ને લગ્ને કુંવારા જેવા નેતાઓ, જે ચાન્સ મળે એમાં કૂદી પડનારાઓ શુ સંપાદન પછી આસપાસની તમામ જમીનો નો જે ભાવ અવાસ્તવિક પણે ઊંચકાઇ જશે,દસ્તાવેજોની કિંમત વધશે ત્યારે ,આ નેતાઓ એમને જમીનોનું વેચાણ કરવામાં કોઈ મદદ કરવા આવશે ખરા??? માંગરોલાં તો કોંગ્રેસી છે એટલે ભાજપમાં વાંક શોધે એ સમજાય,પણ ખુદ ભાજપના સાંસદ…?? સમજવું કઠિન છે,અસંભવ નહીં…
કિસાનોને એક વિનંતી કરું તો ખોટી નહીં હોય,આ રાજકારણીઓ પાસે સોગંદનામું કરાવી લેજો કે ,આ નિર્ધારિત કરાવેલી સંપાદનની ઊંચી કિંમતોના કારણે, ભવિષ્યમાં સંપાદન પછી, બાકી પડતી,રહી જતી બીજી જમીનો ઊંચા દસ્તાવેજો કે ઊંચી કિંમતોના કારણે, ના વેચાય તો સંપદાનમાં અપાવેલ એનાથી 10-15% નીચા ભાવે પણ તેઓ ખુદ વેચાતી લઈ લે,અથવા બીજે ક્યાંય પણ વેચાણ કરાવી આપે,સરકારમાં સંપદાનમાં ગોઠવી આપે…છે કોઈ આવો જનપ્રતિનિધિ આ દેશ માં???
પારકા જોખમે,ખભે લઢવું સહુ કોઈને છે પણ… હાલમાં ભરૂચમાં પાલિકાના વેરા/ટેક્સ વધારા વિરુદ્ધ પણ એક આંદોલન ચાલી રહ્યું છે.બુદ્ધદેવ શોપિંગના વેપારીઓએ રસ્તા ના પેવર્સ ના કારણે ભરાનાર સંભવિત પાણીના વિરોધમાં આંદોલન કર્યું,પોતાના હક્ક અને સુવિધા માટે… બિરદાવવા પાત્ર છે..પ્રશંસનીય છે… અહીં શાશન ભાજપનું જ છે…જનજાગૃતિ,હક્ક અને ન્યાય માટેની પ્રત્યેક લઢાઈ, વિરોધ, એ તો લોકશાહીનો અવસર છે, ઘરેણું છે પણ નીતિ, શુદ્ધ નિયત અને ન્યાય માટેની એ નિર્દોષ લઢાઈ હોવી જોઈએ. અને ન્યાયાલય પર ભરોસો પણ… આપણે સહુ કળિયુગના જીવો છે… એટલે લઢાઈ વિના કશું મળવું શક્ય જ નથી… પણ એ ન્યાય-ન્યાયિક અને સત્ય આધારિત અને નિસ્વાર્થ લઢાઈ હશે તો જીત તમારી જ હશે…જય જય ગરવી ગુજરાત…
