Published By : Parul Patel
- ✍️ ઝગડીયા ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ઘર પાસેની અંકલેશ્વર જેલમાં કોની કૃપાથી??? કઇ કઇ સેવાઓ, કોની કૃપાથી જેલમાં પણ જૈમીનને મળે છે??!! ભરૂચ સબ જેલમાં ટ્રાન્સફર કેમ નહીં ??
- ✍️ ફરિયાદી રજનીકાંત વસાવાનો તપાસ અધિકારીને પત્ર:CDR કઢાવો, મિલકત-ભાગીદારોને પણ ઇન્કવાયરીમાં લો…
- ✍️ ગુન્હાખોરીમાં વપરાયેલા વાહનો કોના? માલ પરિવહનમાં ટ્રકો રાજકીય નેતાઓની??
ઝગડીયાની GIDC માં આરતી ઇન્ડસ્ટ્રીઝ પાસે થયેલા ફાયરિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મુખ્ય આરોપી જૈમીન પટેલ સાથે બીજા 21 આરોપીઓ પકડ્યા, ગુન્હામાં વપરાયેલા થોડા શસ્ત્રો પણ ઝડપાયા છે. જય ભવાની કન્સ્ટ્રકશનના નામે વ્યાપાર કરનારાઓના માથે ગાજ પડી છે. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલની પાછળ એક સામાન્ય ફ્લેટમાં રહેતા જૈમીનના 17 કરોડના ભવ્ય અને આંખો ખેંચનારા બંગલા સુધીની યાત્રા ખેડનાર જૈમીનની ગુન્હાખોરીનો ઇતિહાસ-ભૂગોળ બહુ લાંબો અને અટપટો છે…મૂળ ગાયત્રી ઇલેક્ટ્રિશિયનના નામે અંકલેશ્વરમાં કામ કરનાર આ યુવાને માટી, કોલસાના કામોની દલાલી કરીને કન્સ્ટ્રકશનના ધંધામાં મટીરીયલ સપ્લાયના બે નંબરી ધંધામાં ઝંપલાવ્યું જેમાં રાજકારણમાં સંકળાયેલા મોટા માથાઓની સીધી ઓથ મળી, પછી રાતદિવસ એની દિન દુની રાત ચોગુની પ્રગતિ થઈ, તે એટલી કે મહિને 3-4 લાખ રૂપિયા ચૂકવી ગુન્હેગરોને ધાક ધમકીઓ આપવા ભાડે રાખવા માંડ્યો જેમાં હિસ્ટ્રી સીટર્સનો પણ સમાવેશ થાય છે…વાલિયામાં એણે RACનો પ્લાન્ટ નાંખયાનું બહાર આવ્યું છે, જે ચાલુ કરાવી શક્યો નથી…

ઝગડીયા પોલીસે પણ ખુલ્લે આમ આ ગુન્હેગારને બચવ્યાના આક્ષેપો થયાં જ છે, એક ઉચ્ચ પોલીસ અધિકારી એ C ‘સમરી’ ભરી ભરીને FIRનો બારોબર હેતુપૂર્વક નિકાલ કરી દેવાયો છે, (શુ થયું સરકારી વાહન પર હુમલો કરનાર 4-6 હથિયાર ધારી ટોળકી નું) જો એની તલસ્પર્શી ગૃહ વિભાગ તપાસ (?) કરાવે તો આ અધિકારી પણ ઘરે જાય. ભરૂચમાં
કોઈ પ્રધાને, MP કે ધારાસભ્ય એ પણ ના બનાવ્યો હોય એવો 17 કરોડનો વૈભવી બંગલો જો DG કે IG સાહેબ જાતે જુવે તો ખુદ શરમાઈ જાય અને હેબતાઈ પણ જાય…એક મોટા રાજકારણીના જણાવ્યા પ્રમાણે જૈમીન તો એટલું મોટું માથું બની ગયો છે કે આ કેસમાં ED પણ ઇનવોલ્વ થાય તો નવાઈ નહીં…માત્ર અત્યાધુનિક બંગલો જ નહીં, જૈમીન પાસે મરસીડીઝ અને ઔડી કાર પણ છે…આઈટી વિભાગે પણ રસ લેવા જેવો આ આરોપી છે.
ગાંધીનગરના એક નિવૃત્ત પોલીસ અધકારીના વેધક પ્રશ્નએ મને પણ ચોંકાવી દીધો…કે આ માણસને ભરૂચની સબ્જેલમાં કેમ નથી મોકલ્યો એની તો તપાસ કરો, એ કેમ અંકલેશ્વરની નાનકડી જેલમાં છે?? પત્રકાર છો તો ઇન્વેસ્ટિગેશન તો કરો કે અંકલેશ્વરમાં રાખવામાં એને કોની કૃપા-મદદ છે અને શું શું સુવિધાઓ એને ઘરે બેઠા મળે છે?? આ વાત ખરેખર બહુ વિચાર માંગી લેનારી અને સૂચક લાગી…મીડિયાએ એની પર નજર તો નાંખવીજ રહી…એક પ્રશ્ન એવો પણ ચર્ચાઈ રહ્યો છે કે આ વિઠ્ઠલ વસાવાને કેમ નિવેદન લઈને છોડી દેવાયો?? કોણે, ક્યારે મેલડી માતાજીની મૂર્તિ મૂકી ધાર્મિક લાગણી ભડકાવાનો કારસો કેમ, ને ક્યાં રચેલો?? જૈમીનને સીધી મદદ કરનાર ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું મોટું માથું કોણ છે?? કોણ કોની સાથે કઈ હોટલમાં સેટલમેન્ટની મિટિંગો કરાવે છે?? આખું ભરૂચ જાણે છે, જો બે મુખ્ય હોટલોના CC કેમેરા ચેક કરે, રજીસ્ટર ચેક કરે તો પણ બધું બહુ ખુલે…માલ પરિવહનમાં ટ્રકો કોના દીકરા અને ક્યાં નેતાની ફરે છે, એ આખું પંથક જાણે છે…ઝગડીયામાં કઈ મોડસ ઓપરેન્ડીથી કયો GA રોકડા ચૂકવી બે નંબરનો રૂપિયો એક નંબર, વ્હાઇટમાં ફેરવે છે??
આખા કેસમાં હિંમત ભેર ફરિયાદ કરનાર રજનીકાંત રાજુભાઇ વસાવાએ ગુજરાતના CM, ગૃહ મંત્રી સંઘવી, DG સાહેબ, IG સાહેબ, કલેકટરશ્રી ભરૂચ અને SP શ્રી ભરૂચને લખેલા અને તપાસ માંગતા પત્રની કોપી મારા બ્લોગના વાચકો માટે રસ ભંગ (લાંબો બ્લોગ થવા બદલ) ક્ષમા યાચના સાથે જેલમાં જૈમીનના આત્મવિશ્વાસથી છલકતા કહેવાતા શબ્દો, ઉદગાર કે “હવે તો હું આ ઘટના બાદ GIDC નો દાઉદ બની જઈશ” ઘેર બેઠો કમાઈશ…જો સાચા હોય તો, ઘણા ખતરનાક અને પ્રજા, પોલીસ, ઉદ્યોગો માટે શરમજનક કહેવાય…શુ આ ગુન્હેગારને જામીન મળે એ માટે પણ કોઈ રાજકિય તખ્તો ગોઠવાઈ ચુક્યો છે?? એ પણ ચર્ચાનો વિષય ઇન્ડસ્ટ્રીમાં બન્યો છે…આ છે રજનીકાંત વસાવાએ લખેલો પત્ર જ્યાં મૂળ પત્રમાં એની સહી છે..🙏✍️
વિષય : FIR NO : 11199059230189 – તા.03-06-2023*
મુરબ્બી સાહેબ શ્રી,
સવિનય ઉપરોક્ત ગુનાના ફરિયાદી તરીકે અમારી નીચે મુજબ હકીકતો ધ્યાનમાં લઇ તપાસ થવા મહેરબાની કરશો
આ ગુનાના મુખ્ય આરોપી જૈમીન પટેલ રાજકીય વર્ગ ધરાવતા હોય આ કામે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે જૈમીન પટેલ સાથે ભરૂચ જિલ્લાના રાજકીય ટોચના આગેવાનો તેઓ સાથે અનૈતિક ધંધાના ભાગીદાર છે તેઓ સાથે જૈમીન પટેલ દ્વારા રાજકીય પદનો ફાયદો ઉઠાવી ઔદ્યૌગિક વસાહતોમાં ઘાતક અને રુઆબ જમાવી પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું છે જેથી આ કામના મુખ્ય આરોપી જૈમીન પટેલ અને અન્ય આરોપીઓના કોલ ડિટેઇલ્સ રિપોર્ટ (CDR)ની ચકાસણી કરી ડેટા એનાલિસિસ કરવા ગુનાના કામે જરૂરી છે આ ગુનામાં ષડયંત્ર રચનારાઓમાં ભરૂચ જિલ્લાના એક રાજકીય પક્ષના ઉચ્ચ હોદ્દેદારો તેમજ ધારાસભ્ય પણ સામેલ છે જેની તપાસ થવી જરૂરી છે સદર ગુનાના સમયે આરોપીયાના લોકેશનો મેળવી રાજકીય આગેવાનોના લોકેશન ચકાસવા પણ જરૂરી છે, જેથી આ ગુનામાં તેઓની સાથગાંઠ મુખ્ય આરોપી સાથે છે જે ફલિત થશે,
વધુમાં મુખ્ય આરોપી જૈમીન પટેલની બેનામી અને નામી મિલકતોની તપાસ થવી પણ જરૂરી છે તેઓની ભાગીદારી પેઢીમાં પણ રાજકીય આગેવાનોના સગાવાલા અને કુટુંબીજનોની ભાગીદારી છે જેની તપાસ થવી જરૂરી છે અગાઉ 2021માં ઝઘડિયા જીઆઇડીસીમાં RMC કોંસ્ટ્રીટના ધંધા સાથે સંકળાયેલા યુવાનો ઉપર હુમલો કરવાના ગુનામાં માસ્ટર માઈન્ડ જૈમીન પટેલ રાજકીય પક્ષના આગેવાનોને કારણે બચી ગયેલ છે આ સિવાય લેન્ડ ગ્રેજિંગના પણ ગુનાઓમાં પણ સંડોવાયેલ છે,પરંતુ રાજકીય વર્ગના કારણે તે કાયદાથી બચી જાય છે જેથી ઉપરોક્ત તમામ ગુનાઓની તપાસ રી-ઓપન કરી સદર ગુનામાં તેને ગુનાહિત કામે પીઠબળ આપી બચાવનાર રાજકીય આગેવાનો કોણ છે તેની તપાસ થવી જરૂરી છે આ કામે જે તે સમયના અધિકારીઓની પોલીસ ડાયરી પણ ચેક કરવી જરૂરી છે આ ગુનાનો મુખ્ય આરોપી રીઢો ગુનેગાર છે અમો ફરિયાદી આદિવાસી સમાજમાંથી આવીએ છીએ જેથી અમારી સાથે થયેલ હુમલામાં અમે બચી ગયેલ છે પરંતુ ભવિષ્યમાં પણ આ આરીપીઓ હુમલો કરી અમારા જીવના જોખમ સાથે આ વિસ્તારમાં ભય ઊભો કરાવાની અમને દહેશત છે વધુમાં અમારો કેસ ચલાવવા માટે રાજકીય પીઠબળ પર ન ધરાવતા વ્યક્તિની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરવાની વિનંતી છે.
આ ગુનાના કામના આરોપીઓ સાથે ઉચ્ચ કક્ષાના સરકારી અને રાજકીય આગેવાનો સંડોવાયેલા હોય આ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવે તો ગુનાહિત માનસિકતા ધરાવતા વ્હાઇટ કોલર ગુનેગારો સુધી પહોંચી શકાય એમ છે,
આમ, મારી સદર ગુન્હાના ફરિયાદી તરીકેની રજુઆત ધ્યાને લઇ સદર ગુન્હાની તપાસ હાથ ધરવા SITની રચના કરવા અને સદર ગુન્હાના કામે માંગ્યા મુજબની જરૂરી કાર્યવાહી હાથ ધરવા સાથે અમો ફરિયાદીને હથિયારધારી પોલીસ બંદોબસ્ત આપવા વિનંતી છે.
ફરિયાદી.
રજનીકાંત રાજુભાઇ વસાવા