Published By : Parul Patel
- ✍️ભરૂચ જિલ્લાના સંગઠનની પૂર્વ રચના પૂર્વે જ જિલ્લાના સંગઠનની નિષફળતાઓના અહેવાલોથી પ્રદેશ ચિંતિત..
- ✍️નવા સંગઠનમાં હોદ્દાઓની વહેંચણી જો મારા-તારાથી જ થઈ તો પક્ષને નુકસાન પાક્કું, દીર્ઘદ્રષ્ટિ અને સહુને સાથે લઈને ચાલનાર જી.પ્રમુખની પક્ષને તાતી જરૂર…
- ✍️જિ.પ્રમુખ પદનું પુનરાવર્તન ઇચ્છતા મારુતિસિંહના નવે ગ્રહો વક્રિ ?? કુપોષણના મુદ્દે “દિવ્ય ભાસ્કર”નો ઘટસ્ફોટ બેઉ જિલ્લાના પ્રમુખોને ભારે પડશે??
સમગ્ર દેશ આવનારી 2024ની લોકસભા જે ડિસેમ્બર પેહલા પણ યોજાઈ શકે છે, તેની ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ચારે બાજુ પક્ષમાં દરેક કક્ષાએ પરિવર્તાનોનું વાવાઝોડું આવી રહ્યું છે, કેબિનેટમાં બદલાવ,રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર, પ્રદેશ કક્ષાએ પણ સંગઠનમાં ફેરફાર રાજ્યસભાની ચૂંટણી પછી તરત જ આવી રહ્યો છે…રાજ્યસભામાં પણ મોદીસાહેબે પ્રણાલિકા મુજબ એક દમ નવા બે નામો જ ગુજરાતને જણાવી દીધા છે (જેમનો બહોળો પરિચય એમના મહાનિબંધ જેવી રાજકિય પ્રવૃતિઓ, મહત્તા-યોગ્યતાની પુરી વિગતો PDF ફાઇલમાં પરિચય માટે મુકાઈ છે, જે બતાવે છે કે નામો નિર્ધારિત જ હતા, પણ ગુપ્ત રહ્યા) જેમને રાજ્યસભામાં બિનહરીફ મોકલવાના છે. આવી જ રીતે ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખમાટે પણ કોઈ ભળતુ કે નવું જ નામ (ગણતરીના સમયમાં જ) આવે તો પણ નવાઈ નહીં,હા પાટીલ સાહેબનું પ્રધાન પદું કેન્દ્રમાં લગભગ પાક્કું જ મનાય છે, એમની અનિચ્છાએ પણ…પ્રદેશમાં CM પાટીદાર હોય, પ્રમુખ ક્ષત્રિય કે OBC માંથી આવવાની સંભવનાઓ સવિશેષ છે, પણ આતો મોદીજી-શાહ સાહેબની જોડી છે, કુછ ભી હો શકતા હૈ…કોઈને 0.001% પણ ખબર હતી કે ભુપેન્દ્રભાઈ CM બનશે?? બન્યા અને અત્યારે પણ છે જ.
પરિવર્તનના વાવાઝોડામાં ભલ ભલા મજબૂત મૂળિયાના ઝાડ પણ ઉખડી જશે…થોડા જિલ્લામાં પણ કેટલાક સંગઠન માળખાના મોભીઓ તો બદલાયા છે, પણ આંતરિક માળખું બાકી છે. ભરૂચ જિલ્લાનું ભાજપ સંગઠન બહુ વિવાદોના વમળમાં એક પછી એક ઘટનાઓમાં સપડાયું છે. કોઈને કોઈ હોદ્દેદારોના કૌભાંડો, ચારિત્ર્યભંગ, સત્તા લાલસા જેવી ઘટનાઓ એક પછી એક મીડિયામાં ચમકતી જ રહી…વિધાનસભામાં 5 બેઠકો લાવવાનો નશો કરનારાઓ પણ એવા વિવાદોમાં સપડાયા કે દિલ્હી સરકારે પણ નોંધ લેવી પડી. અંકલેશ્વરના એક્સપ્રેસ હાઇવેની સંપાદનની જમીનના ખેડૂત આંદોલને બે નેતાઓના કપડાં અને કેરિયર અત્યારે તો ખરડ્યા છે…અને એમના નામોથી ગાંધીનગરના હાકેમો પણ અકળાયા…પાટીલ સાહેબના માનીતા ગણાતા માણસોએ પણ જ્યારે હદ વટાવી ત્યારે જિલ્લા સંગઠનની કામગીરીને ગાંધીનગર, દિલ્હી અરે પાટીલ સાહેબ ખુદને પણ નીચા જોણું થયું હશે…છેલ્લી કમલમ્ની બેઠકમાં પાટીલ સાહેબે જે રિમાન્ડ સંગઠનના પ્રમુખોના લીધા, અને MP શ્રી ને પણ ટોણા માર્યા, એ જોતાં જિલ્લાની લાજ તો ત્યારે જ લૂંટાઈ…પણ થપ્પડ ખાઈને પણ મોઢું રાતું રાખવું, એ તો કોઈ આ નેતાઓ પાસે જ શીખે. વળી, હોંશિયાર રાજકારણી એક નહીં, બે ત્રણ ગોડ ફાધર્સ રાખતા હોય છે, જે સત્તા પરિવર્તનમાં પણ શિષ્યને ગમે ત્યાં ‘સેટ’ કરી લે. નવું સંગઠન આવે છે, આવે છે ના નામે અને આશરે જિલ્લાનું સંગઠનનું તંત્ર તો ખેંચાયું છે…જિલ્લામાં જુથબંધી ક્યાં નથી?? પણ વાતો સર્વ સંમતિની જ થાય ને ?? પોતાની માં ને કોણ….
ભરૂચ જિલ્લામાં પણ સંગઠનની નવરચના માથે તોળાઈ રહી છે. જ્યારે પ્રમુખપદે મારુતિસિંહ અટોદરિયા નિયુક્ત થયાં, ને મારી ઓફિસે શુભેચ્છા મુલાકાતે આવ્યા, ત્યારે જ કહ્યું હતું: તક મળી છે તો સહુને સાથે લઈને ચાલજો…પક્ષનું નામ રોશન કરજો, જિલ્લાને સમૃદ્ધ થાય એવા પ્રજાલક્ષી કામોમાં રસ લેજો, તો દિલ્હી દૂર નથી…પણ શેઠની(મિત્રની) શિખામણ ઝાંપા સુધી, બિલાડીને કદાચ ખીર પચે, પણ નેતાઓને સત્તાનો મદ-ઘમન્ડ-રૂપીઓ એટલો સરળતાથી પચતો નથી. એક પછી એક એવી ઘટનાઓએ આકાર લીધો, અને ‘બાપુ’નું નામ ખરડયું, તે એવું કે મોવડી મંડળ પણ ઇચ્છીને પણ હવે બાપુને ઝાઝી મદદ ના કરી શકે, હા એમના મજબૂત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહજી વાઘેલા એમના ‘ખાસ’માં ખરા, જે બચાવી તો લે..પણ કેટલું?? અને ક્યા સુધી?? એ હવે બહુ જલ્દી ખબર પડશે. જિલ્લામાં એમના બે પ્રકારના વિરોધીઓ છે, એક ખુલ્લા, જે અતિ મજબૂત અને મક્કમ છે, બીજા પીઠ પાછળના જે ખોતરી ખોતરીને બાપુને ખબર પડે તો પણ કશું ના કરી શકે એવી દીર્ઘકાલીન ઇજા પહોંચાડે છે. મીડિયા માટેની એમની એલર્જી ક્યાં કોઈથી છુપી રહી જ છે?? મીડિયા તો લખ્યા કરે, ઉપરવાળાને ‘સાચવી’ ને સમજાવી દેવાનાની વૃત્તિએ પ્રજા અને પક્ષમાં પણ અસંતોષ જન્માવ્યો છે. હવે આ જિ.પ્રમુખને કષ્ટભંજન હનુમાનજીનો કોઈ મોટો ચમત્કાર જ રિન્યુઅલ આપી શકે, પ્રયાસો સજ્જડ અને સંપૂર્ણ કરે છે, પણ કર્મ ફળો અવરોધે છે.
આજે જ મેં દિવ્યભાસ્કર વાંચ્યું,ભરૂચની આવૃત્તિમાં કુપોષણ ભરૂચ જિલ્લામાં એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 200નો વધારો..બહુ અભ્યાસ પૂર્વકનો લેખ છે,આંકડાઓ સાથે.કુપોષણ કાંઈ જિલ્લા પ્રમુખે નથી વધાર્યું,પણ CR PATIL સાહેબને ઉછળી ઉછળી ને કહેલું કે અમે પરિણામો આપીશું,જવાબદારી અમારી…મેં પાટીલ સાહેબ સાથેની બાપુની કલીપ પણ એટલે જ બ્લોગમાં મૂકી છે…અખબારી અહેવાલો કહે છે,આદિવાસી વિસ્તારમાં પ્રદેશ પ્રમુખે સોંપેલું સરકારી કામ, હોઈશો હોઈશો કરનારાઓએ પૂરું નથી કર્યું,બલ્કે નુકસાન પહોચાડ્યું છે.કુ પોષણ ને નાથવાનું સ્વપ્ન મોદીજી નું છે,ને પ્રેરક CR પાટીલ સાહેબ…લાખો રૂપિયાના ખર્ચ-આંધણ પછી પાર્ટીને કોઈ પોઝિટિવ પરિણામો મળ્યા નથી.શહેરની,જિલ્લા ના વિહીવટમાં પણ કોઈ મોટું યોગદાન લગભગ પુરોથવા આવેલો 3 વર્ષના સમયગાળામાં જિલ્લાના વર્તમાન પ્રમુખના ખાતે ઉજ્જવળ જમા પાસા માં બોલતો,દેખાતો નથી.
આવા વાતાવરણ વચ્ચે ભરૂચ જિલ્લાના ભાજપના નવા પ્રમુખપદના દાવેદારો કોણ કોણ એ પ્રશ્ન ભરૂચની જનતાના મનમાં ક્યારનો ઘુમરાઈ રહ્યો છે. હાલમાં તો નવા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની લોબીની પકડ મજબૂત બની હોઈ, રાજકિય પ્રભુત્વ-પકડ વધુ મજબૂત બનાવવા એમને સહયોગ કરે એવા પ્રમુખનું નામ અગ્ર હરોળમાં રહેશે. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ આવી કાંટાળી અને અપજશ અપાવનારી જવાબદારી લેવા બહુ ઇચ્છુક હોય એવું જણાતું નથી, ત્યારે ભરૂચના રાજકિય વર્તુળોમાં જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલના ગ્રહો હાલ તો તેજસ્વી દેખાય છે, સ્પર્ધામાં તો ધર્મેશ મિસ્ત્રી અને દિવ્યેશ પટેલ, શૈલાબેન પટેલ, છત્રસિંહ મોરી, ફતેસંગ ગોહિલના નામો પણ ક્યાંક ક્યારેક ચમકે તો છે…પણ દિવ્યેશ પટેલના કોઈ સજ્જડ રાજકિય ગુરુ-ગોડફાધરનો અભાવ, છત્રસિંહ મોરીનો પાછલો નકારાત્મક અનુભવ, વિધાનસભાની હાર, ધર્મેશ મિસ્ત્રી માટે સાંસદ મનસુખલાલનો વિશેષ લગાવ હોવાનું ખરું, પણ એની પહેલી નજરે જિલ્લા પંચાયતની પ્રમુખની ખુરશી પર હોવાનું મનાય છે, તો ધારાસભ્ય પદે રમેશભાઈ મિસ્ત્રી હોઈ જિલ્લા પ્રમુખ પદે પણ મિસ્ત્રીનું હોવું પક્ષ પસંદ ન પણ કરે, તો મહામંત્રી પદ પર પણ ઘણાંની નજર છે. દરમ્યાન ભાજપના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચા મુજબ જિલ્લા પ્રમુખ પદ માટે શૈલાબેન લગભગ ફાઇનલ છે. આ બધામાં અરુણસિંહ રણા ક્યાં અને કોની પર આંગળી ચીંધે, મૂકે છે એ પણ ઘણું સૂચક અને જરૂરી છે. ભરૂચ જિલ્લો એની જનતા અને સ્વંયમ પક્ષના કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષના નવા સંગઠનની રચના માં નિષ્કલંક ચારિત્ર્ય, કૌભાંડો, ભ્રષ્ટાચારના દાગ વગરની ટીમ ઈચ્છે છે. જિલ્લો ઘણો સંવેદનશીલ છે, વિકાસથી વંચિત છે, આવા સંજોગોમાં સંઘે પણ નવા પ્રમુખમાં સ્પષ્ટ પણે, ગુણ-લક્ષણો જોઈ, પારખીને વ્યક્તિની પસંદગીમાં વિશેષ રસ તો લેવોજ પડે અને તે પણ ત્યારે કે, જે પાર્ટી ભરૂચ જેવા સંવેદનશીલ જિલ્લાનું આગામી ત્રણ વર્ષ સુધી રાજકિય નેતૃત્વ કરવાની હોય, એના સાથ અને સહયોગ સાથે રાષ્ટ્ર ઘડતર-સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતર કરવાનું હોય, જિલ્લાના વિવધ રચનાત્મક કાર્યોમાં મદદ લેવાની હોય, ત્યારે એનો પ્રમુખ કેવો હોવો જોઈએ?? એ નિર્ધારણમાં સમયસર કહોકે, પૂર્વ સમયે જ સંઘે પણ સ્પષ્ટ મત આપવો જોઈએ, એનું મહત્વ સાચવવું જ જોઈએ.. નવો પ્રમુખ એવો હોવો જોઈએ, જે પાંચે ધારાસભ્યોને એક સાથે લઈ,મહિનામાં એક બે વાર ગાંધીનગરની ગાદીને એકમતથી સાથે મળી રજુઆત કરી,વિશેષ ભંડોળ, વિકાસની ક્ષિતિજો પર લઈ જાય, ભરૂચની સળગતી સમસયાઓને શોધી શોધીને દૂર કરે…સત્તા લાલસા-લક્ષ્મી લાલસા થી દુર રહી, જિલ્લાનું નેતૃત્વ-પ્રતિનિધત્વ કરે, પરિણામ આપે અને પક્ષની ઈજ્જત-મતો વધારે…સહુનું આદર સન્માન કરે…છે કોઈ આવી શક્તિશાળી-સર્વગુણ સંપન્ન વ્યકિત ભરૂચ જિલ્લામાં?? જો ના,તો ઓછોમાં ઓછું સહુને સાંભળનારો અને સાથે લઈને ચાલનારો જિલ્લા પ્રમુખ તો જોઈએ જ.. પ્રજા નવા સંગઠનના ઇન્તજારમાં છે…નેતાઓ હોદ્દાની પ્રતીક્ષામાં…🙏🏻✍️