Published By : Parul Patel
- ✍️ વિશ્વની સહુથી મોટી લોકશાહી વાળો આપણો દેશ: પણ જઈ ક્યાં રહ્યા છે આપણે ??
- ✍️શુ આપણે મણિપુર અને પુલવામાંની આતંકીત-અમાનવીય ઘટનાઓ ના આશરે વિશ્વ ગુરુ બની શકીશું??
- ✍️ અમદાવાદનો ઇસ્કોન બ્રિજનો 9 નિર્દોષજીવો હણનારો કાળમુખો અમાનવીય અકસ્માત: માણસ તરીકે આપણે ક્યાં છે??નો વલોપાત કઈ આઝાદીનું ‘અમૃત’ છે??
બ્લોગમાં આપણે આપણા ભરૂચ શહેર, જિલ્લાની અનેકોનેક સમસ્યાઓ, પ્રશ્નો અંગે ઘણી ચર્ચા કરી. સંસ્કાર ભારતી ટ્રસ્ટનો પ્રશ્ન હજુ પ્રાથમિક તબક્કામાંમાં છે, કાયદાકીય પ્રક્રિયાઓ માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કરી રહ્યો છું, લડાઈ મહિનાં-6 મહિના પણ ચાલે, ને જો કોર્ટ-કમિશન-ચેરિટી કમિશનર સુધી ચાલે તો, વર્ષ કે વર્ષો પણ નીકળે, ન્યાયની લડત હંમેશા લાંબી હોય છે…એની પાછળ જ ભરૂચની આવી જ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત પણ રાજકિય અને કાયદાકીય વર્ચસ્વ- દાવપેચમાં અટવાયેલી મનાતી ઇન્ટરનેશનલ સંસ્થા ‘રોટરી’ પણ જૂથબંદી અને રાજકીય દાવપેચનો અખાડો બન્યાની ચર્ચાઓ જાહેરમાં ચાલી રહી છે, મળી છે, જેની પર પણ પેહલા અભ્યાસ, અને પછી જરૂર પડે ‘બ્લોગ’ કરીશું…
આવા ઘણા સળગતા પ્રશ્નો છે આપણી પાસે, પણ ગઈકાલે રાત્રે યુ ટ્યુબ જોતાં, જે કાંઈ અત્યંત ધૃણાસ્પદ અને અમાનવીય સમાચારો જોવા, જાણવા મળ્યા એનાથી પત્રકાર, ભારતીય માનવી તરીકે તન-મન ધ્રુજી ગયું…એમાં વળી અમદાવાદના ઇસ્કોન બ્રિજપર બુધવારની મધરાતની એક નબીરાએ જેગુઆર લક્ઝરી ગાડી બેફામ હંકારી 9-9 નિર્દોષ જીવોને કચડી, પરિવારોને નોંધારા બનાવવાની ઘટના, ઉપરથી એના ટપોરી છાપ બાપની દાદાગીરી, અમાનવીય વર્તનના સમાચારોએ પણ એક પત્રકાર તરીકે મને વિચલિત કર્યો, ને રાત્રેજ નક્કી કર્યું કે આગામી બ્લોગ આપણા દેશ-પ્રજાની-આપણી વરવી સ્થિતિ વિષે લખવો…
2024ની લોકસભા લઢવાનું અને જીતવાનું, એ જીત માટે પણ ગમે તે ભોગે લઢવાનું સ્વપ્ન જોતાં અને બતાવતાં રાજકારણીઓને માત્ર દેશ જ નહીં, વિશ્વની નજરમાંથી ઉતારી દેનારી મણિપુરની ‘મે’ મહિનાની સતત ચાલેલી હિંસક અથડમણોમાં 3જી મેની કુકી આદિવાસી સમાજની બે મહિલાઓને મેઇતેઈ સમાજના અધમ હત્યારાઓએ ખુલ્લે આમ નગ્ન પરેડ કરાવી, મહિલાઓની જાહેરમાં બીભત્સ રીતે -ગૌરવ હણનારી કુચેસ્ટાઓનો વિડિઓ વાયરલ થતા જ આખા દેશનું 70 દિવસથી મણિપુરના હિંસાચારને મૌન રહી તમાશો જોતું મીડિયા જાણે દુઃસ્વપ્નમાંથી સફાળું જાગ્યું હોય એમ દેશ વિદેશમાં હાહાકાર મચ્યો, પાછળ ના રહી જવાય એની લ્હાયમાં ગોદી મીડિયા પણ બોલવાની આઝાદીનું આત્મજ્ઞાન લાદ્યાનો દેખાડો કરવામાં લાગ્યું હતું….ખેદ સાથે કહેવું પડે છે કે આપણું મેઇન સ્ટ્રીમ મીડિયાએ મણિપુરના મુદ્દે 70 દિવસ ચૂપ રહી, નેતાઓથી વધુ બદનામી પોતાની મીડિયા તરીકે કરાવી છે. હા, નેતાઓ તો દેશ-પ્રજા અને પ્રજાતંત્રની બદનામી અને બરબાદીની સ્પર્ધામાં જ હતા અને હજુ છે, પણ ચોથી જાગીરે એનું કર્મભૂલી, ધર્મ પણ ભુલ્યો છે…બહુ બુરીરીતે પથભ્રષ્ટ થયું છે…
નાનકડા મણિપુરના મુ.મંત્રીએ એક મહિલા પત્રકારને નફ્ફટાઈ પૂર્વક કહ્યું, “તમને એક કેસ દેખાય છે, અહીં આવી તો 100 ઘટનાઓ બની છે. હજારો ઘર ફૂંકાયા છે, બળાત્કારો થયાં છે…દુનિયા સામે મસ્તક ઝુકાવનારી, આ ઘટના અંગે ‘વિશ્વપ્રસિદ્ધ’-લોકપ્રિય અને પ્રથમ ક્રમાંકિત એવા આપણા વડાપ્રધાને પણ બોલવું પડ્યું, “મણિપુરના સેનાપતિ જીલ્લાના ગામમાં કુકી સમુદાયની બે મહિલાઓની જાહેર નગ્ન પરેડની, મહિલાઓના અપમાનજનક ઘટના, દેશની 140 કરોડ જનતા માટે શરમજનક ઘટના છે. “26 સેકન્ડનો વિડીઓ ઘણી યુટ્યુબ ચેનલોએ અને, પછી બ્લેર કરીને મેઇનસ્ટ્રીમ મીડિયાએ પણ મહિલા ગૌરવ અને માનવીય મર્યાદાઓ વચ્ચે પ્રસ્તુત કર્યો, જેને પછી પ્રતિબંધિત કરવામાં આવ્યો…આજે દેશના છાપાઓમાં લાખો કરોડો શબ્દો અને તસ્વીરો સાથે મણિપુરનો અમાનવીય હિંસાચાર, નગ્ન હત્યાકાંડ, બળાત્કારોની શ્રેણીબદ્ધ ઘટનાઓની સત્ય ઘટનાઓ વર્ણવવામાં આવી છે. શરમથી માથું ઝૂકી જાય એવું બીભત્સ રાજકારણ સામસામે હત્યાકાંડમાં રમાયું છે. એક જુઠ્ઠા વિડીઓના વાયરલ થવાથી વેલ પ્લાન કેહવાતો મણિપુરનો હિંસાચાર 60-70 દિવસ ચાલ્યો, છુટક અત્યાચાર, અકસ્માતમાં પ્રસિદ્ધિ લેવા દોડતા રાજકારણીઓએ ભેદી મૌન રાખ્યું જેમાં મોદીસહેબની વિદેશ યાત્રાઓએ બળતામાં ઘી હોમ્યુ. તો રાહુલ મણિપુર જઈ તો આવ્યા, પણ સત્ય મીડિયાથી દૂર રહ્યું. જે એક ક્લિપે બહાર પડયું. ઊંડાણથી જોઈએ સમજીએ તો મણિપુરમાં ગેંગ રેપ અને નગ્ન પરેડની અનેક ઘટનાઓ બની છે, એ બે સમુદાયો મેઈ તેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે ના “રિવેન્જ રેપ” નું પરિણામ છે. પોલિટિકલ સ્પોન્સર મનાતી આ ઘટનામાં સાચા ઉગ્રવાદીઓ કોણ?? બેઉ જૂથ ભારતીય જ છે. કુકી આદિવાસીઓ અને મેઈ તેઈ સમાજ આમને સામને આવી ગયા છે. એમાં કોઈ એક સમાજ સ્ટેટ ફેવર્ડ હોવાનું કહેવાય છે, જે કદાચ કેન્દ્રને પણ ખબર હશે. બેઉ જ્ઞાતિ-જાતિના લોકો પોલીસમાં છે, ભયાનક હત્યાકાંડમાં પોલીસ પણ નિષ્ક્રિય કહો યા પક્ષપાતી રહી છે, તો ન્યાય કોને અને કેવી રીતે મળે?? સાંભળીને હેબતાઈ જવાશે, હજુ ફરી હિંસા માથું ઊંચકી શકે છે જો મિલિટરીને હવાલે મણિપુર નહીં થાય તો. ઉગ્રવાદીઓ પાસે હજુ 3000 થી વધુ શસ્ત્રો જેવા કે 303 રાઈફલ્સ, મીડીયમગન, એકે એસોલ્ટ રાઈફલ્સ, કારબાઇન ગન્સ, ઇન્સાસ લાઈટ મશીન ગન, M-16 જેવી બંદૂકો ભારતીય શસ્ત્રાગારમાંથી જ લુંટાયેલી મનાય છે.
દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણીની સંભવનાઓ વચ્ચે, શાસક અને વિપક્ષ વચ્ચે તોડ-જોડની ભયાનક રાજનીતિ, અનિશ્ચિતતા ચર્ચાઈ રહી છે, કશમકસ છે ત્યારે એક પછી એક એવા કેસો સુપ્રીમ કોર્ટમાં પણ આવી રહ્યા છે જેણે જાણે લોકશાહીની રક્ષાની સંપૂર્ણ જવાબદારી સુપ્રીમ કોર્ટનીજ હોય એવા પ્રવાહો વહેતા કર્યા છે. બંધારણીય અને મૂળભૂત અધિકારોની સુરક્ષાના કેસો વચ્ચે કાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલ મણિપુરના હિંસાચારના મુદ્દે CJI ડી. વાય.ચન્દ્રચુડ પુનઃ હીરો ના રોલમાં પ્રજાને દેખાયા છે, તારણહાર લાગ્યા છે. CJI એ ચીફ મિનિસ્ટર (CM) અને કેન્દ્રને ભર અદાલતમાં સંભળાવી દીધું છે કે, જો તમારાથી સંભાળ ના રખાતી હોય સ્ટેટમાં કાયદો ને વ્યવસ્થાની તો કહી દો, અમે સંભાળી લઈશું ભલે એ વિષય અમારો ના હોય…SC એ મણિપુર માટે સુઓમોટો-સ્વ સજ્ઞાન લઈને રાજ્ય-કેન્દ્ર સરકારને એમનો રાજધર્મ યાદ કરાવ્યો છે.
પુલવામાં કાંડ પછી દેશને હચમચાવતો આ બીજો હત્યાકાંડ છે, આવી અમાનવીય ઘટનાઓના અંદેશા અને સંદેશાઓ સાથે ભારત વિશ્વગુરુ બની શકશે?? અખંડ ભારત બની શકશે?? આંતરિક પડકારોને પડતા મૂકી વિદેશી વ્યાપારો-પ્રવાસો અને સભાઓ દેશની શાન વધારશે?? ક્યાં સુધી? કેવી રીતે?? ઈચ્છા એ કે અનિચ્છાએ, ભારતીય જનતા પક્ષ માટે મણિપુર એ એક બહુ મોટો નકારાત્મક, અને કલંકિત કિસ્સો બની ગયો છે, પણ એ વાત રાજ્કીય છે, માનવીય રીતે તો લાગણીઓ તો એટલી ભયાનક રીતે દુભાઈ છે કે સંભાળી નહીં શકાય. સુપ્રીમ હજુ કેવા આદેશો પસાર કરે છે, શુ શુ સત્ય ખરેખર મીડિયા નિષ્પક્ષ રીતે બહાર લાવે છે, એ પણ સમય બતાવશે પણ લોકશાહી લજ્જિત તો થઈ છે, ને આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મહિલાની હાજરીમાં એક આદિવાસી સમૂહની મહિલાઓ પર કુઠારઘાત પણ ઊંચો થયો છે…યુ ટ્યુબ પરની એક મણિપુરી મહિલાની વેદના, ખાનદાની તો જુવો?? મેં મૂકી છે, સાંભળવા-સમજવા જેવું સત્ય છે…
અમદાવાદના ગોઝારા હત્યાકાંડ જેવા અકસ્માતે તો આખા સમાજને વિચારતા કરી મુક્યો છે, અને એમાં પણ ખાનદાન નબીરાઓ ને…એક વ્યક્તિ ના ગુનાએ 9..9 પરિવારોનો ખાત્મો બોલાવી દીધો છે, ને તથ્ય નો અમીર ગુન્હાહિત હિસ્ટ્રી ધરાવતો બાપ પ્રજ્ઞેશ રૂપિયાના જોરે તડપતા ઘાયલ જીવો અને મૃતકોની સામે દીકરાને છોડાવી જાય, ત્યારે આપણી સરકારને શુ કહીશું??? શુ આપણે આવી સરકાર અને લોકશાહીને માટે આઝાદી ના બલિદાનો આપ્યા છે?? મણિપુર હત્યાકાંડ એ આપણો અમૃત કાળ છે ?? માનવીય મૂલ્યો જ જો નહીં જળવાય તો એરપોર્ટસ અને ચકાચક હાઇવે શુ કામના?? ચંદ્રયાન છોડીને પગારો ના ચુકવવાના હોય તો એ યશ, પ્રતિષ્ઠા, ગૌરવ અને અભિમાન શુ કામના જે સ્વાભિમાન, જીવન મૂલ્ય અને એક સ્ત્રી સન્માન ના સાચવી શકતા હોઈએ ત્યારે???
મારા બ્લોગ રીડર્સ મિત્રોને કહીશ આજના બધા છાપાઓમાં શોધી શોધીને મણિપુર, અમદાવાદ, સુપ્રીમ કોર્ટની વેદના પણ વાંચજો…અને સભાન બની યુ ટ્યુબ પણ જોતા રહેજો, ત્યાં પણ કાંટામાંથી જ સુવાસ શોધવાની છે, પણ સત્ય ત્યાં ઘણું એવું હશે, જે ક્યારે ગોદી મીડિયામાં જોવા જાણવા નહીં મળે…🙏🙏✍️