Published By : Parul Patel
- ✍️ આજે અષાઢ સુદ પૂનમ,ગુરુ પૂર્ણિમા એટલે ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ ધરાવતો દિવસ,આજે ગુરુવંદના સાથે અનેકના જીવન સાફલ્યનો શુભારંભ થશે…
- ✍️ આજે ભારત વિકાસ પરિષદ ભૃગુભુમી શાખા દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં આદરપૂર્વક ઉજવાશે “ગુરુ વંદન:છાત્ર અભિનંદન…”
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા પછી ગુરુનું સ્થાન ગોવિંદ-ઈશ્વર કરતાં આગળ છે. કોઈ પણ વ્યક્તિનું જીવન ‘ગુરુપદ’ વિના સફળ થઇ શકતું નથી. અભણ વ્યક્તિ માટે પણ કોઈને કોઈ, આંગળી પકડીને ચાલતા શીખવાડતી માતાથી માંડી,મિત્ર સુધીના અનેક વ્યક્તિઓ ગુરુ બનતા હોય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચઢેલા આપણે, આપણી ગૌરવશાળી પ્રણાલિકાઓ ભૂલીને ઘણું બધું દુઃખ ભોગવી રહ્યા છે. આપણી સંસ્કૃતિ જ આપણું ગૌરવ છે, એ સમજવું-સમજાવવું આજના ભૌતિક યુગમાં, વહોટસપ યુનિવર્સીટીના સમયમાં શુષ્ક બન્યું છે, આજે આપણું માનવીય ‘ગુરૂપદ’ તો ગૂગલે આંચકી લીધું છે, જે ભલે શ્રેષ્ઠ, સચોટ અને ઝડપી હશે, પણ લાગણી અને માનવીય મૂલ્યોથી ઘણું છેટું છે, જ્ઞાન મળે છે, પણ આજીવન ગુરુનો જે લાગણીનો સ્પર્શ મળવો જોઈએ, એ નથી મળતો.માત્ર ઉકેલ મળે છે. અફસોસ છે કે આવનારી પેઢી, ‘ગુરુ’ પ્રભાવી નહીં રહે, પણ ‘શુક્ર’ પ્રભાવી, અધિભૌતિક-ટેકનોલોજી અને યંત્રવત જીવનજીવતા માણસોને પણ એક યંત્ર બનાવીને ‘જીવતો નિર્જીવ’ કરી દેશે…
આજે આ બ્લોગ વ્યથા, દર્દ અને કથાઓથી,પત્રકારત્વ કે પોલિટિક્સથી દૂર રહી, માત્ર માનવીય સંવેદનાઓ,સંસ્કૃતિ અને સદભાવનાઓ, સદગુણો યુક્ત રાખવાની ઈચ્છાથી લખી રહ્યો છું. હું પણ આજે ધન-વૈભવની સાથે જે પણ સંસ્કારો મને જે જે ગુરૂઓ પાસેથી મળ્યા છે, એમની સ્મૃતિમાં ગુરુ વંદના (🙏) સાથે આ બ્લોગ આજે એ ગુરુઓને સમર્પિત કરું છું. મારુ ઘડતર કરનારી બે મુખ્ય શાળાઓ BES યુનિયન સ્કૂલ અને RS દલાલ સ્કૂલના અસંખ્ય શિક્ષકોનું ઘડતર, આપેલું શૈક્ષણિક અને સાંસ્કૃતિક જ્ઞાન, કૌશલ્ય યાદ કરી એમને આજે વંદન-અર્પણ ના કરું તો ન ગુણો ગણાવ. વ્યવસાયિક યાત્રામાં પણ ઘણું બધું, ઘણા બધા ગુરુઓ પાસેથી શીખ્યો છું,પણ એને સમજવાની, સ્વીકારવાની બુદ્ધિ આપનાર પણ આ બેઝિક ગુરુઓ જ હતા, એ પણ સ્વીકારું છે.
બચપણથી જ બળવાખોર અને તડ-ફડ કરનારી મારી પ્રકૃતિ પર યુનિયન સ્કૂલ ના બે-ત્રણ ગુરુઓ સ્વ.નિરંજન મહેતા, સ્વ.સુરેશ ઠાકર સર, અને અત્યારે પણ હૂંફ આપતા નરેન્દ્ર પુરોહિત, વાસંતી દિવાનજી સહિત અનેક ગુરુઓએ ઘડયો, કન્ટ્રોલ કર્યો છે. તો દલાલમાં સ્વ. શર્માજી,ઝુંબેદા મેડમ, આર.વી.પટેલ, મિસ્ત્રી સાહેબ, ત્રિવેદી સાહેબ, ગાંધી સાહેબ પણ ઘડતરમાં ભાગ ભજવી ચુક્યા છે.પત્રકારત્વના ગુરુઓ માં વ્યોમેશ કાકા, ત્રિવેદી સાહેબ, બકુલ કાકાને ભૂલી ના શકાય, તો કોલેજમાં સ્વ.પ્રો.રમેશ ગાંધી, સ્વ.દિલીપ દેસાઈ, ફરસરામીસર અને ડી.સી.પટેલ સરને આજે પણ ભૂલી શકતો નથી…ગુરુઓ શરીરથી મટી શકે છે, પણ એમણે આપેલા સંસ્કારો, વિચારો અને આદર્શોમાં હંમેશા શિષ્યના સ્વરૂપમાં સમાજમાં ધબકતા રહે છે, અને એજ આપણી સંસ્કૃતિની સાચી શક્તિ છે, જે શાશ્વત હોય છે.
આ તો થઈ મારા ગુરુઓને વંદન અને તર્પણ-અર્પણની વાત…પણ મેં પણ એક આખી શૃંખલા પત્રકારત્વમાં સમાજને અર્પણ કરી છે. ના તેઓ મને ભૂલ્યા છે, ના હું એમને ભૂલી શકું છું. આજે એમને પણ મારા અંતરથી આશીર્વાદ આપીશ કે તેઓ પણ સાચા,સારા અને શ્રેષ્ઠ આ કાંટાળા માર્ગે ચાલી એમણે મેળવેલા જ્ઞાન નો સમાજ માટે ઉપયોગ સેવા માટે કરે. આવા શિષ્યોમાં પીનકીન શુકલા, વશિષ્ઠ શુકલા, અંકિત મોદી, યોગેશ પારિક, જીગર દવે, દિગ્વિજય પાઠક, જય વ્યાસ, ભરત ચુડાસમા સહિત અનેક નાના મોટા નામો છે…જેમના થકી ક્યારેક ઉચ્ચ ગૌરવની લાગણીઓનો અનુભવ કરું છું. મેં મારા જીવન દરમ્યાન અનેકવાર શિક્ષકની ભૂમિકા (ટ્યુશન કલાસ પણ ચલાવ્યો છે પ્રારંભમાં આજીવિકા માટે) ભજવી છે…એટલે ‘ગુરુ’ શબ્દ પ્રત્યે જ વિશેષ લગાવ રહે એ સ્વભાવિક છે.
હું થોડો ભારતીય પરંપરાઓ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ પ્રતિ સ્પષ્ટ અને જાહેર ઝોક ધરાવું છું, અને ‘સંઘ’ તથા તેના મૂલ્યોને એક શ્રેષ્ઠ સમાજ-ભારત ઘડતર માટે સર્વ રીતે સ્વીકારું છું, એટલે જ જીવનની ઢળતી સાંજે મેં ભારત વિકાસ પરિષદનું નેતૃત્વ લઈ, શક્ય સેવાઓ મારી પત્રકારત્વની મર્યાદાઓ વચ્ચે પણ કરવાની તક સ્વીકારી છે. આ સંસ્થાના ઉપક્રમે મને બહુ ગમતો, “ગુરુ વંદન છાત્ર અભિનંદન” નો કાર્યક્રમ કરવાની સાઆનંદ પ્રયાસ કર્યો છે, જેમાં આજે ભરૂચ-અંકલેશ્વરની જુદી જુદી શાળાઓમાં આજે આ કર્યક્રમ શુદ્ધ અને સાત્વિક રીતે, સાંસ્કૃતિક મર્યાદાઓ વચ્ચે, ગુરુ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે મારી ટીમ સાથે કોશિશ કરીશ. હા, હું દત્તાત્રેય ને શ્રેષ્ઠ ગુરુ પરંપરાઓના અતિ શ્રેષ્ઠ દેવ તરીકે સ્વીકારું છું, જેમને ઇશ્વરત્વ હોવા ઉપરાંત 22 વ્યક્તિ, વસ્તુ, અરે પંચ મહાભૂત તત્વ ને પણ પોતાના ગુરુ બનાવ્યા છે.વ્યક્તિ આ જીવન વિદ્યાર્થી રહે છે, હર પળે એને શીખતાં રહેવાનું જ હોય છે, આવા શિષ્ય ભાવ સાથે હું આજના દિવસે મને જાણ્યે-અજાણ્યે શીખવતા સહુ મિત્રો, વડીલો અને સહ યાત્રીઓને ગુરુ વંદના સાથે હૃદયથી વંદન કરું છું.આજે બ્લોગ લખતા કૈક નોખી જ અનુભૂતિ થઈ છે, માફ કરજો જો કોઈ સનસનાટી કે જિજ્ઞાસા, ન્યાય પ્રાપ્તિની કોઈ આશા આપની આજના બ્લોગમાં વાંચવાના મળી હોય તો…જય ગુરુદેવ…🙏🙏🙏