Published By : Parul Patel
- ✍️ દીપાવલીના નવા વર્ષના આરંભે જ બહુ સૂચક રીતે આવ્યો “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”??!!!
- ✍️ લોકતંત્રના સહુથી જવાબદાર મનાતા ચોથા સ્તંભની મજબૂતી માટે શું પત્રકારોની પરસ્પર શુભેચ્છાઓ જ પૂરતી છે??
- ✍️ સાચું, સ્પષ્ટ અને શ્રેષ્ઠ, નિષ્પક્ષ – નીડર પત્રકારત્વ જ લોકશાહીને બચાવી શકે છે…આજના સમયમાં આવું પત્રકારત્વ કેવું અને કેટલું ???
વિક્રમ સવંત 2080ના નવા વર્ષના આરંભે જ મહાયુદ્ધ પછી આઝાદી મેળવનાર, અને વિશ્વની સહુથી મોટી-વિશાળ લોકશાહીનું બિરુદ હિન્દુસ્તાન-ભારતને મળ્યું છે. આખું વિશ્વ જાણે છે, માને છે, માણે પણ છે કે લોકશાહીની સફળતાનાં ચાર સ્તંભ હોય છે….જેમાં ચોથો સ્તંભ એવુ પત્રકારત્વ જે રાષ્ટ્રનું શુદ્ધ, સ્પષ્ટ અને મજબૂત,સ્વતંત્રતા અને એટલી જ એ દેશની લોકશાહી મજબૂત, ટકાઉ અને દીર્ઘજીવી હોય છે, બને છે. પ્રજા પણ એજ દેશની સુખી, સંપન્ન અને પ્રગતિશીલ બની રહે છે.
આજનો વિષય બહુજ લાંબો અને વિચારણાઓ માંગી લેતો છે. હું પણ ભાગ્ય થકી પત્રકારત્વમાં આવ્યો છું, એ મારો વ્યવસાય પણ છે, અંતિમ ધર્મ પણ છે અને લોકશાહી પ્રતિનું મારુ શ્રેષ્ઠ કર્તવ્ય પણ…કમનસીબે જ્યારે પત્રકારત્વમાં આજીવિકાનો પ્રશ્ન આવે છે, ત્યારે એમાં પવિત્રતા, નિષ્ઠા, પ્રમાણિકતા, રાષ્ટ્રભાવના-એના પ્રતિનું સમર્પણ, વફાદારીમાં ઘટ, ઉણપ કે ક્યારેક પૂર્ણ વ્યાપારીકરણના પાપે બેવફાઈ સુદ્ધા આવી જાય છે…
દાયકાઓની આઝાદીની લઢાઈ બાદ ભારતે મેળવેલી આઝાદીનો ચોથો પાયો કોંગ્રેસના રાજમાં એકવાર ઇમર્જન્સીમાં હચમચી ગયો હતો…અસંખ્ય પત્રકારો, નેતાઓ જેલમાં ગોંધ્યા હતા સરકારે…કમનસીબે હાલના સંજોગોમાં પણ કંઈક આવા અણસારો, નિશાનીઓ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે દેશ અને દુનિયા જોઈ રહી છે…વાણી સ્વતંત્રતા, માનવીય અધિકારોની રક્ષા, નિષ્પક્ષતા અને બંધારણીય અધિકારોની સુરક્ષા ખુલ્લેઆમ ક્ષતિ પામતી જોવાઈ રહી છે. ચોથી જાગીર માત્ર આંધળા વ્યાપારિકરણમાં ડૂબી રહી છે…રાજકારણીઓ મીડિયાનાં માલિકો બની રહ્યા છે, પત્રકારત્વ ખરીદ- વેચાણ સંઘનું ક્ષેત્ર બન્યું છે…મીડિયામાં રાજકારણ અને રાજકારણમાં મીડિયા…હવે ચોથી જાગીર પણ આઝાદ અને તઠસ્થ રહી નથી…ભારતના મીડિયાની વિશ્વમાં છાપ ખરડાઈ છે..છેલ્લે થી ઉપલા ક્રમે ભારત આવે છે…પ્રિન્ટ હોય કે વિઝ્યુઅલ….વેપારીકરણ એ મીડિયાને ભ્રષ્ટ અને અવિશ્વસનીય બનાવ્યું છે…માત્ર જાહેરાતો થકી હવે મીડિયા નથી ચાલતા, કોર્પોરેટ કંપનીઓ શાખ કમાવવા, ખોટા કામોને ઢાંકવા મીડિયાની પીછોડી ઓઢાય છે, કેટલાક મીડિયા સેન્ટરો જીવવા, ઈજ્જત સાચવવા સરકારી સહયોગથી, કૃપાથી અનેક બિઝનેસ હબ: બનાવીને બેઠા છે…પછી મીડિયાની પ્રતિષ્ઠા કેવી રીતે સચવાય ??
હા, સ્થાનિક લેવલે પણ મીડિયા એની પવિત્રતા કે શક્તિ સાચવી ના શકતું હોય તો એ માટે પણ માધ્યમો દ્વારા કમાણીના તદ્દન કૃશ, શુષ્ક સ્રોતો જ જવાબદાર છે…મીડિયાનું ચારે તરફથી થયેલું વ્યાપારીકરણ અને આઝાદ રાષ્ટ્રની મીડિયા પ્રત્યેની જાગૃત ફરજોનો અંધાપો ચોથી જાગીરને બદનામ કરી રહ્યો છે…સાંસદ, ધારાસભ્ય, સેવકો છે…એમને જે ભાડા, ભથ્થા અને સુવિધાઓ મળે છે એ કેટલા ઊંચા હોય છે…અને એક પત્રકારને શું મળે છે ?? દિવાળીનું બોનસ પણ નહીં, હા બે ચાર ભેટો..કવરો અને વેપારીઓ, નેતાઓની દયા-દ્રષ્ટિ જ જીવતા પત્રકારત્વ પાસે અપેક્ષા પણ કેટલી રખાય?? સુરક્ષા માટેનું શસ્ત્ર જો પાંગળુ હોય તો સુરક્ષા મજબૂત કેવી રીતે રહે?? પત્રકારોને પગારમાં મળતું શુ હોય છે ?? હા, મોટી મોટી રાષ્ટ્રીય ચેનલોમાં લાખો રૂપિયા મળે, પણ બે ચાર પાનનું અખબાર કે જિલ્લા, રાજકિય કક્ષાના અખબારો કે ચેનલોનો પગાર જ શુ હોય છે?? નહિવત, જીવન નિર્વાહ માટે અપૂરતો..
આજનો રાષ્ટ્રીય પ્રેસ દિવસ માત્ર પરસ્પરની શુભકામનાઓ પાઠવવા પૂરતો મર્યાદિત ના બની રહેતા, લોખંડી મજબૂતી વાળું ધારદાર, તીક્ષણ પત્રકારત્વ બનવું જ જોઈએ…જેમાં જાગૃતિ ખુદમાં હોવી જોઈએ, સેવા ભાવ, સમાજ પ્રત્યેનો કર્તવ્ય ભાવ, લોકશાહી માટે સરહદના એક સૈનિક જેવી ફનાં થવાની ભાવના…આજે દેશમાં ડૂબતી લોકશાહીને બચાવવા માત્ર સાચા 5-25 પત્રકારો ‘મરજીવા’ મરણિયા બન્યા છે, ગળું હાથમાં લઈને ઉભા છે, જેમને મેઈન સ્ટ્રીમ મીડિયાએ તો ક્યારના ઘેર બેસાડી દીધા હતા, એમણે સ્વયં જોખમ ખેડી, લોકશાહીની રક્ષાનું કામ-કર્તવ્ય માથે લીધું છે…ભલું થાજો ટેકનોલોજીનું કે ‘યુટ્યુબ’ એ પત્રકારત્વની શક્તિને-ભક્તિને જીવંત રાખવાનું એક શ્રેષ્ઠ ફલક આપ્યું છે, જીવંત રાખ્યું છે…
આજે ન્યૂઝ સાંભળતા મેં યુટ્યુબ પર જાણ્યું કે, વિઝ્યુઅલ મીડિયા પર હંમેશા નંબર વન રહેતું “આજ તક” છેક ચોથા ક્રમે 60%નો લોસ લઈને પહોંચ્યું છે, પ્રથમ ક્રમે Tv18, બીજા ક્રમે Tv9, ત્રીજા ક્રમે India Tv પહોંચ્યું છે…પ્રિન્ટ મીડિયામાં પણ ઉથલ પાથલ ટોચે જ…તો ચોથી જાગીરના સનિષ્ઠ સિપાહી એવા પ્રશાંત દયાળ, દિપક શર્મા, અશોક વાનખેડે, પુણ્ય પ્રસન્ન બાજપાઈ, 4PM વાળા સંજય શર્મા, જમાવટ વાળી બહેન દેવાંશી અને યુ ટ્યુબ પર આજતક છોડીને નિર્ભય ચેનલ શરૂ કરનારી ગોપી મણીયાર સ્વતંત્ર ચેનલ સાથે જંગે ચઢેલી બે ગુજ્જુ મહિલાઓ…,ગુજ્જુ દિગ્ગજ મયુર જાની…આવી તો ભારતના સદભાગ્યે એક આખી ચોથી જાગીરની નવી શ્રેણી ઉભી થઇ ગઈ છે, જેમને રૂપિયા સિવાય પણ નીડર પણે કંઈક કર્તવ્ય બજાવ્યાનો આત્મીય સંતોષ, આનંદ જોઈએ છે…પણ ભારતમાતાને અને સ્વતંત્રતાની દેવીને પ્રાર્થના કે, આજના રાષ્ટ્રીય પ્રેસ દિવસે…પત્રકારો અને પ્રજાની વાણી સ્વતંત્રતાને અખંડ,શુદ્ધ,પવિત્ર અને રાષ્ટ્રભકત બનાવી રાખે…
ડિસેમ્બર પહેલા ભરૂચના પત્રકારો માટે પણ એક બે પ્રખર દેશભક્ત અને નિષ્ઠાવાન પત્રકારોનો મીડિયા મિત્રો માટે એક કેમ્પ કરવાની ઈચ્છા ખરી…પણ 3 ડિસેમ્બર,2023 પછી…ભરૂચમાં તો આજે નાના મોટા 200-250 પત્રકાર મિત્રો હોવાનું મનાય છે, આ બધા મિત્રોને 🙏 વંદન સાથે પ્રાર્થના, કલમ હાથમાં પકડી છે, ધર્મ અપનાવ્યો છે, તો આકરી કસોટીઓ વચ્ચે પણ એ ધર્મ ક્યારેક ક્યારેક તક મળે તો નિષ્ઠાપૂર્વક બજાવી કર્મ થકી, ધર્મ બજાવી ઈજ્જત પણ કમાઈ લેજો…સરસ્વતી અને લક્ષ્મીને કદાચ એટલું બનતું નહીં હોય, પણ સરસ્વતીની શક્તિ લક્ષ્મીજીને પણ જીતી શકે છે, અસંખ્ય ઉદાહરણો શાસ્ત્રો અને ઇતિહાસમાં લખાયેલા પડ્યા છે, આ સલાહ નથી, પ્રાર્થના છે…
આપણે ચોથો મજબૂત સ્તંભ લોકશાહીનો બની જ રહેવાનું છે…નવા વર્ષની સહુને શુભ કામનાઓ.