Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લાની 20 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતી ઝગડીયા GIDC લુખ્ખાઓ-ક્રિમિનલ્સ માટે ટંકશાળ બની ??
- ✍️ કોઈ 200-500 કરોડના માલિક ઉદ્યોગપતિ કે નેતાઓનો પણ ના હોય, એવા 17 કરોડની કિંમતના આરોપી જૈમીનના અદ્યતન બંગલાની ક્લિપે મચાવી સનસનાટી…
- ✍️ ફુલ્લિ ઓટોમેશનથી માંડી વિદેશથી આયાત થયાનું મનાતા ફર્નીચરની તપાસ ED કે IT કરશે ?? ખરેખર બંગલો કોનો??
- ✍️ પડદા પાછળના ખેલાડીઓના નામ-ફોટા બહાર આવતા સન્નાટો??!! FB પરથી પણ ફોટાઓ ગાયબ??
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર-પાનોલી પછી ત્રીજા ક્રમે આદિવાસી વિસ્તારમાં ડેવલોપ થઈ રહેલી ઝગડીયા GIDC, ભલે અંકલેશ્વર-પાનોલી કે દહેજ જેટલી પ્રસિદ્ધિ ના પણ પામી હોય, મોટી ના પણ હોય, પણ છેલ્લા ઝગડીયાના બેફામ ગોળીબાર કાંડ-ગેંગવોરના કિસ્સાને કારણે એકદમ લાઈમ લાઈટમાં ઝગડીયા GIDC આવી ચૂકી છે. બધાની નજર આવા કાંડ અને એની સાથે જોડાયેલી ક્રિમિનલ ટોળકી તરફ ખેંચાઈ છે. આ GIDC પહેલા આદિવાસી વિસ્તાર, ત્યાનું ગંદુ અને ગુન્હાખોરીના રાજકારણ, ખંડણી અને લૂંટ ફાટ, ધાડ-ગુન્હાઓના કારણે બદનામ થતી રહી છે. આ ગુન્હાઓએ હવે અન્ય મોટી નવી આવેલી કંપનીઓને પણ ભરડામાં લઈ લીધી છે. નવા નવા બાંધકામ, મટીરીયલ સપ્લાય, માટી ખોદકામ-ચોરીઓ, કપચી-રેતી, સ્ટીલ સપ્લાયમાં માર્જિન નફાનો ખોટો-મોટો ગાળો કમાવવા માટેનો એક રીતસરનો બે નંબરનો વેપલો, દાદાગીરી,ધાક ધમકીથી શરૂ થયો છે, અને એ પણ એવો કે પાટણ થી 5-7 વર્ષ પૂર્વે જ ભરૂચ આવેલો એક સીધો સાદો સામાન્ય માણસ 15-17 કરોડના અત્યાધુનિક બંગલા, મોંઘીદાટ ગાડીઓ, પોતાના બંગલાની બાજુમાં જ ભાઈનો બીજો મોટો બંગલો, અદ્યતન ફાર્મ હાઉસનો માલિક બની જાય, અને હાક અને ધાકનું ભયપ્રદ સામ્રાજ્ય ફેલાવવા 5-7 લાયસન્સ વગરની રિવોલ્વરોમાંથી 12-15 માણસો પાસે 5-25 રાઉન્ડ ગોળીબાર પણ કરાવી શકે…એવું હવે ભરૂચ, બિહારની બિહામણી સ્થિતિએ પહોંચી ગયું છે અને તે પણ ગુજ્જુઓના હાથે અને દ્વારા…
ઝગડીયા GIDCને સ્થાપના કાળથી જ “રાજકિય ટપોરીગીરી”નું ગ્રહણ લાગ્યું છે. પહેલા માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવાના નામે ભય અને આતંકના આક્ષેપો થયા, ચંદેરિયા(વાલિયા)નું નર્મદા સ્કુટરનું (GNFC જેવી માતબર કંપનીનું) કરોડો રૂપિયાનું આંખે આખું કારખાનું સડી ગયું…તાળું લાગી ગયું…જેમ તેમ કરતા ઝગડીયામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ પેપ્સી, બ્રિટાનીયા, DCM, UPL, KJL, કોહલરથી માંડી એબોર્ટ, ગુલબ્રાન્ડ, સેન્ચુરી ટેક્સટાઇલ, આરતી ઇન્ડસ્ટ્રી, અજન્ટા ફાર્મા, ઇવોનીક મલ્ટી નેશનલ, અનુપમ રસાયણ, જેવા ઉદ્યોગો મહા મહેનતે થોડું ઘણું કમાતા અને અનેક વિઘ્નો,વિટમબ્ણાઓ પછી સ્થિર થયાં…દેશની ઔદ્યોગિક પ્રગતિના સાક્ષી બન્યા.
ત્યાં તો છેલ્લી વિધાનસભા દરમ્યાન આ આદિવાસી પટ્ટી પર રાજકિય વર્ચસ્વની એક અભૂતપૂર્વ રાજકિય લડાઈ થઈ, અને રાજકિય પ્રવાહ બદલાયો…જનતા દળ અને છોટુભાઈ 20 વર્ષે પહેલીવાર હાર્યા, કુટુંબ આખું એમના ભય અને નકારાત્મક રાજકારણ-અત્યાચાર કે આતંકના નામે સદંતર સત્તા વિહોણું બન્યું…ભાજપાએ પહેલીવાર ઇતિહાસમાં આ પટ્ટી પર જીત મેળવી…આ કારણે અંધાધૂંધી ફેલાવતી છોટુભાઈની ટોળકી ઘણી ઢીલી પડી, રાજકિય ગોડફાધરો બદલાતા નવી ટીમો જોરમાં આવી, અને સત્તાના મદમાં મસ્ત ‘ટોપ ટૂ બોટમ’ નેતાઓએ રાજકિય જીત-ઇન્વેસ્ટમેન્ટના વળતર રૂપે બદલામાં બેફામ રૂપિયાની ઉઘાડી લૂંટ મટીરીયલ સપ્લાયના ધંધાના સ્વરૂપમાં કરી…એજ છોટુ ભાઈ વાળી કે એનાથી ખતરનાક રીતે…આ લૂંટ કાબુ બહાર ગઈ-બની અને ગોળીબાર કાંડ સર્જાયો જેણે ઘણાના માથા શરમથી ઝુકાવ્યા, તો અનીતિ, ગુન્હાખોરી બહાર લાવી, કચ્ચા ચિઠ્ઠાં ખુલ્યા, ખુદ CMO-PMO એ પણ ગંભીર નોંધ લીધી, IG પણ દોડ્યા, ઉદ્યોગો સાથે મિટિંગ કરી, ગોળીબાર કાંડના મુખ્ય આરોપીનો સંતાયેલો દબદબો,પૈસો પણ બહાર આવ્યો, જાહેર થયો…ચેનલ નર્મદા પાસે આવેલી આ 1.57સેકન્ડની કલીપ જૈમીનના બંગલાની છે…જેનો વૈભવ જ ઘણું બધું કહી જાય છે. આ કલીપ જ્યાં બનાવાઇ છે, એ સ્ટુડિઓનો આવી કલીપ બનાવવાનો ચાર્જ પણ લાખ રૂપીયા તો હશે જ…અમારી જાણમાં આવ્યા પ્રમાણે તપાસકર્તા એજન્સીઓએ આર્કિટેક્ટ પાસેથી પણ જરૂરી માહિતીઓ મેળવી હશે? જેમણે રૂબરૂ આ મહેલ જોયો છે એમનું કહેવું માનીએ, તો ફર્નીચર પણ દોઢ બે કરોડના ખર્ચે વિદેશથી મંગાવાયુ હોય એવું લાગે છે. મારા બ્લોગના વાંચકોને ખાસ વિનંતી બધું ધ્યાનથી જો જો…બે વાર જો જો…અને પ્રતિભાવ પણ આપજો કૉમેન્ટમાં…એક જાણકારના જણાવ્યા પ્રમાણે તો, દોઢ બે કરોડ રૂપિયા જૈમીને ઓટોમેશન પાછળ ખર્ચ્યા હશે…!!
જૈમીને બંગલો બાંધ્યો, એ કોઈ ગુન્હો નથી, પણ આવકનો સ્ત્રોત તો પ્રજા, તંત્ર અને સરકારે જાણવાનો પૂરો અધિકાર છે જ..પ્રશ્ન એ છે કે IT અને ED, આ આરોપીની તલસ્પર્શી તપાસ કરશે ખરી?? કરશે તો ક્યારે?? સત્ય પ્રજા-પ્રેસ-પોલીસને કે નેતાઓને જાણવા મળશે ખરું??? ખુદ રાજકિય ગલિયારામાં ઉઠેલા ધૂમાડાઓમાં કહેવાય છે કે જૈમીનને કોઈ પણ રીતે ગોડફાઘરોએ બચાવવો જ પડશે, મોટામાં મોટા દબાણો લવાશે, કારણકે કહેવાય છે કે આ વિસ્તારમાં વિધાનસભા જીતવા 65 ગામોના સરપંચોને ચૂંટણી વખતે સાચવવાનો કરોડોનો ખર્ચ આ છોકરાએ કર્યો હતો, એટલુંજ નહીં એક નેતાજીના ફેમિલીના લગ્નમાં પણ આ ભાઈએ બહુ મોટી “જવાબદારી” નિભાવી હતી…તો આવા રાજકિય વફાદાર સાથે રાજકારણીઓ બેવફાઈ કેવી રીતે કરી શકે ??? જો કે આ તો રાજકારણ છે, ભાઈ ભાઈનો નથી થતો…તો કાકા-ભત્રીજા વાદ કે મૈત્રી-ભાગીદારી ક્યાં સુધીને કેટલી, કેવી રીતે ચાલે છે એ ભરૂચ જિલ્લો જરૂર જોશે, સાક્ષી બનશે.
હજુ ઘણું બધું બાકી છે. છેલ્લે એક વાત જણાવી દઉં…ROC માં 123189 NO. થી એક રજીસ્ટર કંપની ઝગડીયા એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપની રજીસ્ટર છે, જેમાં 4 ડિરેકટર્સ છે. (1) શુભમ દુબે, (2) બળવંત ખુમાનસિંહ પટેલ(એક નેતાજીનો કહેવાતો ભત્રીજો) (3) જૈમીન રણછોડ ભાઈ પટેલ(આરોપી) (4) પ્રમોદ મુરલીધર પાઠક આ ચારે ડિરેક્ટર્સ તરીકે ગૂગલ પર ચેક કરતા જોવા મળશે. આ કંપનીએ કેટલાનું, ક્યારે શું ટર્ન ઓવર કર્યું એ કંપની પ્રોફાઈલમાં જોવા મળશે…🙏🏻🙏🏻
એક ક્ષમા યાચના : ઘણાને લખાણ લાબું લાગે છે બ્લોગ નું, કોશિશ જરૂર કરીશ ટૂંકું લખવાનું, પરંતુ વિષય અને માહિતી આપવામાં લાબું લખાણ ક્ષમ્ય ગણશો..🙏🏻