Published By : Parul Patel
- ✍️ એક ઇંચ જેની જમીન નથી જતી એવા બની બેઠેલા કયાં નેતાની વાદે ચઢેલા નિર્દોષ ખેડુતોને કોણ અવળા માર્ગે દોરી અહનકાર સંતોષે છે??
- ✍️ મીડિયાની મદદથી ‘હીરો’ બનવા નીકળેલા મીડિયાને જ જાહેરમાં ભાંડતા હવે વિલનના રોલમાં આવશે ??
- ✍️ સાચા-ખોટા અને ન્યાય અન્યાયની લડતો માત્ર ધરણા-ભાષણો કે સૂત્રોચ્ચારથી નથી જ જીતાતી, કોર્ટ તો પેપર્સ અને પુરાવાઓ જ માંગે.
ભરૂચ જિલ્લામાંથી ત્રણ તાલુકાઓના 5-7 ગામોની એક્સપ્રેસ વે ના સમપાદનમાં જતી જમીનોના ભાવે વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ ભાજપના એક જૂથે ‘ઈગો નો’ કહો, ન્યાયનો કહો કે જિદ્દી વલણનો પ્રશ્ન બની ખેડૂતોને મોટા વળતરની ખાત્રીઓ, લાલચ, ન્યાય કે લાભની લોલીપોપ આપીને ખેડૂતોને ગૂંચવી, દુઃખી કરનારા, ન્યાયના નામે રમત રમનારાઓ બહુ લાબું ટકવાના કે ચાલવાના નથી એ હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે, વ્યક્તિગત કે સામુહિક રીતે હું કોઈનો શત્રુ, હરીફ છું નહીં, હોઈ શકું નહીં, પણ હું મારી નાનકડી સમજણ કે આત્મા ને વેચુ તો નહીં જ…ના હું જ સાચો છું નો દાવો કરુ એવો જડ પણ નથી…પણ લાગણીઓ અને સમજને વ્યક્ત કરવાનો મારો પણ અધિકાર શાશ્વત છે એ પાક્કું…
પોઇન્ટ પર આવું તો ભરૂચના જે ગામોની જંત્રીને ધ્યાને લઇ નવા જે જે વિસ્તારોનો એવોર્ડ કલેકટરે નક્કી કર્યા છે એમાંની કેટલીક હાઈ લાઇટ્સ અને મુદ્દા જોઈ લઈએ…ઘોડાદરાની 2011 ની જંત્રી 65 થી 78 હતી, કાયદા મુજબ 10 થી 12 લાખ વળતર ગણીને કલેકટરે આરબીટ્રેસનમાં પ્રતિ ચો.મીટરે 300 રૂપિયા ગણીને600 થી 700% વધારો પ્રતિ એકરે ગણી ભાવ આપતા એકર દીઠ 76 લાખ ખેડૂતને મળવા પાત્ર થશે. પીલુદ્રામાં 2011 માં જંત્રી રેટ 30 થી 35 ના 4 લાખ થી 5 લાખ કાયદા પ્રમાણે પ્રતિએકર, જેનું આરબીટ્રેસન હુકમ પ્રમાણે 58 લાખ,જે મૂળ કિંમતથી 1000-1200% વધારે મળશે. કરમાલીમાં 300 થી 400% વધારો પ્રતિ એકર મેળશે, નાંગલમાં 400% જ્યારે અડોલમાં 10-લાખના બદલે,500-600% વધારા સાથે 61 લાખ એકર દીઠ મળશે. બોઇદ્રાનો એવોર્ડ 2011 ની જંત્રી પ્રમાણે જે 11-14 લાખ પ્રતિ એકરે થતું હતું એ આરબીટ્રેશનમાં એકર દીઠ હવે 66 લાખ રૂપિયા થશે જે મૂળ કિંમત કરતા 400-500 ઘણું વધારે હશે…આ કલેકટરશ્રી એ કરેલા હુકમના કોષ્ટકના આધારે આપેલાં આંકડા છે…જે બધા ખેડૂતો પાસે પહોંચ્યા જ હશે. ખેડૂતોને એમના કહેવાતા કે બની બેઠેલા જે હોય તે, પણ સન્માનીય મિત્રો જે સાચું ખોટું શીખવાડે, સમજાવે એ ખરું…આ તો સરકારશ્રીની સંમતિ, ગણતરી અને વાસ્તવિકતા ના આધાર ના એવોર્ડ છે…ખેડૂતો એમની સમજણ કે નેતાઓની સમજાવટ પછી શું નિર્ણય કરે છે એ એની પર એમના ભવિષ્યનો નિર્ણય છે…ઘણું બધું થઈ શકે છે…કરોડોના ફાયદાના દાખલાઓ આપનારના ખિસ્સામાંથી ફદીયું પણ જવાનું નથી, જો વાંધા સાથે રકમ સ્વીકારી, હોંકારા પડકાર, ઉગ્ર ભાષાણો અને થાળી વાટકી વગાડવાથી જો ન્યાય મળી જતો હોત તો આખા જિલ્લા માં ખેડૂતો આ જ કામમાં વ્યસ્ત હોત પણ મતોના રાજકારણ કે મોટી નેતાગીરીની લાલચમાં એકરે દોઢ બે કરોડ નો હિસાબ ગણાવનારાની એક ઇંચ પણ જમીન જો સમપાદનમાં જ ના જતી હોય તો હવે દરેક ખેડૂતે લઢતા પેહલા, એ ભાષણ વીર નેતા પાસે સ્ટેમ્પ પેપર પર લખાવી લેવું જોઈએ કે નુકસાનીની ભરપાઈ એ ભવિષ્યમાં મોટા નેતા બનવાની ચાલ ચાલનાર કરી આપશે…બાકી દિલ્હી કોને નથી ગમતું??
કયા સાંસદે પક્ષે ધરાર એની વાત ના સ્વીકારનાર પક્ષને છોડી ઘરની વાટ પકડી છે??? આવા નેતાઓની વાતો હવે પછી, પુરાવાઓ સાથે, પણ એ પેહલા મોટું માથું બનવાની લ્હાયમાં આંદોલનમાં છેલ્લા એપિસોડમાં આવેલા કિસાનોનું કોણે, કેમ, ને કેટલું અહિત કે નુકસાન કર્યું ?? એ એક બે બ્લોગમાં અચૂક જોઈશુ. એક વણમાંગી સલાહ ચોક્કસ આપીશ, કલેકટર એટલે જિલ્લાનો રાજા અને લોકશાહીનો આ રાજા જ્યારે IAS હોય ત્યારે તૉ બહુ સાચવીને જ વિરોધ કરાય, અને એમાં પણ જ્યારે કોઈ ન્યાયાધીશની ખુરશીમાં કે રોલમાં, બેઠા હોય ત્યારે તો સવિશેષ…ન્યાય માટે માત્રને માત્ર ન્યાયિક માર્ગે વિરોધ કરાય…લાગણીના ઝનૂન કે રાજકિય દોરી સંચાર કે ટકાવારીની લાલચમાં નહીં…સમજે એને સલામ, ના સમજે એની ના સમજીને સલામ…
(ક્રમશ:)