Published By : Parul Patel
- ✍️ ન્યાયલયો ન્યાયમાં લાગણીઓ નહીં, માંગણીઓની વૈધાનિક-કાયદાકિય જોગવાઈઓને જ વધુ પ્રાધાન્ય આપે છે.
- ✍️ ખેડૂત આંદોલનને જીવતું રાખવા કિસાનો કરતા હવે બીજા પક્ષોને વિશેષ રસ કેમ??
બહુ ગાજેલા ભરૂચના અંકલેશ્વર તાલુકાના બે ત્રણ ગામોની એક્સપ્રેસ હાઇવેમાં જતી ખેડૂતોની જમીનોના સન્માન જનક અને ઊંચા, સુરત-વલસાડ-નવસારી જેટલા જ ભાવે વળતર ચૂકવવાનો મુદ્દો વધુ ને વધુ જટિલ બનતો જાય છે…આખા મુદ્દે આંદોલને રાજકિય રૂપ અને પછી સરકારની કડક આંખના કારણે અબજો રૂપિયા ના રોકાણ વાળા મોદીજીના સ્વપ્ન સમાન અને વિકાસમાટે શ્વાસ રૂપ,અનિવાર્ય એવા જનહિતના પ્રશ્ન ને વધુ રૂપિયા કમાવાનો મુદ્દો બનાવી રાષ્ટ્રહિતને પાછળ મુકવાની ચાલથી ભડકેલી ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારના આ પ્રોજેકટની હાલની વાસ્તવિક સ્થિતિ શું છે એ પેહલા જોઈ લઈએ…
મારા બ્લોગ ના વાચકો માટે આ મુદ્દો ભલે ઓછા ઇંટ્રેસ્ટ વાળો હશે, પણ છે બહુ લાંબો અને સમજવા જેવો…
સહુથી પેહલા એ જોઈએ કે, હાલ વળતર અને આ કામ બાબતે વાસ્તવિક શું સ્થતિ છે ?
સંપાદિત થનારી કુલ 509 કરોડની કિંમતની જમીનો માંથી 480 કરાડની કિંમતની જમીનો ના તો રૂપિયા ચૂકવાઇ પણ ગયા છે. જમીન સંપાદન કાયદા મુજબ કાયદાની કલમ 4(d)ના જાહેરનામા બાદ પછી જે તે જમીનની માલિકી સરકારની રહે છે. ભરૂચમાં જે બે ત્રણ ગામોના કિસાનોએ આંદોલન અને અસહયોગની ચળવળ ઉપાડી છે એ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કાયદા પ્રમાણે આપવા લાયક વળતર ઉપરાંત માંગેલું ઊંચી કિંમતનું વળતરના મળતા એક વર્ષ પહેલા એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેઇન, ભાડભૂત બેરેજ વિગેરેનું કામ અટકાવી દીધેલ…
ખરેખર કાયદા પ્રમાણે આવા રાષ્ટ્રહિત,સર્વજન હિતના વિકાસના કામ અટકાવવાનો કોઈને અધિકાર નથી. સરકાર કહે છે કે, કાયદા પ્રમાણે જેમની જમીનો સમપાદનમાં ગઈ છે એવા તમામને વળતર ચૂકવાઈ ગયું છે. તેમજ કાયદા પ્રમાણે જમીનની માલિકી પણ હવે સરકારની બની ચુકી છે. એક્સપ્રેસ હાઇવેનું લગભગ 90% કામ પણ પૂરું થઇ ગયું છે. આ માટે મોટાભાગની જમીનનો કબ્જો પણ ખેડૂતોએ કોઈ પણ વિરોધ વિના આપી દીધેલ, ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર દ્વારા અપાયેલ વળતરના હુકમ સામે કલેકટર પાસે આર્બિટ્રેશનમાં કેસ દાખલ કરેલ છે. કલેકટરે દિવામાં રૂ. 852 અને પુનગામમાં રૂ. 660 નો એવૉર્ડ કરેલ. જયારે અન્ય તમામ ગામોમાં આર્બિટ્રેશન કેસ ચાલુ છે. નેશનલ હાઇવેએ કલેક્ટરે દિવા અને પુનગામમાં આવેલું વળતર ખુબ વધુ અને અયોગ્ય જણાતા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. ત્યાં અત્યારે આ મુદ્દે કેસ ચાલુ છે. કલેકટર કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જયારે પણ હુકમ કરે ત્યારે જમીનનો કબ્જો લીધા સમયથી ફાઇનલ ઑર્ડર થાય ત્યાં સુધીનું 9% વ્યાજ ખેડૂતોને મળવાની કાયદામાં જોગવાઇ પણ છે. આમ જોઈએ તો સમન્વય સમિતિની જે માંગણી છે એ કાયદેસર મળેલ વળતર કરતા વધુ વળતર મેળવવાની છે અને એ કલેકટર તથા જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ છે એનો જયારે નિર્ણય થશે ત્યારે વ્યાજ સહિત વધારાનું વળતર ખેડૂતોને મળશે જ. કલેકટર કે જિલ્લા કોર્ટનો કોઈ નિર્ણય ફાઇનલ પણ નથી થયો, અને થાય તો એ પછી ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે કોઈ પણ પક્ષ અસંતોષ કે અન્યાય જણાય તો એના ઉપર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકાય છે. અને ત્યા પણ જયારે ઑર્ડર આવશે એ સમયે પણ નક્કી થનારી, થયેલી કિંમત પર વ્યાજ સહિત વળતર મળશે…આ દરેક માટે કાનૂની પ્રાવધાન છે.
આ સ્થિતિમાં નેશનલ હાઇવે, બુલેટ ટ્રેઇન સહિતના મહત્વના રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેક્ટને ન્યાયિક કે સન્માન જનક, બીજાઓના જેટલાજ વળતરની માંગણી કે આંદોલન કરી આખા પ્રોજેકટને રોકવી રાખવાના શું કારણ હોઈ શકે? અનુચિત દબાણ?? આવો અબજો રૂપિયાનો પ્રોજેકટ આટલા સમય સુધી રોકાઈ રહે તેમાં જે નુકસાન થાય તે આપણા જેવા ટેક્સ પેયરનું જ નુકસાન છે, અને દેશના વિકાસને રોકવા સમાન છે. આપણા ખેડૂતો શુ આ નથી જાણતા?? જાણે જ છે,પણ એમને એટલો વિશ્વાસ છે કે અબજો રૂપિયાનો પ્રોજેકટ જો ખોરંભે ચઢાવીએ તો મોટું આર્થિક નુકસાન સરકારને, હાઇવે ઓથોરિટીને જવાનું જ છે..એટલે સરકાર,ઓથોરિટી ઝુકીને, દબાણમાં આવીને પણ આંદોલનથી છુટકારો મેળવી પ્રોજેકટ પૂરો કરશે…આ ને શુ પ્રજા ન્યાયિક કે સન્માન જનક ઉકેલ કહેશે??
જે પ્રોજેકટના સંપદનમાં જનારી જમીનો ના કુલ 509 કરોડના મૂલ્યમાંથી 480 કરોડ ચૂકવાઈ ગયા હોય અને બાકી માત્ર 29 કરોડ જ બાકી હોય તો વિલંબ કોણ સહન કરે અને કેમ??આંદોલને ચઢેલા અને પીઠ પાછળના ખેલાડીઓએ દબાણ અને ખેલ તો ઘણા કર્યા છે…પણ એમની કારી ફાવી નથી..ચોથા ખૂણા તરીકે કોર્ટ કચેરી કરવા નવા પ્રયાસો હાથ ધરાયા છે પણ એમાં જીતના ચાન્સ કરતા અટવાઈ જવાનો ડર ખેડૂતો ને વધારે છે,જ્યારે વહીવટી તંત્રને માટે તો જા બિલ્લી મોભા મોભ…એટલે કેરોસીનના જુના સ્ટવની સ્ટાઇલમાં પમ્પ મારી મારીને આંદોલનની આગ પ્રજ્વલિત કરનારાઓ નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે અને ત્યાં સુધી નિત નવા ખેલ અને ખેલાડીઓ માર્કેટમાં આવતા રહેશે…
(ક્રમશ:)