Published By : Parul Patel
- ✍️ સમગ્ર દેશ 77માં સ્વતંત્રતા દિન મહોત્સવમાં મગ્ન : શું લોકશાહીના ચારેવ સ્થંભ 77 વર્ષ પછી પણ મજબૂત બની રહ્યા છે??
- ✍️ લોકસભા 2024 પૂર્વે વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને પત્રકારીતા વચ્ચે જ ખૂં ખાર જંગ??
- ✍️ લોકપાલિકા,ન્યાય પાલિકા, વહીવટીતંત્ર અને પત્રકારત્વની વફાદારી- તટસ્થતાની આકરી કસોટીએ ચઢશે ભારત માતા??
- ✍️ એક તરફ ન્યાયપાલિકા પર વિધાયિકાની ચઢાઈ, તો મીડિયામાં ‘ગોદી’ મીડિયાનો જન્મ…શું યુ ટ્યુબ લોકશાહીની ઈજ્જત, મૂલ્ય સાચવી શકશે??
આઝાદીની દાયકાઓ લાંબી લઢાઈ અને વિભાજનની વિભિષિકા, ભારે હિંસાચાર પછી અખંડ ભારતમાંથી વિખુટા પડેલા પાકિસ્તાનની આઝાદીનો આગલો દિવસ એટલે 14 ઓગસ્ટ અને ભારતનો સ્વતંત્રતા દિવસ એટલે 15 ઑગસ્ટ… માત્ર ગણતરીના કલાકોમાં છુટા પડેલામાં ભારતીના આ બે બાળકોમાં એક સરમુખત્યારશાહીની બેડીઓમાં જકડાઈને આર્થિક-સામાજિક-રાજકિય રીતે અસ્થિર અને પાઇમાલ થયેલું વિશ્વને દેખાય છે. પાકિસ્તાન ભૂખમરો, અને ભિખારીની અવસ્થામાં, અરાજકતા અને અંધાધુધી વચ્ચે દિવસો વિતાવી રહ્યું છે, POK વાળુ પાકિસ્તાન, તો ભારતમાં ભેગું થવા જીદ્દ પર ચઢ્યું છે, તો 15 ઓગસ્ટની જન્મતિથી, તારીખવાળુ ભારત -હિન્દુસ્તાન એના ચરમ આનંદ અને 77માં આઝાદી પર્વનું, આઝાદ ભારતનો જન્મ દિવસ હર ઘર તિરંગા સાથે આનંદ – ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક સમગ્ર રાષ્ટ્રમાં ઉજવી રહ્યું છે, થોડો વિષાદ – વિખવાદ અને રાજકીય ઉકળાટ આપણા દેશમાં જરૂર છે, પણ એ તો લોકશાહી દેશની સ્વસ્થ, મજબૂત અને દીર્ઘકાલીન અસ્તિત્વનું ઉદઘોષક-પોષક કહેવાય…વિવાદ-વિષાદ અને ચર્ચા-સંવાદ, સ્પર્ધા તો લોકશાહીમાં જ સંભવે છે, લશ્કરી સાશન કે સરમુખત્યાર શાહીમાં એ સંભવ નથી.
ભારત તો વિશ્વની સહુથી મોટી લોકશાહી ધરાવતો, મજબૂત ચતુષ્કોણીય પાયાઓ ધરાવતો દેશ છે, જે વિવિધતામાં એકતા ધરાવે છે, બહુધર્મી, બિનસાંપ્રદાયિક કહેવાતો દેશ અસંખ્ય પડકારો વચ્ચે, આંતરિક અને બાહ્ય યુધ્ધો, આતંકવાદ-આંતરિક પડકારો વચ્ચે પણ સતત પ્રગતિ કરતો રહ્યો છે, એટલુંજ નહિ, વિદેશી સત્તાઓએ પણ ભારતની ગૌરવપૂર્વક એની શાખ અને હાકની નોંધ લેવી જ પડે છે. પડકાર જનક વૈશ્વિક વિવાદો, વિખવાદો, પડકારો વચ્ચે ભારતનું માત્ર લોકશાહી દેશ તરીકે ટકી રેહવું એક જ નહિ, પણ પ્રગતિશીલ બની જવું એ પણ એની સ્વસ્થ લોકશાહી રચના, નેતૃત્વ અને સંસ્કૃતિનું પરિણામ છે, આ ઉપરાંત બ્રિટિશસત્તા પાસેથી લીધેલી ત્રણ વત્તા એક, એમ ચાર સ્થંભની લોકશાહી વ્યવસ્થાનું એ સીધું પરિણામ પણ છે એમ કેહવું ખોટું નથી. ભારતીય લોકશાહી ઇમર્જન્સી બાદ પણ સાબૂત, મજબૂત બની રહી છે કારણકે એનું બંધારણ પણ એટલુંજ મજબૂત અને સ્પષ્ટ છે.
- વિધાયિકા (LEGISLATURE),
- કાર્યપાલિકા (EXECUTIVE),
- ન્યાયપાલિકા (JUDICIARY)
- પત્રકારીતા (JOURNALI SAM)
લોકશાહીના આમ તો પ્રથમ ત્રણ પાયા જ ગણાય છે, મુખ્ય છે. પણ ચોથો પાયાઓ ત્રણે પાયાને સાવધાન, સ્વસ્થ, સ્પષ્ટ અને સચેત રાખનારો સહુથી અનિવાર્ય અને આવશ્યક પાયો છે, જે ત્રણે સ્થંભને સડવાથી-પડવાથી, અને સુદ્રઢ-જાગૃત રહેવા સતત પ્રયત્નશીલ અને સજાગ રાખે છે. એનું કાર્ય સીધું પ્રજા સાથે રહીને, આ ત્રણે સંસ્થાનો વિશે સાચી માહિતી આપવાનું,એમના ‘મત’/અભિપ્રાયને સાચી રીતે કેળવી, લોકશાહીમાં જનતા જ જનાર્દન છે, એવુ સાબિત કરી, જરૂરી ફેરફારો માટે પ્રજાને સાવધાન કરવાનું નૈતિક કાર્ય છે, બાકી વૈધાનિક કોઈ સત્તા મીડિયા / પત્રકારત્વને હોતી નથી. છતાંએ લોકશાહી માટે એ સર્વોપરી અને અનિવાર્ય ગણાય છે.
આઝાદીની લડત દરમ્યાન પણ જન જાગૃતિનું કામ ગાંધી બાપુના ‘હરિજન બંધુ’, અને મહાન કવિ નર્મદના ‘દાંડિયા’ જેવા અનેક પ્રિન્ટ મીડિયાના છપાઓથી જ થયું હતું, અત્યારે તો મીડિયાનો એક નવો જ યુગ શરૂ થઈ ગયો છે: પ્રિન્ટ મિડિયા પછી વિઝ્યુઅલ મીડિયા: અનેક ન્યૂઝની ચેનલો આવી, એ પણ હવે જૂની બની ગઈ અને સોશિયલ મીડિયા આવ્યું…માત્ર ગણતરીની સેકન્ડોમાંજ ઘટેલી ઘટનાને હાથો હાથ દ્રશ્ય-શ્રાવ્ય અને પુરાવાઓ સહિત દર્શક સામે-પાસે મોબાઈલમાં જ બધું આપી દે છે…ઘર, ડ્રોઈંગ રૂમ કે બેડરૂમની પણ રાહ જોવાની હવે જરૂર રહેતી નથી…ન્યૂઝ ચેનલોનો લગભગ એક દોઢ દાયકો રહ્યો, જેમાં છેલ્લા 5-7 વર્ષથી આવી એક સમયની પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય, ઊંચા TRP રેટ ધરાવતી ચેનલોએ પણ વિશ્વનીયતા ખોઈ હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે…તો કેટલીક તો સ્પેશિયલ ધાર્મિક અને સરકારી ચેનલો (દૂર દર્શન,લોકસભા, રાજ્યસભાની જીવંત પ્રસારણ સિવાયની ચેનલો) પણ ચાલુ થતા લોકશાહીનો ચોથો સ્થમ્ભ પણ નબળો પડ્યાનો ઉહાપોહ મોટો થઈ રહ્યો છે. સરકારી ‘વાજા’ જેવી વાતો વહેતી કરતા એકપક્ષીય સમાચારો-પ્રચાર-પ્રસાર ના પરિણામે આવા મીડિયાને ગોદી (રાજકારણીઓના ખોળામાં-ગોદમાં બેસનાર ચેનલ, એક પક્ષીય સમાચારવાળું પત્રકારત્વ) નું નામ ચારે કોર ગાજી રહ્યું છે, બદનામ થઈ રહ્યું છે આ સ્વસ્થ અને સુદ્રઢ લોકશાહી માટેનું એક ઘાતક પરિબળ જ કહેવાય…કોઇ એક પક્ષ, વ્યક્તિ કહે એજ સાચું, એ લોકશાહી માટે નિષ્પક્ષના કેહવાય. હા,મીડિયા આને કારણે આર્થિક રીતે ઘણું બધું સદ્ધર બને છે, કરોડો કમાય છે, પણ વિશ્વનિયતા(TRP) અને નામ ગુમાવે છે.
ટેકનોલોજીના ધડાધડ બદલાતા યુગમાં હવે આવા ‘મેઇન સ્ટ્રીમ મીડિયા’ : મોટી ન્યૂઝ ચેનલોના વિકલ્પમાં/બદલામાં હવે ‘યુ ટ્યુબ’ માર્કેટમાં આવ્યું છે. જેણે વક્તવ્ય-અભિવ્યક્તિની આઝાદીને એકદમ હાથવગી તો બનાવી જ છે, બલ્કે ‘સસ્તી’ પણ બનાવી દીધી છે, બંને અર્થમાં. કોઈ મોટા ખર્ચા વિના કોઈપણ વ્યક્તિ ઝાઝી કોઈ કાયદાકીય પ્રક્રિયા વિના, પોતાની કથિત ‘ન્યૂઝ ચેનલ’ અડધી રાત્રે પણ ચાલુ કરી દઈ શકે છે, અને તે પણ વૈશ્વિક કક્ષા એ. ઉપરથી યુ ટ્યુબ આવી ચેનલના દર્શકો, લાઈક, સબસ્ક્રાઇબર્સની સંખ્યા અને એમાં આવતી જાહેરાતો દ્વારા આવા યુટ્યુબ ચેનલો ચલાવનારને રૂપિયા, અને તે પણ ડોલરમાં સીધા બેન્કમાં જ ચૂકવે, એ નફા માં.
આજના બ્લોગમાં માત્ર આવા યુટ્યુબ મીડિયાની ઝલક આપવાની જ ઈચ્છા છે, જે લોકશાહીના ચોથા સ્થમ્ભને કેટલું મજબૂત અને નિર્બળ બનાવે છે, એ NEXT બ્લોગમાં જોઈશું. પણ આપને આવા ‘યુ ટ્યુબયા’ પત્રકારત્વમાં મુખ્ય અને વિશ્વનિય એવા પાંચ સાત નામો જરૂર જણાવીશું, જે આજ કાલ ભારે હીટ થઈ રહ્યા છે, મેઇન સ્ટ્રીમમીડિયા માટે ખતરો બની રહ્યા છે. આમના કેટલાક તો આવા મુખ્ય પત્રકારત્વના પ્રવાહમાંથી સરકારની ટીકા ટિપ્પણીઓના કારણે ઘેરે બેઠેલા નામી પત્રકારો પણ છે…
અત્યારે યુ ટ્યુબ પર ચાલતું સહુથી વિશ્વસનીય અને બહોળો પ્રશંસક, જોનાર-સાંભળનાર વર્ગ ધરાવનાર પત્રકારોમાં બે ત્રણ નામ ટોપ પર છે. જેમાં મૂળ આજતકમાંથી છુટા કરાયેલા પુણ્ય પ્રસન્ન બાજપાઈ, અશોક વાનખેડે (પ્રસિદ્ધ અને નીડર,બેબાક રાજકિય વિશ્લેષક, મહારાષ્ટ્ર), સંજય શર્મા (4PM), દિપક શર્મા, NDTV માંથી જેમને કાઢવામાં આવ્યા એવા રવીશ કુમાર એ મોટા માથાં બની ગયા છે, અજિત અંજુમ, ગિરિજેશ વશિષ્ઠ, અભિષેકકુમારના નામો પણ નોંધપાત્ર છે. રુબિકા લિયાકત મદયાહને જ અંધકારમાં ઓગળેલું એક નામ કહેવાય છે. આજ કાલ નિવૃત્ત કાશ્મીરી ગવર્નર સત્યપાલ મલિક આવા યુ ટુયબીયા પત્રકારોના ખાસ પ્રિય પાત્ર બન્યા છે.
યુ ટ્યુબ પણ શું સંપૂર્ણ સત્ય પ્રચાર કરનારું માધ્યમ બન્યું છે ખરું ?? તો હું કહીશ ના, બિલકુલ નહીં. ત્યાં પણ બહુ ગંદો વેપલો, અસત્ય અને માત્ર પોલિટિકલ ‘ટુલ કીટ’ જેવું બધું બની ગયું છે. હા,ક્યારેક ભયાનક સત્યને ચોંકાવનારી રીતે પ્રજા સમક્ષ મૂકી, મેઇન સ્ટ્રીમ મીડિયાને ખોટું પાડી, એની હવા બગાડી નાખે છે, એ ખરું. વર્તમાન લોકશાહીમાં મીડિયાએ રાજકિય દબાણો, વ્યવસાયિક સોદાઓમાં મસ્ત બની, વ્યાપરિક એટીટ્યુડ બતાવી, મીડિયાનું ગૌરવભર્યું અને ચોથી જાગીરનું સન્માન ગુમાવ્યું છે, એ પાક્કું. ન્યાય પાલિકા વિશે હવે પછીના બ્લોગમાં જોઈશું…મારા વાચકો એમના પ્રતિભાવો નીડરતા, નિખાલસતા સહિત કૉમેન્ટમાં આપે એ પણ આપણી લોકશાહીની રક્ષા, સધ્ધરતા માટે જરૂરી છે. યુ ટ્યુબ માટે ગૂગલમાં જઈને અનુભવ કરી શકો છો, પણ સાવધાન રહેજો, અહીં પણ રાજકિય ઘમાસાણ અને સત્ય-અસત્ય વચ્ચેનું ખુંખાર યુદ્ધ ચાલે છે, જો સાવધ ના રહ્યા, તો ડિપ્રેસનમાં પણ આવી જઈ શકો છો🙏✍️