Published By : Parul Patel
- ✍️ દેશમાં 2024ની લોકસભા ચૂંટણી પરિવર્તનશીલ સાબિત થશે?? ભાજપે તમામ વિરોધપક્ષને એક તો કર્યા, તો દેશની ચોથી જાગીર એવા મીડિયાને વિભાજીત કર્યું??
- ✍️ લોકશાહીનો ચોથો પ્રબળ સ્થંભ, એવા મીડિયાના બે ઉભા ફાડીયા?? એક તરફ મોદી તરફી મીડિયાને ‘ગોદી’ મીડિયાનું ગંદુ બિરુદ, તો યુટ્યુબ મીડિયાને ‘ચિંદી મીડિયા’નું બેહૂદુ ઉપનામ ??!!
- ✍️દેશના વર્તમાન રાજકારણે-મીડિયાએ બધીજ મર્યાદાઓ ક્રોસ કરી?? લોકશાહી, લોફરશાહીમાં બદલાઈ જશે?? ચૂંટણી માત્ર ફારસ બની રહેશે??
આજના Blog માં દિલ્હીમાં પ્રેસ ક્લબ દ્વારા યોજાયેલા પ્રતિકાર રેલીમાં પણ વિભાજન સ્પષ્ટ નજરે પડ્યું, વાચક મિત્રો માટે એક મિનિટ કલીપ માત્ર સમાચાર પૂરતી લીધી છે…
આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો 1947માં થયો, પણ એની આઝાદી પછી ક્રમશ: જે બરબાદી જનતાની થઈ રહી છે, એ લોકશાહીમાં ચૂંટાઈને આવતા તમામ પક્ષના તદ્દન બિનજવાબદાર નેતાઓ, લૂંટફાટિયા, ભ્રષ્ટ, ચારિત્ર્યહીન, ક્રિમિનલ્સ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પછી એ સ્થાનિક લોકશાહીની સંસ્થાઓ ચૂંટાયેલા હોય, ધારાસભાઓ, વિધાન પરિષદો અને લોકસભા હોય કે રાજ્યસભાનો પ્રતિનિધિ હોય…કે સ્વંયમ કોઈ પણ પાર્ટીઓના નિયુક્ત પદાધિકારીઓ હોય…સાચી અને અણમોલ આઝાદીનું, ના આ 80% નેતાઓને મૂલ્ય છે, ના ઈજ્જત, ના ચિંતા…લાખો નિર્દોષ, દેશપ્રેમી, જાંબાઝ લોકોનું બલિદાન લેનારી આઝાદી રકત રંજીત તો થઈ જ હતી પણ વર્તમાન નિર્લજ્જ, માત્ર અને માત્ર સત્તાપ્રિય અને નિતીહીન, મૂલ્યહીન રાજનીતિ કરનારાઓએ આઝાદીને શર્મશાર કરી દીધી છે. અથવા કહો અર્થહીનતા તરફ લઈ જઈ રહ્યા છે…
મારા બ્લોગ રીડર્સ માટે લાંબા સમયથી હું વિચારતો હતો કે એક સ્પષ્ટ, નીડરતા પૂર્વક જેટલી ભરૂચ શહેરની સ્થિતિ, સુવિધા, માટે બોલનારો લખનારો હું, સ્થાનિક અસ્પષ્ટ, સ્વાર્થી, જુઠવાદી-જૂથવાદી રાજનીતિ અંગે તો લખતો જ રહયો છું, એવી જ રીતે 5-25% દેશની રાજનીતિ, વર્તમાન સ્થિતિ અંગે પણ મારા મિત્રો માટે લખું, પણ પહેલો સગો પાડોશી, તો વિષેસતઃ ભરૂચ પુરતુજ મર્યાદિત રહેવાની કોશિશ કરી, હા પ્રજાની નિષ્ક્રિયતા, બહુ અલ્પ પ્રતિભાવ અને ઝાંખું પ્રતિબિંબ મળતા થોડો નિરાશ અને નિષ્ક્રિય પણ બન્યો, પણ આજ પ્રજાએ એનો ‘પાવર’ કથિત માનવસર્જિત “રેવા રેલ” માં મીડિયાની જાગૃતિ પર જે પ્રતિભાવ, આક્રોશ રૂપે, પ્રજાનો જોવા મળ્યો તો થોડું પુનઃ લેખનની ઈચ્છા પ્રબળ બની. પ્રજાના પ્રતિભાવ,જાગૃતિ, સક્રિયતા વિના મીડિયાના ગમે તેવા શબ્દો, સમાચારો, વિઝ્યુઅલ્સ…અર્થ હીન બની જાય છે. બધા મીડિયા કે મીડિયામેન એક સમાન નથી હોતા, રહી શકતા, જુદી જુદી સ્થિતિમાં, હેતુઓ સાથે, કે સમયને આધીન પત્રકાર બનવાનું નસીબમાં લખાતું હોય છે. હું મારા સદનસીબે સફળ બિઝનેસમેન ઉપરાંત સ્વતંત્ર વિચારસરણીના પત્રકારત્વનું કર્તવ્ય નિભાવી શકું છું, કારણકે આર્થિક સધ્ધરતાના પુણ્ય પ્રતાપે જ મારા માટે આ શક્ય બન્યું છે. પણ બધા આટલા નસીબદાર નથી હોતા. પણ જે એક વિશિષ્ટ આત્મશક્તિ સાથે જ ચોથી જાગીરના વ્યવસાયમાં રાષ્ટ્રભક્તિ, દેશદાઝ, લોકશાહીની રક્ષા, આઝાદી-બંધારણીય અધિકારોની સુરક્ષાની પ્રતિજ્ઞા સાથે પત્રકારત્વમાં આવતા હોય છે…એમણે એમના એ ધર્મપાલન માટે ભારે સંઘર્ષ કરવો પડે છે…
આઝાદીની લડતમાં પણ પત્રકારત્વ મુખ્ય સહાયક પરિબળ હતું, જનજાગૃતિનું મશાલ જેવું કાર્ય કરનારું હતું. આજે પણ એ એટલુંજ અગત્યનું લોકશાહીનું ચોથું અંગ તો છે જ. ઈન્દિરાજીની ઇમરજન્સીમાં પત્રકારો અને પત્રકારત્વ જેલોમાં સડયું, માત્ર જી હજુરીયા, ચાટુકારો જ ચાલ્યા, કમાયા,પણ એનું ફળ સત્તા ખોઈને સ્વ.ઈન્દિરાજીએ ચૂકવવું પડ્યું…ભૂલો કરે એ ભોગવે જ છે, જ્યાં સુધી બંધારણીય જોગવાઈઓ પ્રમાણે સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર અને સર્વોચ્ચ છે, ત્યાં સુધી લોકશાહી સલામત છે. પણ ત્યાં સુધીની લડત માટે પ્રજાએ જવું પડે, અને પત્રકારત્વએ એમનો તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયસંગત ધર્મ અડીખમ બજાવવો પડે…
વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014 થી કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીથી સત્તા પર આવી છે. દેશને એક પ્રબળ પરિશ્રમી, શક્તિશાળી, વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વડાપ્રધાનના સ્વરૂપમાં ગુજરાતી નેતા નરેન્દ્ર મોદી મળ્યા…દેશે ઘણું બધું મેળવ્યું, નામ-ઠામ-સ્વમાન- વિકાસ-પ્રગતિ..પણ સત્તા જ્યાં સુધી સામુહિક સ્થિતિમાં સમાન રીતે વહેંચાઈને રહે, તો જ લોકશાહીમાં ટકી સત્તાધારીથી રેહવાય, કારણકે એ રાજા શાહી, શામત શાહીથી તદ્દન વિપરીત છે, એક હથ્થું સત્તાને, વ્યક્તિવાદને લોકશાહીમાં ઝાઝી સ્વીકૃતિ લાંબો સમય મળતી નથી, ટકતી નથી…જે ભૂલ ઈન્દિરાજીના સમયમાં સંજય ગાંધી એન્ડ પાર્ટીએ કરી, એ જ ભૂલ કદાચ ભાજપ કરી રહ્યું છે. માત્ર ને માત્ર મોદીજી ને ચહેરો-મ્હોરો બનાવી ભાજપને રાષ્ટ્રવાદી, હિન્દુત્વવાદી ઓળખ કે હિન્દુસ્તાન બનાવવાની ઉતાવળમાં આજે આખું રાષ્ટ્રનું રાજકિય ચિત્ર અસ્પષ્ટ અને અસંતુલિત-વિવાદિત બની ગયું છે…
લોકશાહીમાં “વિરોધ” અને “વિરોધ પક્ષ” અનિવાર્ય બને છે, જેથી સત્તા નિરંકુશ બની પાકિસ્તાનની જેમ ‘લશ્કરી રાજ’ ના બની જાય, પાકિસ્તાન દેશ આઝાદ તો થયો, પણ પોતાનાજ દેશની લશ્કરી જંજીરોમાં જકડાયેલો છે, સ્વતંત્રતા નામની જ છે. ચારેકોર સરમુખત્યારશાહી છે.
ભારતમાં ચૂંટણીઓની ભરપૂર મોસમ આવી રહી છે, મહત્વના પાંચ રાજ્યો અને પાછળ જ લોકસભાની બહુજ નિર્ણાયક ચૂંટણી આવી રહી છે. મોદી સાહેબ અને ભાજપના કે પ્રજાના કમનસીબે કહો…એમના શાસનના 9 વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવાનો પ્રજાએ આવ્યો છે. એક તરફ વૈશ્વિક પડકારો સાથે પગ મેળવવાની તીવ્રગતિ, તો બીજી બાજુ આંતરિક અનેક રાજકિય પડકારો…ભૂલો કોણ નથી કરતું ?? અને એમાં પણ જ્યારે એક ચહેરો એજ રાષ્ટ્રીય ઓળખ હોય ત્યારે સમસ્યાઓ અનંત બનતી હોય છે. દેશ આજે બહુ મોટા પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે લોકશાહી માટે ખુદ પ્રજામાં એક ગર્ભિત ચિંતા સર્જાય એવી ઘટનાઓ એક પછી એક આકાર લઈ રહી છે, તે પણ કથિત વૈશ્વિક ષડયંત્રો વચ્ચે..વિશ્વની મહાસત્તા બનવાનું જો ભારત સ્વપ્ન જોતું હોય, તો વિશ્વનું નિશાન પણ બનવાની સંભાવનાઓ રહે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં પ્રજા એજ વધુ ચિંતનશીલ,જાગૃત, સત્ય દ્રસ્ટા બનવું પડશે. સ્વયં શ્રેષ્ઠ જજ બનવું પડશે. છેલ્લા બે ત્રણ દિવસો સામાન્ય નાગરિક પ્રજાને મુઝવી દે એવી ઘટનાઓ, સમાચારો થી હર્યા ભર્યા રહ્યા છે. પ્રજાને નિષ્પક્ષ રીતે, જવાબદારીપૂર્વક માત્રને માત્ર સત્ય અને તે પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો એવા નેશનલ ટી.વી. જેને મેઈન સ્ટ્રીમ મીડિયા અને દૈનિક અખબારોમાં કેટલાક સમાચારો પર હેતુ કે બિનહેતુ પૂર્વક અંધકાર પ્રજા જોઈ-અનુભવી રહી છે. મીડિયા જ્યારે સરકારી વાજું અથવા જાહેરાતો માટે વ્યાપારિક-માત્ર વ્યવસાઈ બની જાય છે ત્યારે તેની ગરિમા, વિશ્વસનીયતા અને બહુમૂલ્યતા, જવાબદારી કલંકિત બની જાય છે.
ચૂંટણીના ચક્રવ્યૂહમાં ફસાયેલા નેતાઓએ સત્તા પ્રાપ્તિ માટે મજબૂત અને આકરા મોદી સાહેબ-ભાજપ સામે સહુએ સાથે મળી, એક સામે એકની ફોર્મ્યુલાથી મત વિભાજન રોકી INDIA નામનું સંગઠન બનાવ્યું, ત્યારથી આખો દેશ રાજકિય વિવાદોના વંટોળે ચઢ્યો છે. દેશમાં પ્રથમવાર સરકારી સંસ્થાઓ ED, CBI નો ભરપેટ ઉપયોગ થઈ રહ્યો છે, યોગ્યતા તો સમયનો પ્રશ્ન છે, પણ ઉહાપોહ સુપ્રીમ કોર્ટ ને પણ ચેન લેવા દેતો નથી મહત્તમ રાજકિય કૌભાંડોમાં સાચા-ખોટા ઉછડેલા નામો એક પછી એક જેલમાં જઈ રહ્યા છે. છેલ્લે નેતાઓ જેવો ને જેટલો જ વારો યુટ્યુબ મીડિયામાં સંપૂર્ણ સ્વતંત્રતાથી સરકારની કોઈ દાદ દાખલ, ચિંતા વિના ચાલતી યુટ્યુબ ચેનલો, એ પૂર્વે BBC જેવી ઇન્ટર નેશનલ મીડિયા, ના પત્રકારો પર મોદી સરકારની ગાજ ગિરી છે. સ્વતંત્રતા સહુનો બંધારણીય અધિકાર છે જ, પણ બેફામ-બિનજવાબદાર કે રાષ્ટ્રહિતની વિરુદ્ધના કૃત્યને ફેલાવનારને બક્ષી ના શકાય. રાષ્ટ્ર કક્ષાએ પત્રકારોને ઉતાવળે કે પૂરતા પુરાવાઓ વિના બેફામ ધરપકડોએ રાજકિય વિવાદ પછી એવો જ વિવાદ મીડિયામાં પણ જન્માવ્યો છે. વર્તમાન સર્વે રાજકિય પક્ષ, નેતાઓ માન મર્યાદા જાહેરમાં ચુકી રહ્યા છે, મોટાભાગનું મીડિયા પક્ષપાતી બન્યું છે ત્યારે દેશમાં એક દુઘટના પહેલીવાર જોવા, મહેસુસ કરવા મળી અને એ છે મીડિયામાં બે ઉભા ફાંટા.પહેલા પ્રિન્ટ મીડિયા અને વિઝ્યુઅલ મીડિયાના જન્માક્ષરો નહતા મળતા, હવે તો વિઝ્યુઅલ મીડિયામાં પણ બે ભાગો પડ્યા છે. મોદીજી-સરકાર તરફી મીડિયાને ટીકાત્મક રીતે ગોદી મીડિયા, જે સરકારના ખોળાનું બાળક કહેવાય છે…તો સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના પરિણામે માર્કેટમાં આવેલું યુટ્યુબ મીડિયાને અંધભક્તો, સરકાર તરફી અને ખાસ કરી ચોંકી ગયેલા ચરણ ચાટુકારોની શ્રેણીમાં આવતા પત્રકારોનું ગ્રુપ યુટ્યુબ ચેનલો-મીડિયાને “ચીંદી ચોર” મીડિયા નામ આપી અવગણે છે. યુટ્યુબ મીડિયા સરકારી નિયંત્રણોથી લગભગ દૂર હોઈ અને બિન્દાસ્ત સમાચારો, ઘટનાઓ દર્શકો સમક્ષ પીરસતું રહે છે. પત્રકરોની ધરપકડોનો દૌર ગુજરાત-મહારાષ્ટ્ર સુધી આવશે જ…પ્રશ્ન એ છે કે ગુન્હેગારને પકડો, જેલ કરો, આ દેશમાં કરોડો ગુન્હેગારો બિન્દાસ્ત ખુલ્લે આમ જલસા કરતા હોય, ત્યારે ચૂંટણી ટાંકણે આવી ધરપકડો બુમરૅગ પણ થતી હોય છે. પ્રજા ઈચ્છે જ છે, ઈચ્છીતી જ હશે કે કમળને, ભાજપને ત્રીજી ટર્મ મળે પણ કોઈ પણ વાતની અતિશયોક્તિ, અહનકાર કે જીદ…હારે છે, ડૂબાડે એ સનાતન સત્યથી ઘણા ભાજપ તરફીઓના કપાળે પણ કરચલીઓ પડવા લાગી છે, કે ભાજપને થઈ શુ ગયું છે??? મારા મિત્રોને વચ્ચે વચ્ચે દેશની વર્તમાન રાજકિય પરિસ્થિતિની નાનકડી ઝલકો આપતો રહીશ, પણ એક વણમાંગી સલાહ, સૂચન પણ કરીશ કે માત્ર ટીવી ચેનલો જ નહીં, યુટ્યુબ મીડિયા પણ જોતા રહેજો પણ બહુજ સાવધાની, ખુલ્લા દિમાગ અને સાચું સમજવાની, જાણવાની તમન્નાથી, બાકી સત્ય તો તારવવું એ આજના મીડિયામાં, રાજકારણમાં રેતીમાંથી રાઈનો દાણો શોધવા જેવું છે..🙏🙏 મળતા રહીશું..✍️✍️