Published By : Parul Patel
- ✍️ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓના પદાધિકારીઓ ની નિમણુંકો ની સેન્સ પ્રક્રિયાઓ પુરી,હવે નિમણુંકો હાથ વેંત માં…
- ✍️ સેન્સ લેવાની પ્રક્રિયા સેન્સેબલ હોય છે,પછી નિમણુંકો સેન્સલેસ ના જ થવી જોઈએ,પ્રજા ની સેન્સનું કોઈ મૂલ્ય ખરું??
- ✍️ ભાજપ આ વખતે સાવધ તો થયું છે,પણ સંગઠનમાં તારું-મારુ,સગાવાદ,જ્ઞાતિ-જાતિવાદ તો ભાગ ભજવે જ છે.
સમગ્ર દેશ 2024 ની જનતા લોકસભાની ચૂંટણીઓના મુદ્દે ચકરાવે ચઢી છે, પ્રજાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અને સળગતી સમસ્યાઓ, પછી એ મણિપુરનો યાતના દાયક હિંસાચારનો મુદ્દો હોય, કે નૂહની હિંસા, બધું જ પલભરમાં ભૂલાવી દે એવા “માર્કેટિંગમાં માસ્ટરી” ધરાવતા બધાજ રાજકારણીઓ પ્રજાની ટૂંકી યાદશક્તિનો ગેરલાભ લઈ રહ્યાનું પ્રજા દયામણી નજરે જોઈ રહી છે. દેશની વાતો પછી, હમણાં તો આપણા ભરૂચની-ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની પદાધિકારીઓની નિમણુંકની જ વાત કરીશું…
આખા ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની પ્રજા સાથે રોજ બ રોજના સુખ સુવિધાઓના પાયાની જરૂરિયાતો, પ્રશ્નો, સુવિધાઓ સાથે સીધી જોડાયેલી સંસ્થાઓના હાકેમો, મેયર-ડેપ્યુટી મેયર, પ્રમુખ-ઉપપ્રમુખો, સમિતિઓના ચેરમેન્સ જેવા હોદ્દાઓના પદાધિકારીઓની પસંદગી ગુજરાતમાં 25 વર્ષથી ગાંધીનગરમાં શાસન ચલાવતા ભાજપ, જે હવે ગુજરાતમાં 94% જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર પ્રભુત્વ ધરાવે છે, એના કબ્જા હેઠળ છે, એમની પદ પસંદગી, નિમણુંકો માટેનો સંગઠન દ્વારા ‘ખેલ’ જેને સેન્સ નામે ખેલાય છે, એ તો ખેલાઇ ચુક્યો છે, પાર્લામેન્ટરી બોર્ડ પણ મળી ચૂક્યું છે. હા,આંતરિક અસંતોષ અને ભાજપની વર્તમાન સમયમાં, કોંગ્રેસનું વધતું જોર, સ્થિતિના કારણે મોદીજી, અમિત શાહ બહુ જ સાવધાની અને જાગૃત રહીને ગુજરાતને બદનામી, બરબાદીથી બચાવવાના છેક દિલ્હીથી પ્રયત્નો કરે છે. અને પ્રદેશ પ્રમુખને પણ ‘એલર્ટ’ કર્યા છે. પણ ભાજપના મૂળિયા સુધી ઘુસેલો સડો મારા-તારાની નીતિ, ભ્રષ્ટાચારમાં ભાગીદારીના દુષણોથી કેટલી મુક્ત રહેશે, એ તો આવનાર 2-4 દિવસોમાં જ નવા પદાધિકારીઓના નામો જાહેર થતાંજ ખબર પડી જશે…
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ જાય છે, જાય છે ની હવા વચ્ચે પણ ‘સ્ટેબલ’ રહેતાં, હવે સ્થાનિક સ્વરાજ્યનાં પદાધિકારીઓની નિમણુંકો પણ એમની હાજરીમાં જ પુરી થશે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખપદ માટેની કટ્ટર હરીફાઈમાં દરબાર લોબી મજબૂત બની છે, તો ભરૂચ નગરપાલિકામાં પણ દરબાર લોબીનો એક્કો પડે અને ડી.જે.વાગે તો કોઈએ નવાઈ પામવી નહીં…પાંચેવ ધારાસભ્યો પોતાના જ માણસોને ગોઠવે તો એ બહુ સ્વાભાવિક રહેશે, ગણાશે…ભરૂચ નગરપાલિકાનું પ્રમુખપદ વર્ષોથી “કોન બનેગા કરોડ પતિ” જેવું છે, પણ બેઠક સામાન્ય મહિલા માટે રિઝર્વ છે…એટલે ‘બેક શીટ ડ્રાયવિંગ’ ઘણા મોટા માથાઓ માટે સરળ બનશે, એવું દેખાય છે, પાલિકામાં પણ એક ‘ટીમ’ તો બની જ ચુકી છે, જે પોતાનું ધાર્યું જ કરાવવા રાત દિવસ એક કરે છે, અને એમનું ધાર્યું કરાવે પણ છે, પોતાને સુધાજ “MLA ના માણસ” ગણાવનારાઓ કેટલા ઉજળા રહેશે એ સમય જ કહેશે…ઘણા મિત્રએ પૂછ્યું કે આ વખતે શુ લાગે છે?? તો બહુ સ્પષ્ટ છે કે વીતેલા 5 થી 25 વર્ષમાં પ્રજાના કામો કરીને નામ કામાનારો કયો નેતા ભાજપે જનસેવા માટે કયાં પદ પર મુક્યો છે?? પદ મળતાજ વ્યાપાર શરૂ…સત્ય બોલીએ, તો શત્રુ ગણાઈએ…અને ખાટલે મોટી ખોડ એ છે કે પ્રજા જ નિશ્ચેતન-આળસુ-નિષ્ક્રિય કહો કે ઉદાસીન બની રહેવા ઈચ્છતી હોય, તો એકલું મીડિયા શુ કરે?? ભરૂચના રાજકારણીઓ પણ નસીબદાર તો છે જ…જેમણે મોદી સાહેબ, અમિતભાઇ શાહ અને હિન્દુત્વના નામે કમળ જ ખીલવવાનું ફરજીયાત હોય…તો પ્રજાની સાડા બારી કોણ રાખે?? ચૂંટાયા એટલે પાંચ વર્ષના રાજા, પદ મળ્યું એટલે અઢી વર્ષનું અભયવચન…જે, જેટલું પોતાનું થાય એટલું કરો..WHO CARES??
ટિકિટ મેળવો, હોદ્દો મેળવો પછી માલિક બની જવાના ભાજપની નીતિ એ પક્ષની જ ઘોર ખોદી છે, એ સાચો ભાજપીઓ હૃદયથી તો સ્વીકારે જ છે…એટલે મેં એક કૉમેન્ટ માં લખ્યું હતું, ભાજપને માત્ર ભાજપ જ બચાવી શકે…પક્ષના પાંચ જણા-પંચ કહે એ જ પરમેશ્વર…પદાધિકારીઓ, ચેરમેનોની નિમણુંક એટલે પોતાના માણસને ‘સેટ’ કરવાનો અવસર…બાકી સેન્સ લેવાની સેન્સેબલ પ્રક્રિયા જે મજાકમાં હવે “નોનસેન્સ” પ્રોસેસ કહેવાય છે, એ આજકાલના રાજકારણમાં દેખાડા જેવી બની ચુકી છે…પ્રજાની ચિંતા માત્ર મીડિયાની જવાબદારી બની ગઈ છે, પણ રાજકારણીઓને હવે મીડિયાની પણ જરાય ચિંતા, ડર કે જરૂરત, અગત્યતા…ત્યાં સુધી નથી, જ્યાં સુધી એમની વિરુદ્ધ પુરાવાઓ સાથે એમના કાળા કરતૂતો માધ્યમોમાં પ્રસિદ્ધ ના થાય…બાકી હાઇકમાન્ડ માઇ બાપ, ગોડ ફાધર્સ તો છે જ…જેમના નથી, એ ‘બિચારા’ સત્તા અને હોદ્દાઓથી કોશો દૂર ખુરશીઓ ગોઠવવામાં જ કામ લાગે છે…શાંતિથી ગુટબાજી, જૂથ બાજીના તમાશા, અને હાઈકમાન્ડના મેન્ડેટ સુધી પ્રજા રાહ જોવી, એ જ શાણપણ છે, એવું ગાંધીજીના તીન બંદર જેવા ભરૂચના નેતાઓએ ભલ ભલાને શીખવી દીધું છે…મતદાતા તો બિચારો એકજ દિવસનો બાદશાહ, પછી ગુલામ જ છે.