Published By : Parul Patel
- રાજ્યના મુખ્યમંત્રીની સત્તાવાર મુલાકાત 20 એપ્રિલ ને ગુરુવારે.
- ભરૂચ જિલ્લાનું ભાજપ સંગઠન એકરૂપ-સંગઠિત થઈને શહેર-જિલ્લાની સમૃદ્ધિ-વિકાસ, પડતર સમસ્યાઓના નિકાલની ધારદાર રજુઆત કરી શકશે ?
- મુ.મંત્રી ની સવારે સંગઠન સાથે બૃહદ બેઠક,જનપ્રતિનિધિઓ ની બેઠક,સંઘ અને સંકલન બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે…

લાંબા સમય પછી, બીજીવાર મુખ્યમંત્રી બન્યા પછી ભરૂચ જિલ્લાની કદાચ આ પ્રથમ પક્ષીય મુલાકાત હશે. માં.મુખ્યમંત્રી શ્રી નો કાર્યક્રમ કદાચ સરકારી નથી, સંગઠન અને રાજકીય પક્ષના સરકારના નેતા તરીકેનો છે. એટલે વહીવટી તંત્રએ કોઈ પ્રેસનોટ-અખબારી યાદી જાહેર નથી કરી. પણ ખુદ ભારતીય જનતાપક્ષના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ કે એમના પક્ષના જવાબદાર સંગઠનના બીજા નેતાઓ જેવા કે ઉપપ્રમુખો, મહામંત્રીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ મીડિયાને પ્રત્યક્ષ તો ઠીક, પરોક્ષ પણ જાણ કરી નથી. રહસ્યમય મૌન રાખ્યું હતું. કદાચ એમના ખોટા કામો, નિષફળતા કે જૂથ બંધી મુ.મંત્રીની નજરે ના ચઢે એ માટે ગુપ્તતા રાખી હોય…ખોંખા ખોળા કરી મેં કાર્યક્રમ શોધ્યો ત્યારે ખબર પડી.
મુ.મંત્રી શ્રી નો 20મીનો આખા દિવસનો કાર્યક્રમ જે.પી.કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે રાખવામાં આવ્યો છે. સવારે 10 થી 12 ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની બૃહદ બેઠક મળશે જેમાં આખા જિલ્લાના મોરચા અને મંડળ સ્તરના કાર્યકર્તાઓ સહિતના ભાજપના મહત્વના સભ્યો મુ.મંત્રી ને મળશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યાથી સવા વાગ્યા સુધી, સવા કલાક – 75 મિનિટની બેઠક જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારી શ્રીઓ સાથે તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અર્થાત 5 MLA અને સાંસદ સાથે 30 મિનિટની બેઠક, RSS-સંઘ પરિવાર સાથે સંવાદ માટે મુ.મંત્રી શ્રી એ એક કલાક ફાળવ્યો છે. છેલ્લે જિલ્લા ભાજપની સંકલન સમિતિ સાથે 45 મિનિટનું સંકલન પણ મુ.મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કરશે.
આ પક્ષીય માળખાનો કાર્યક્રમ છે, પણ પ્રદેશ પ્રમુખ કદાચ હાજર નથી. શ્રી ભુપેન્દ્ર પટેલ એક સૌમ્ય વ્યક્તિત્વ વાળા, સરળ પ્રકૃતિના, નિખાલસ અને સ્પષ્ટ વકતા, પ્રમાણિક મુ.મંત્રી તરીકે ની છાપ ઉપજાવી શક્યા છે. પણ લાખ રૂપિયા નો સવાલ એ છે કે ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની વરવી લઢાઈ, સંપૂર્ણ ધનધાદારી-વ્યાપારિક અભિગમ અને ભારે જુથબંધી, ભ્રષ્ટાચાર, અણઘડ વહીવટ અને પ્રજા સાથેના નાતા નો અભાવ, નિષ્ક્રિયતા…તારા-મારા નું રાજકારણ જેવી બેઝિક અને પાયાની માહિતી મુ.મંત્રી પાસે ક્યાંથી હોય?? સિવાય કે આઇ.બી.રિપોર્ટ્સ ધ્યાને ચઢ્યા હોય તો…
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ પદની ચૂંટણીઓ નજદીકમાં જ છે, પક્ષમાં આંતરિક અસંતોષ ચરમ સીમાએ છે, અને બીજી ટર્મનું રિન્યુઅલ લેવાના પ્રબળ દાવેદાર એવા મારુતિસિંહ અટોદરિયા માટે આ ખુબજ અગત્યની બેઠક બની જવાની છે…ચૂંટણીઓમાં બેઠકો મેળવ્યા પછી ભાજપએ ભરૂચ શહેર- જિલ્લા માટે ખરેખર શું કર્યું છે…? એ CM કોમન મેન બની ને પૂછે તો ખબર પડે કે ખાણ અને ખનિજે જિલ્લામાં સરકાર ને કેટલું અને પક્ષના બિઝનેસમેનો ને કેટલું કમાઈ આપ્યું છે. મેં CMOમાં ત્રણ ખાણ ખનીજ ની જાહેરાતો મોકલી તપાસ તો માંગી જ છે…પણ જો આ બેઠકમાં મનસુખલાલ પક્ષમાં જ ચાલતા વ્યાપાર, ગુંડા ગરદી, ભ્રષ્ટાચાર અને પક્ષની જ ઘોર ખોદનારાઓ ને ખુલ્લા પાડે તો જ ભરૂચ, પક્ષ અને દેશ સેવા સાચી કરી ગણાશે.
જિલ્લા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પણ અતિથિ દેવો ભવ: બનેલા CM સાહેબ ને કહેવાનું છે કે અમારા ભરૂચ ને સુંદર, રેહવા લાયક અને પ્રેમ કરવા જેવું બનાવવા જે કાંઈ થઈ શકતું હોય તે કરો. સ્વચ્છ બનાવવા જરૂર પડે પાલિકાને સુપરસિડ કરી, સક્ષમ અને બાહોશ વહીવટી અધિકારી આપો…આ કામ કોઈ ભરુચી હાઇકોર્ટ જઈ ને કરાવે એના કરતાં પાર્ટી જ જનહિતમાં માંગે, તો વટ પડી જાય. મહા નગરપાલિકા માટે પણ જરૂર પડે હાથ જોડી સંગઠનએ, મુખ્ય મંત્રીને મનાવવા જોઈએ…બૌડા માટે પણ કોણ રજુઆત કરશે? સરકાર કેમ કોઈ વધારાનો જનપ્રતિનિધિ કે સક્ષમ અન્ય ટેક્નિકલ યોગ્યતા ધરાવતા કે દીર્ઘ દ્રષ્ટિવાળા સ્વતંત્ર હવાલો ધરાવતા, IAS અધિકારીની નિમણુંક બૌડાના ચેરમેન તરીકે કેમ કરતી નથી? 85 ગામો સમાવ્યા, 13 સ્કીમો બનાવવાનું નક્કી કર્યું, 11 વર્ષ કર્યું શુ? કેટલું કામ થયું? ભરૂચમાંથી ઉઘરાવેલું,વસુલ થયેલું સત્તાવાર ભંડોળ કેટલું? ક્યાં ગયું? વપરાયું?નંદેલાવ, અંકલેશ્વરની 6 અને ભરૂચની 7 ટી.પી.સ્કીમો નો હિસાબ ચૂંટાયેલા નેતાઓ આ બેઠકમાં માગશે ખરા? પૂછજો CM સાહેબને કે એક જ પરમેનન્ટ કર્મચારી અને બાકી બધા જ હંગામી કર્મચારીઓથી જ બૌડા ચાલશે? ક્યાં સુધી? આખો, ભરૂચ ઔદ્યોગિક જિલ્લો ચલાવતા જિલ્લા કલેકટર શ્રી હોદ્દાની રુએ 60 સંસ્થાઓના ચેરમેન હોય છે, ભરૂચમાં 61 માં ચેરમેન બૌડા ના…એકલા હાથે આ સાહેબ કેટલું કરે? ક્યાં ક્યાં જાય, દોડે? ભારતીય જનતા પક્ષે જિલ્લાને શુ પછાત, અવિકસિત જ રાખવો છે? કેટલી ટી.પી.બની? કેટલી અમલ માં આવી? ક્યારે પુરી થશે? પાર્કિંગ ની સમસ્યા કોણ હલ કરશે? ક્યારે..?
ડ્રેનેજ સિસ્ટમનો વિલંબિત પડતર પ્રશ્ન, ટ્રાફિક નિયમન, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ, રંગ ઉપવનનું નવીનીકરણ, પાલિકાની દેવાળીયા વહીવટ, ગ્રાન્ટનો ગેરકાનૂની દૂરઉપયોગ, પૂરતી ગ્રાન્ટનો અભાવ…આવા તો અનેક ધારદાર અને જીવન જરૂરિયાતના પ્રશ્નો મુ.મંત્રી સાથે ચર્ચવા અનિવાર્ય છે…સહુથી મોટી વિટમબણાં તો નર્મદાના મીઠા પાણીની છે…પાલિકા શા માટે મીઠું પાણી બે ટાઈમ ના આપે? સરદાર સરોવરને ભરૂચ પાલિકા કેમ ચાર્જ ચૂકવે? નર્મદા ડેમનું જોખમ ભરૂચ ઉઠાવે, અને ભરૂચ જ નર્મદાના પાણી થી વંચિત રહે, એ ક્યાંનો ન્યાય…? જો પ્રજાના નેતાઓ હવે જાગૃત નહીં બને, તો પ્રજા વિફર્સે એ નક્કી…અને જન આક્રોશ જન આંદોલન બને એ પેહલા પ્રજાના અધિકારો, જરૂરિયાતોને ચૂંટાયેલા નેતાઓએ પુરી કરવી જ જોઈએ…
આ પક્ષીય કાર્યક્રમ હોઈ, ભાજપે મીડિયાને તો દૂર જ રાખ્યું છે…કારણ જિલ્લા ભાજપની જેટલી પોલમ પોલ મીડિયા જાણે છે… જિલ્લા ભાજપના વહીવટની દુર્દશા… એ જો બહાર પડે, તો મુ.મંત્રી આખું સ્થાનિક ભાજપનું સંગઠન જ વિખેરી નાખે…
લાખ રૂપિયાનો પ્રશ્ન એ કે, શું જનતા જનાર્દન ના “એક નરેન્દ્ર અને એક ભુપેન્દ્ર” ના મોદી સાહેબ ના પ્રિય મુ.મંત્રી આ ભરૂચની બેઠક પછી એક પ્રેસ કોન્ફ્રન્સ કરશે ખરા…??? રાહ જોતા રહો…પારદર્શી વહીવટની…
ગઈ કાલના V BLOG માં ટેક્નિકલ ખામીને લઈ, સહુ પુરો બ્લોગ સાંભળી ના શકનાર મિત્રોની ક્ષમા યાચના સાથે, આજે સાદો બ્લોગ મુક્યો છે થોડું ઓવર ટેક કરીને CM ને આવકારતા અને ભરુચિઓ ના દર્દ, પ્રશ્નો રજૂ કરતા આ બ્લોગ સાથે…ક્રમશ:…