Published By : Parul Patel
- દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે માટે સંપાદિત જમીનોનો ઊંચો ભાવ કેટલો વાસ્તવિક કેટલો અવાસ્તવિક???
- બધા વિસ્તાર-ગામડાઓની જમીનો એક જ સરખા ભાવે-જંત્રીએ કેવી રીતે હોઈ શકે ? શુ સંપાદિત જમીનોના ઊંચા ભાવે તે પછીની બાકી જમીનો કોઈ ખરીદશે ખરું ?
- બ્લેકના વ્હાઇટ કરનારા બે ચાર રાજકારણીઓ-નેતાઓની દલાલીના કારણે સંપાદનમાં જવા સિવાયની, અન્ય જમીનો કોઈ ખરીદનારું મળે ખરું?
- ભરૂચ જિલ્લાની જમીનોમાં કોના કારણે ખેડૂતો અટવાયા ? આખો મામલો વિવાદમાં કેમ??વિલન કોણ?
બધાના સારા દિવસો આવતા તો હોય છે જ…પણ એ પ્રકૃતિ દત્ત હોય તો જ એવું સારું અને સદ્ધર જીવન સરળતાથી મળે છે, ટકે છે અને વિસ્તરે પણ છે. કેટલીક વાર કૌભાંડો અને રાજ રમતો થકી અચ્છે દિન લાવવા વાળા લોભીઓ ક્યારેક બહુ બુરી રીતે ફસાય છે…ખાસ કરીને વિકાસના કામો માટે, જ્યારે જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટસ અમલમાં આવવાના હોય છે, ત્યારે તેવી સંભવિત જગ્યાઓની પૂર્વ માહિતી સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને એડવાન્સમાં જ મળી જતી હોય છે, અને એ પણ 3…4 વર્ષ પૂર્વે…અને પછી શરૂ થાય છે આવી જમીનોની બાનાખત પર ખરીદ વેચાણના ગેરકાનૂની ખેલો…જમીનના મૂળ માલિકોને ખબર જ ન હોય એવા કેસમાં પૂર્વ માહિતી મેળવીને, કરોડોની કિંમતની જમીનો નીચા ભાવે બાનાખત કરી લઈ, મોટા જમીન લે વેચના ખેલ ગુજરાતમાં દાયકાઓથી ખેલાયા છે, જેમાં ભરૂચ જિલ્લાની અનેક GIDC ની જમીનો પહેલા આવા કૌભાંડોમાં નિમિત્ત બની છે. છેલ્લા 3…4 વર્ષથી મોદી સરકારના ફોર લેન, સિક્સ લેન રસ્તાઓ, બુલેટ ટ્રેન પ્રોજેકટ, એક્સપ્રેસ વે ના આધુનિક માર્ગો કેન્દ્ર અને રાજ્ય સરકારો એ વિકાસની ક્ષિતિજો પર ખુલ્લા મુકાતા, એક સમયનો નાદાર અને ગરીબ ખેડૂત લખપતિ-કરોડપતિ બની ગયાના અસંખ્ય ઉદાહરણો બજારમાં મળી આવે છે…’ખુલ જા સિમ સિમ’ ની જેમ રોડમાંથી કરોડપતિ થનારા જૂજ કિસાનો કરતા વધારે મોટી સંખ્યામાં તો બે નંબરી લે વેચ કરનારા દલાલો, ટૂંકા ગાળામાં કરોડો કમાઈ લેતા દલાલો હોય છે…
ભરૂચ જિલ્લાના અનેક ગામોની જમીનોમાંથી બુલેટ ટ્રેન તેમજ એક્સપ્રેસ વે નીકળતા હોઈ,અસંખ્ય એકર જમીનો કેન્દ્ર સરકારે સંપાદિત કરવાની આવી છે…આ પૈકી ઘણી જમીનો બિનવિવાદ પણે સંપાદિત થઈ ગઈ, ખેડૂતોએ રૂપિયા પણ તિજોરીઓમાં મૂકી દીધા છે. પરંતુ અંકલેશ્વર તાલુકાના ચાર પાંચ ગામોની સંપાદનમાં જનારી જમીનોના વળતરનો મુદ્દો ભારે પેચીદો અને વિવાદાસ્પદ બન્યો છે…વલસાડ,વાપી,નવસારી,ભરૂચ,વડોદરા,આણંદ વિગેરે જિલ્લાની બહુ મોટા વિસ્તારમાં આવી જમીનો સંપાદિત થયેલી છે. જેમાં જે તે વિસ્તારની જંત્રીનો ભાવ હોય એનાથી ચાર-પાંચ ઘણા ઊંચા ભાવે ખેડૂતોને ચુકવણી કરાઈ છે…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દિવા, આંબોલી, નાંગલ તથા બીજા ગામો ની જમીન સંપાદનમાં લેવાતાં, ત્યાંના ખેડૂતો એ નવસારી તથા આસપાસના ગામોમાંથી જે ઊંચા ભાવે જમીનો ખરીદાઈ એ ભાવો મેળવવા બહુ લાબું આંદોલન પણ કર્યું, અને નારાજ થયેલા ખેડૂતોની નારાજગીની ચૂંટણી સામે બીક બતાવી કેટલાક ગણ્યા ગાંઠ્યા નેતાઓ એ જે તે સમયે ભારતીય જનતાપક્ષ ના નેતાઓને ડરાવી દબાણ ઉભું કરી ધાર્યો ભાવ નક્કી કરાવ્યો, વાત દિલ્હી દરબારમાં નીતિન ગડકરી સાહેબ સુધી પહોંચી ને ધાર્યું ખેડૂતોનું થયું પણ ખરું…સંપાદન અધિકારીએ એક ચો.મીટર ના 900 રૂપિયા માટેની કિંમત સ્વીકારી…જો આ બેઝિક ભાવ નક્કી થાય તો સંપાદનમાં જનારી જગ્યા SC ના નિર્ણય મુજબ એક વીંઘાના 90 લાખ રૂપિયા ખેડૂતને મળે…વળી જો એ જમીનમાં ખેતી, ઝાડપાન જેવી મિલકત હોય તો એનો પણ અલગ ભાવ પડે…સામી ચૂંટણીએ રાજકારણ ખેલાયું, સાચો ફાયદો કોનો હતો? સાચા ખેડૂતોનો કે બાનાખત પર વેચાણ લઈ લેનાર દલાલો નો? મીડિયામાં ખૂબ ચગેલા આ વિવાદે ઘણા નામોને ચર્ચામાં લાવ્યા…પણ 900 નો ભાવ નાંખતા એક સમય તો બધું ઠંડુ પડ્યું…પણ પ્રાપ્ત અનઅધિકૃત માહિતી મુજબ આ નિર્ણય પછી પણ કેન્દ્ર સરકારે એ મુજબ ચુકવણું કરવામાં વિલંબ કે ઇનકાર થતાં કરોડો રૂપિયાની રાહ જોતા સાચા કિસાનોની સાથે સાથે દલાલો પણ હાલ તો ભેરવાયા છે, રાજકિય દબાણો પણ ફાવ્યા નથી, અને કેન્દ્ર સરકાર ગાંઠવાના મૂડમા પણ નથી…
દરમ્યાન આ ગૂંચવાયેલા મામલે તપાસ કરતા કઇંક એવું જાણવા મળ્યું છે કે, માત્ર સંપાદિત થનારી જમીનો ને જો આ ઊંચી કિંમતે દસ્તાવેજ થાય, અને એ ઊંચી કિંમતની જંત્રી આસપાસની તમામ જમીનો ની અંકિત થાય તો શું આવા અને એટલા ઊંચા ભાવે જે તે વિસ્તારમાં બિનસંપાદિત જગ્યાઓ-જમીનો ની લે વેચનું માર્કેટ સંભવિત થાય ખરું? ટૂંકમાં સરકાર સિવાય જે ભાવ જંત્રીનો નક્કી થઈ ગયો હોય, એ ભાવે સામાન્ય કોઈ વ્યક્તિ જમીન લે વેચ કરશે ખરો?? હરગીઝ નહીં, કારણ એને એ ઊંચી જંત્રી મુજબ દસ્તાવેજ કરવો પડે, નીચી કે સાચી માર્કેટ કિંમતના સોદા સત્તાવાર સ્વીકાર્ય ના બને…આવી સ્થિતિમાં અસંખ્ય ખેડૂતો વિરોધમાં ઉતરે એ સ્વાભાવિક છે…
જૂની કહેવત મુજબ, ડોશી મર્યાની નહીં, જમ ઘર ભાળી ગયા એની વિશાળ સંખ્યાના ખેડૂતોની ચિંતા કેન્દ્ર સરકારને પેઠી છે ને કદાચ આ જ કારણે, આ વિસ્તારની જમીનોની કિંમત ખેડૂતોને નજદીકના ભવિષ્યમાં મળશે એવું જણાતું નથી. ગણ્યા ગાંઠ્યાને ફાયદો કરાવવાની લ્હાયમાં આખું ગામ અને એના ખેડૂતોનું ભવિષ્ય ઊંચી કિંમતો જો એ જમીનો કોઈ ના ખરીદે તો ભારે અંધકારમય બની જાય, પણ ટૂંકી બુદ્ધિ અને દ્રષ્ટિના સ્વાર્થી લોકો આવું વિચારે ખરા?? આ એક સનાતન સત્ય છે જે સંપાદિત જમીનોની મોટી કિંમતે ચુકવણું માંગતા ખેડૂતો ભલે એ સાપેક્ષ ભાવોની દલીલ આપતા હોય ને સાચા પણ હોય,પણ બિનસંપાદિત બાકી રહી જતી વિશાળ સંખ્યાના ખેડૂતોની જમીનના જંત્રી ના અવાસ્તવિક, ઊંચા ભાવે દસ્તાવેજ ના થવાની સ્થિતિ એ લટકી જનાર અને દુઃખી થનાર અસંખ્ય કિસાનો નું કોણ બેલી?? એક કિસાન આગેવાને ચેનલ સમક્ષ કબુલ્યું પણ ખરું કે એક જ શહેરના ખૂણે ખૂણે અલગ જંત્રી હોય, તો જુદા જુદા ગામોમાં પણ જુદી જુદી જ હોય, તો એક જ ભાવે સંપાદિત જમીનોનું વળતર કોઈ કેવી રીતે માંગી શકે?? આ પ્રશ્ન સહુ કોઈને છે…પણ મોકે કા ફાયદા ઉઠા લો ની તર્જ પર એક સમયે ખુશ થઈ ગયેલા ખેડૂતો અને એમનું ઉપરાણું લઈને નામ-દામ કમાવવા દોડા દોડી કરનારાઓ હમણાં તો ભેરવાયા છે અને સરકારને લાલ આંખ બતાવી, વિકાસનું કામ રોકીને બેઠા છે..પણ ક્યાં સુધી??? કોઈ પણ મુદ્દે જ્યારે કેન્દ્ર સરકાર કડક બને ત્યારે પ્રજાએ ઝુકવું પડતું હોય છે, હા,કોર્ટ કચેરીઓ ખુલ્લી તો છે…પણ જીતવાની ગેરેન્ટી કોણ આપે?? અને લાંબા સમયની લડત પણ કોણ લડશે?? માત્ર હોંકારા દેકારો કરનારાઓ હમેશા જીતતા નથી…
ભરૂચની પ્રજા આ આખા મુદ્દે હાર-જીતના ગણિત માડનાર નેતાઓ અને અનિશ્ચિતતામાં અટવાયેલા કિસાનોની રમત-ન્યાય-અન્યાયની લડત પર બારીક નજર નાખીને બેઠી છે..કોઈકે તો સમજવું કે સમજાવવું જ પડશે કે શું, કેટલું ને કોના હિતમાં છે અને કોણ કેટલું સાચું, ખોટું અને કઈ રમતોમાં વ્યસ્ત છે…યુદ્ધ મોટું અને કરોડો રૂપિયાની ચુકવણી અને અનેક શંકાઓ સર્જનારું છે. સરકાર ધારે તો એક કેન્દ્ર દ્વારા સમિતિની તત્કાળ રચના કરી, સત્ય અને ન્યાયનો નિર્ણય જાહેર કરી શકે છે, આ આખા મામલામાં જેમના નામો રાજકિય લાભાર્થીઓ તરીકે ચર્ચા ના ચકડોળે ચઢ્યા છે એમની ગુપ્ત રહે બાતમી મેળવી સાચાને સાથ ને ખોટા ને મ્હાત(હાર) આપી પ્રશ્ન ઉકેલી શકે છે, જરૂર છે યોગ્ય અને ત્વરિત સંકલ્પ શક્તિ-નિર્ણય ની…સમસ્યાના ઉકેલ ની…