કચ્છ જિલ્લામાં હરામીનાળા વિસ્તારમાંથી BSFએ પેટ્રોલિંગ દરમિયાન બોટમાં સવાર ત્રણ પાકીસ્તાનની નાગરિકને ઝડપી લીધા છે. BSFએ ત્રણ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા છે. ઝડપાયેલા ત્રણ માછીમાર પૈકી એક અલી અઝગર અગાઉ 2017માં પણ આ જ રીતે ઝડપાઇ ચુક્યો હતો. તે એક વર્ષ ભુજ જેલમાં રહયા બાદ પાકીસ્તાન પરત ગયો હતો. પરંતુ હવે તે ફરી ભારતમાં પકડાઇ ચુક્યો છે. કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પકડાયેલી બોટમાં અન્ય લોકો સવાર હોવાની પણ માહિતી છે. જો કે તે લોકો ફરાર થઇ ગયા હોવાની જાણકારી મળી છે. ત્યારે BSFએ હાલ પકડાયેલા ત્રણ માછીમારોની પુછપરછ હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.
કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલો જિલ્લો છે. કચ્છ જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં વારંવાર પાકિસ્તાન તરફથી ઘૂષણખોરી થવાની દહેશત રહેતી હોય છે. ત્યારે અહીં બીએસએફ દ્વારા સતત કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ થતુ રહેતુ હોય છે. 11 ડિસેમ્બરે એટલે કે ગત રાત્રે પણ બીએસએફ દ્વારા હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ. તે સમયે એક શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. બોર્ડર વિસ્તારમાં એક બોટમાંથી બીએસએફે ત્રણ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા.