- દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે-– સાંસદ મનસુખભાઈ વસાવા
- પંજાબના અટારી બોર્ડરથી શરૂ થયેલી બીએસએફની બાઈકરેલી 2168 કિ.મી. નું અંતર કાપી એકતાનગર આવી પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત
કેવડીયા
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ કરતા અટકે તેવા શુભ આશયથી પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી નીકળી હતી. આ બાઈક રેલી દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને અંદાજે 2168 કિ.મી. નું અંતર કાપીને તા.11 મી ઓક્ટોબર, 2022ની સાંજે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચી હતી. આ રેલીનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં બીએસએફના આઈ.જી. જી.એસ. મલિક, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ સહિત જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરી ફ્લેગ ઈન કરવામાં આવ્યું હતું.

બીએસએફની બાઈક રેલીના સમાપન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અટારી બોર્ડરથી શરૂ કરાયેલી ભારતીય સેનાની બાઈક રેલી દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈને સ્વતંત્રતા બાદ દેશના રજવાડાઓને એકઠા કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે આવી પહોંચી છે, ત્યારે આ સુરક્ષા જવાનોની દેશભાવના જોઈ અત્યંત ગર્વની લાગણી અનુભવ છું. દેશની તમામ સુરક્ષા પાંખો અને તેમાં સેવારત જવાનો પરિવારની પણ ચિંતા કર્યા વિના સમાજ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે છે.

આ અવસરે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફના જવાનો અને મહિલા સીમા ભવાની બાઇકર્સ ગ્રુપ દ્વારા વિવિધ કરતબો દર્શાવાયા હતા. આ રાઇડર્સ ગ્રુપે તેમના કરતબો દર્શાવી અગાઉ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું સ્થાન અંકિત કર્યું છે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફની બેન્ડ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી પણ પ્રસ્તુત કરાઈ હતી. બીએસએફના જવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ભાંગડા નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને બતાવેલી આરોગ્યની ગુરુચાવી એવા યોગાનું બીએસએફ ગુજરાત વિંગ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.

બીએસએફના આઈ.જી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, બીએસએફના ૩૦ બાઈક રાઇડર્સ જેમાં 15 પુરુષ અને 15 મહિલાઓની ટીમ તા.૨ જી ઓકટોબરના રોજ પંજાબના વાઘા બોર્ડરથી નીકળી હતી. જે આજરોજ અહીં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી છે. જેનું ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા સ્વાગત કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે રસ્તામાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના જગાવવા સાથે બીએસએફમાં ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની સમજણ આપી યુવાધનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(ઈનપુટ : દિપક પટેલ, રાજપીપળા)