Published By : Patel Shital
- રાજયમાં આવતીકાલે 3 જી માર્ચથી CNG ગેસ પંપના ડીલરોએ અચોક્કસ મુદ્દત સુધી ગેસનું વેચાણ બંધ રાખવાનું એલાન જાહેર કરી હડતાલ અંગેની જાહેરાત કરી હતી પરતું વાટાઘાટો સફળ સાબિત થતા હડતાલ મુલતવી રખાઈ
આજે ગેસ કંપનીઓ સાથે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ની મિટિંગ મળતા ગેસ કંપનીઓએ ડીલરોને માર્જીનમાં સુધારો આપવાની ખાત્રી આપતા આવતીકાલ તા 3 માર્ચની ગેસ વેચાણ બંધની હડતાલ મુલત્વી રાખવામાં આવ્યું હોવાનું ડીલર એસો.ની યાદીમાં જણાવ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ના જણાવ્યાં પ્રમાણે ઓઇલ કંપનીઓ સાથેની બેઠકમાં એવી બાંહેધરી આપવામાં આવી છે કે તેમનું ડીલર માર્જીન 20 મી માર્ચ સુધીમાં આપી દેવામાં આવશે. એકંદરે 4 વર્ષ જુની માંગણીનો ઉકેલ આવી જતા હડતાલનું એલાન પરત ખેંચવામાં આવ્યું છે. ગેસ કંપનીઓ છેલ્લાં 55 મહિનાથી ડીલરોના માર્જીનમાં વધારો નહીં આપતા ડીલર એસો.એ ગેસ વેચાણ બંધ કરવાનું એલાન આપતા જ ગેસ કંપનીઓએ આજે ડીલર એસો. સાથે તાત્કાલિક બેઠક યોજી ડીલરોની માર્જીનની માંગ સંતોષવા ખાત્રી આપતા ડીલર એસો.એ હડતાલ પરત ખેંચી લીધી છે. જેને કારણે CNG ગેસ પંપો રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ફેડરેશનના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણી અને CNG કો.ઓર્ડી. ગોપાલભાઇ ચુડાસમાની યાદીમાં જણાવાયું છે.