Published By : Parul Patel
આવનારા માત્ર ગણતરીના દિવસો બાદ નવી દિલ્હીમાં યોજાનારી. G 20 સમિટ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચીન અને રશિયા એવા બે મોટા દેશ છે. જેમના રાષ્ટ્રઅધ્યક્ષ આ સમિટમાં ભાગ લેવા નથી આવી રહ્યા. અમેરિકાએ હવે ચેતવણી આપી છે કે, આ બંને દેશો G-20 સમિટના સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી અંતર રાખશે. આવનાર તા 9-10 સપ્ટેમ્બરે યોજાનારી આ સમિટને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અમેરિકાનું આ નિવેદન ચિંતા વધારી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંયોજક જોન કિર્બીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ભારત મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમના દેશો અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે શક્ય છે કે તેઓ સંયુક્ત નિવેદન પર સહમત ન થાય.
અત્રે નોંધવું રહ્યું કે G-20 સમિટના અંતે, એક સંયુક્ત નિવેદન જાહેર કરાય છે, જે તે સમિટની અધ્યક્ષતા કરનાર દેશના નામથી ઓળખાય છે. એટલે કે આ વખતે પ્રસિદ્ધ થનાર સંયુક્ત નિવેદનને દિલ્હી ઘોષણા કહેવામાં આવશે. જેના પર ભારત દ્વારા મહોર મારવામાં આવશે. દરેક સમિટનો કોઈને કોઈ મુખ્ય એજન્ડા હોય છે. જેમાં તમામ ચર્ચા કર્યા પછી જ સંયુક્ત નિવેદન કરવામાં આવે છે. જૉકે હાલ જોન કિર્બીએ માત્ર એટલું જ કહ્યું કે 20 દેશોને સાથે લાવવા મુશ્કેલ છે. જૉકે ભારતીયો ઈચ્છે છે કે, દરેક દેશ સંમત થાય. યુક્રેનના મુદ્દાને કારણે રશિયા અને ચીન તેનાથી અંતર રાખી શકે છે, કારણ કે તેઓ સંયુક્ત નિવેદનમાં જે પ્રકારની કડક ભાષાનો ઉપયોગ કરી શકાય તેને તેઓ ટાળવા માંગશે.