ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરના બોમ્બે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. ICICI કથિત લોન કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ધરપકડ કાયદા અનુસાર થયેલી નથી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દંપતીની ધરપકડ CrPCની કલમ 41Aના આદેશ અનુસાર નથી.
2012માં લોન મંજૂર કરવામાં છેતરપિંડી અને અનિયમિતતા આચરવા બદલ સીબીઆઇ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઇએ ચંદા કોચર, તેમના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત ઉપરાંત નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ આઇપીસીની વિવિધ જોગવાઇઓ અને પ્રિવેન્શન ઓફ કરપ્શનની વિવિધ જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.