Published by : Vanshika Gor
હાલમાં જ ફેમસ ગીતકાર જાવેદ અખ્તરે પાકિસ્તાનના લાહોરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે આતંકીઓને પાકિસ્તાનમાં આશરો આપવા બદલ નીંદા કરી હતી. જ્યારથી આ વાત તેમણે કરી છે ત્યારથી રોજે રોજે નવી નવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
જ્યારે જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે ત્યાં હાજર લોકો તાળીઓ વગાડી હતી જો કે પછી તે જ લોકોએ તેમની આલોચના કરી હતી. હવે, આ મામલે જાવેદ અખ્તરે એક ઇવેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે, ‘મેં નિવેદન આપ્યું છે પરંતુ હું કોઇ દિવસ મારી વાત સ્પષ્ટ રીતે કહેવા માટે પાછો હટ્યો નથી. આ મામલો હવે બહુ મોટો થઇ ગયો છે. હું શરમ અનુભવવા લાગ્યો છું. મને લાગે હવે મારે આ મામલે કઇ ન કહેવું જોઇએ. જ્યારે ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે મેં વર્લ્ડ વોર 3 જીતું લીધું હોય. આ નિવેદન પર મીડિયા અને લોકોએ એટલા બધી પ્રતિક્રિયાઓ આપી કે મેં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.’
જાવેદ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને લાગ્યું કે મેં એવું તો કયું તીર મારી દીધું? હું આ વાતો કહેવા માંગતો હતો. શું આપણે ચૂપ રહેવું જોઈએ? મને હવે જાણવા મળ્યું છે કે મારા નિવેદનથી પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. લોકો ત્યાં મને ગાળો આપી રહ્યા છે. પૂછી રહ્યા છે કે મને વિઝા કેમ આપ્યા?’
જાવેદ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હવે મને એક જ વસ્તુ યાદ રહેશે કે તે કેવો દેશ છે. જે દેશમાં મારો જન્મ થયો છે ત્યાં હું અમુક અંશે વિવાદાસ્પદ નિવેદનો કરતો રહ્યો છું. હા, એ જ દેશ, જ્યાં હું મરીશ પણ. તો આવામાં ડરવાની શું વાત છે? જ્યારે હું અહીં ડરીને જીવતો નથી તો મારે ત્યાંની વસ્તુઓથી શા માટે ડરવું જોઈએ?’ જે રીતે આપણો દેશ પાકિસ્તાનના કલાકારોને આવકારે છે, તે રીતે ભારતીય કલાકારોનું પાકિસ્તાનમાં સ્વાગત નથી થતું.’