- મહિતને આગામી સમયમાં મુંબઈ IITમાં અભ્યાસ કરવાની આશા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી એન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેઇઇ(જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)મેઈન્સ ફેઝ-2ની જૂન-જુલાઈમાં લેવાયેલી પરીક્ષાંના પરિણામ જાહેર થયાં છે, જેમાં સુરતના મહિત ગઢીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સાથે દેશમાં (ઓલ ઈન્ડિયા)માં 29મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. 10મા ધોરણથી જ જેઈઈની પરીક્ષાની તૈયારી કરતા મહિતને ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા મળી છે. આગામી સમયમાં મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.
શિક્ષકોએ ગર્વ વ્યક્ત કર્યો
એલનના હેડ નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું હતું કે કુલ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ઓલ ઈન્ડિયામાં ટોપ 100માં સુરતના 2 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. એમાં મહિતે 29મો રેન્ક અને આનંદ શશિકુમારએ 58મો રેન્ક મેળવીને દેશમાં ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે, જે અમારા શૈક્ષણિક સ્ટાફ માટે ગર્વની વાત છે.

ડેન્ટિસ્ટ માતાએ ક્લિનિક બંધ રાખ્યું
મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલા અને માતા પ્રેમલ ગઢીવાલા બન્ને ડેન્ટિસ્ટ છે અને પોતાનાં ખાનગી ક્લિનિક ચલાવે છે. મહિતનાં માતા ડો. પ્રેમલ ગઢીવાલાએ જણાવ્યું હતું કે માહિત અમારું એકમાત્ર સંતાન છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. અમે તેને પૂરતો સપોર્ટ કરીએ છીએ. તેની તૈયારી માટે અમારા બન્નેમાંથી કોઈએ સાથે રહેવું જરૂરી હોવાથી મેં મારી પ્રેક્ટિસ ઘણા સમયથી છોડી દીધી છે. જ્યારે મહિતના પિતા મારું અને તેમનું બન્નેનું ક્લિનિક ચલાવતા હતા. માહિતે પ્રથમ ક્રમ રાજ્યમાં મેળવતાં અમને પણ ખૂબ ખુશી થઈ રહી છે.

આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા
મહિત ગઢીવાલાએ જણાવ્યું હતું કે આ પરીક્ષા ખૂબ જ ટફ અને ડીપમાં હોય છે. આમ તો બધા જ વિષય અઘરા હોય છે, પરંતુ શિક્ષકો દ્વારા યોગ્ય તૈયારી કરાવાતાં મારા માટે પરીક્ષા આસાન બની હતી. રોજની ક્લાસરૂમથી લઈને ઘરે એમ 14 કલાકની તૈયારી હતી, સાથે જ ડાઉટ ક્લિયર કરવા પર વધુ ફોક્સ કર્યું હતું. પેપર સોલ્વ કરવા પર વધુ પ્રેક્ટિસ કરી હતી, જેને કારણે આ પરિણામ મળી શક્યું છે. આગામી સમયમાં તેને આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.