Published by : Anu Shukla
- BJP-AAPના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા
- આમ આદમી પાર્ટી અને બીજેપી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે મેદાનમાં
દિલ્હી MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમને-સામને આવી ગઈ છે. 6 જાન્યુઆરીના રોજ કોર્પોરેશન હાઉસની મીટિંગમાં બંને પાર્ટીઓના સભ્યો વચ્ચે થયેલી ધક્કા-મુક્કી, હાથાપાઈ, મારપીટ બાદ કાર્યવાહીને આગામી તારીખ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ હવે બંને પક્ષો આ મામલે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરીને આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવી રહ્યા છે.
આ મામલે સોમવારે રાજકારણ ગરમાયુ હતુ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ મુખ્યાલય પર અને ભાજપના કાર્યકર્તાઓએ સીએમ આવાસ પર પ્રદર્શન કર્યું હતું. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને ચંદગીરામ અખાડા પાસે જ અટકાવી દીધા હતા.
આમ આદમી પાર્ટી અને બીજેપી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે મેદાનમાં છે. કોંગ્રેસ વોટિંગમાં ભાગ નથી લઈ રહી. આમ આદમી પાર્ટીએ ડો.શૈલી ઓબેરોયને મેયર અને આલે ઈકબાલને ડેપ્યુટી મેયરના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે મેયર પદ માટે રેખા ગુપ્તાને અને ડેપ્યુટી મેયર પદ માટે કમલ બગડીને મેદાનમાં ઉતાર્યા છે.