Published by : Vanshika Gor
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા શુક્રવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને સરકાર રચવાનો દાવો કરે તેવી શક્યતા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.અધિકારીએ જણાવ્યું કે, શાસક એનપીપીના પ્રમુખ સંગમા શુક્રવારે સવારે 11:30 વાગ્યે રાજભવનની મુલાકાત લેશે અને રાજ્યપાલને મળીને તેમને વિધાનસભા ચૂંટણીના પરિણામોથી માહિતગાર કરશે. તેમણે કહ્યું કે, NPP અને અન્ય સહયોગી પક્ષોના ધારાસભ્યો પણ તેમની સાથે આવશે. તેઓ આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) ગુરુવારે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જેણે 27 ફેબ્રુઆરીના રોજ મતદાનમાં 59 મતવિસ્તારોમાંથી 26 બેઠકો જીતી હતી.
ભાજપ સમર્થન આપી શકે છે
NPP 60 સભ્યોની વિધાનસભામાં 31ના જાદુઈ આંકડાથી ઓછી પડી હોવાથી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, સંગમાએ નવી સરકાર બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ટેકો માગ્યો છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP), જે સંગમા સરકારમાં NPPની સાથી હતી, તે 11 બેઠકો જીતીને બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. 2018ની ચૂંટણીમાં તેને માત્ર છ બેઠકો મળી હતી.
ટીએમસી અને કોંગ્રેસે પાંચ-પાંચ સીટો જીતી હતી
કોંગ્રેસ અને મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસીએ પાંચ-પાંચ બેઠકો જીતી હતી. નવી રચાયેલી વોઇસ ઓફ પીપલ્સ પાર્ટી (VPP) એ ચાર બેઠકો જીતી હતી, જ્યારે હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) અને પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટે બે-બે બેઠકો જીતી હતી. બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા.