Published by : Rana Kajal
- લોકસભા ચૂંટણી પહેલાં NDA પરિવારના વિસ્તરણ માટે ભાજપ વધુ પક્ષોને સાધશે….
એનડીએ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NDA પરીવારનું વિસ્તરણ કરવા વધુ પક્ષોનો સંપર્ક કરે તેવી સંભાવના છે…
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી અને તે પહેલાં 10 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એનડીએના પરિવારને વધુ વિસ્તૃત કરવા માટેની તૈયારીમાં છે. વૈચારિક વિરોધ છતાં મોદી સરકારના વિકાસના એજન્ડા પર સહમત રહેલા વિરોધ પક્ષોને ગઠબંધનમાં લાવવા માટેની સહમતિ પાર્ટીમાં થઇ ગઇ છે. જે રાજ્યોમાં પાર્ટી હજુ મજબૂત સ્થિતિમાં નથી, ત્યાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરવાના પ્રયાસ કરવામાં આવશે.
આ અંગે વિગતે જોતાં ભાજપના મહામંત્રીઓની હાલમાં જ બેઠક યોજાઇ હતી. જેમાં એનડીએના વર્તમાન અને ભાવિ સાથી પક્ષો પર ચર્ચા કરાઇ હતી. 10 રાજ્યોમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને પણ ચર્ચા થઇ હતી. સૂત્રોએ કહ્યું છે કે મિશન દક્ષિણને સફળ બનાવવા માટે ગઠબંધનની શરતોને વધુ ઉદાર બનાવશે. ખાસ કરીને જૂના સાથીઓની સાથે ગઠબંધન કરવા શરતો હળવી કરાશે.
આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), અભિનેતા પવન કલ્યાણની જનસેવાને સાથી પક્ષ બનાવવાના પ્રશ્ને ચર્ચા કરાઇ હતી. માનવામાં આવે છે કે, ટીડીપી સાથે ગઠબંધન કરીને ભાજપ આંધ્રપ્રદેશમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. ભાજપનું ધ્યાન તેલંગાણા પર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં બીઆરએસ (પહેલા ટીઆરએસ)ની સામે ટક્કર લેવા માટે જો ટીડીપી સાથે જોડાણ કરવાની જરૂર પડશે તો તે પણ કરશે.
ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યોમાં ચૂંટણી છે. અહીં ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં ગઠબંધન સરકાર છે. આ ત્રણેય રાજ્યોમાં ગઠબંધનના વર્તમાન ઘટક પક્ષોમાં સંબંધોને વધારે મજબૂત કરવા અને નવા સાથીઓને સામેલ કરવાના મુદ્દે પણ રણનીતિ બનાવાઇ હતી. પાર્ટીના એક મોટા નેતાએ કહ્યું છે કે ભાજપ ગઠબંધનને લઇને પહેલા વાતચીત કરશે નહીં પરંતુ ઉદાર વલણ અપનાવશે.