દવાઓની કિંમતો પર નજર રાખતી NPPAએ 128 એન્ટિબાયોટિક્સ અને એન્ટિવાયરલ દવાઓના ભાવમાં સુધારો કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આ દવાઓ માટે નિર્ધારિત મહત્તમ કિંમતો વિશે માહિતી આપતી સૂચના જારી કરી છે. તેમાં એમોક્સિસિલિન અને ક્લેવ્યુલેનિક એસિડના એન્ટિબાયોટિક ઇન્જેક્શન, વેનકોમિસિન, અસ્થમામાં વપરાતા સાલ્બુટામોલ, કેન્સરની દવા ટ્રેસ્ટુઝુમબ, પેઇનકિલર આઇબુપ્રોફેન અને તાવમાં આપવામાં આવતા પેરાસિટામોલનો સમાવેશ થાય છે.
નોટિફિકેશન મુજબ એમોક્સિસિલિનના એક કેપ્સ્યૂલની કિંમત 2.18 રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે સેટીરિઝિનની એક ટેબ્લેટની કિંમત 1.68 રૂપિયા છે. બીજી તરફ, ઇબુફેનની 400 મિલિગ્રામની ગોળી મહત્તમ રૂ.1.07ની કિંમતે વેચી શકાય છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, “આ નોટિફિકેશનમાં સમાવિષ્ટ ડ્રગ કોમ્બિનેશન ધરાવતી દવાઓનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓએ સરકાર દ્વારા નિર્ધારિત કિંમત (GST વધારાની) પર જ તેમના ઉત્પાદનોનું વેચાણ કરવું પડશે. જે કંપનીઓ તેમની દવાઓ નિર્ધારિત કિંમત કરતા વધુ ભાવે વેચી રહી હતી, તેમણે કિંમતમાં ઘટાડો કરવો પડશે.
NPPA એ ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013 હેઠળ 12 સૂચિત ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો પણ નક્કી કરી છે. ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી Glimepiride, Voglibose અને Metformin કોમ્બિનેશન ધરાવતી ટેબ્લેટની કિંમત 13.83 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એ જ રીતે પેરાસીટામોલ, ફેનીલેફ્રાઈન હાઈડ્રોક્લોરાઈડ, ડીફેનહાઈડ્રેમાઈન હાઈડ્રોક્લોરાઈડ અને કેફીનની એક ટેબ્લેટની છૂટક કિંમત 2.76 રૂપિયા રાખવામાં આવી છે.